Thu Jun 18 2026

Logo

દેવભૂમિ દ્વારકા LCBની મોટી કાર્યવાહી: રૂપેણ બંદર ગૌમાંસ પ્રકરણમાં વધુ બે શખ્સો ઝડપાયા

2026-03-24 17:14:43
Author: Mumbai Samachar Team
Article Image

દ્વારકા: જિલ્લામાં ગૌવંશની સુરક્ષા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. તાજેતરમાં દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં સામે આવેલા ગૌમાંસના જથ્થાના પ્રકરણમાં પોલીસને મોટી સફળતા મળી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમો દ્વારા આ ગુનાના મૂળ સુધી પહોંચવા માટે ચક્રગતિમાન કરવામાં આવ્યા છે, જેના પરિણામે લાંબા સમયથી ફરાર આરોપીઓ હવે પોલીસના સકંજામાં આવી રહ્યા છે.

ફેબ્રુઆરી 2026માં સલમાબેન ઇલીયાસભાઇ થૈયમના ઘરેથી મળી આવેલા ગૌમાંસના જથ્થાના કેસમાં LCB દેવભૂમિ દ્વારકાએ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. આ તપાસ   ઉર્ફે મુન્નાબાપુ સૈયદ નામના બે શખ્સોની સંડોવણી ખુલી હતી. તાજેતરમાં જ પોલીસે આ બંનેની ધરપકડ કરી તેઓ ક્યાં અને કેવી રીતે ગેરકાયદેસર માંસનું વેચાણ કરતા હતા તે જગ્યાઓનું પંચનામું કર્યું છે. આ કાર્યવાહીમાં LCB અને દ્વારકા પોલીસના જવાનોએ ઘટનાસ્થળે જઈ વિગતવાર પુરાવા એકત્ર કર્યા છે.

રૂપેણ બંદર અને ઓખા મંડળના વિસ્તારો અગાઉ પણ આવી પ્રવૃત્તિઓને કારણે ચર્ચામાં રહ્યા છે. ગત વર્ષે પણ દ્વારકાના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ગૌવંશની કતલ અને ગેરકાયદેસર માંસના હેરાફેરીના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા.

તે સમયે પણ પોલીસે ઓપરેશન હાથ ધરીને મોટા પાયે દબાણો દૂર કર્યા હતા અને કેટલાક શખ્સોની પાસા (PASA) હેઠળ અટકાયત પણ કરવામાં આવી હતી. વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે પોલીસ હવે દરિયાઈ પટ્ટી પર રાત્રિ પેટ્રોલિંગ અને બાતમીદારોનું નેટવર્ક વધુ મજબૂત બનાવી રહી છે.

આ સમગ્ર કેસની તપાસ પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળાના સીધા માર્ગદર્શન હેઠળ ચાલી રહી છે. LCB પો.ઇન્સ. બી.જે.સરવૈયા અને પો.સ.ઇ. બી.એમ.દેવમુરારીની ટીમ આ રેકેટમાં જોડાયેલા અન્ય સાગરીતોની પણ શોધખોળ કરી રહી છે. પોલીસનો ઉદ્દેશ્ય માત્ર આ કેસના આરોપીઓને પકડવાનો જ નથી, પરંતુ ભવિષ્યમાં આવી અસામાજિક પ્રવૃત્તિઓ અટકે તે માટે કડક દાખલો બેસાડવાનો પણ છે. આરોપીઓ દ્વારા માંસના જથ્થાના વેચાણ માટે ઉપયોગમાં લેવાતા નેટવર્કને તોડી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સની પણ મદદ લેવામાં આવી રહી છે.

દ્વારકા જેવી પવિત્ર નગરીમાં ગૌવંશ પ્રત્યેની આવી ક્રૂરતા સામે આવતા સ્થાનિકો અને જીવદયા પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો. જોકે, પોલીસની ત્વરિત અને તટસ્થ તપાસથી લોકોમાં વિશ્વાસ બેઠો છે. આ અગાઉ પણ મીઠાપુર અને ઓખા પંથકમાં થયેલી ડ્રગ્સ અને ગેરકાયદેસર કતલખાના વિરોધી ઝુંબેશ બાદ, આ કેસમાં થયેલી ધરપકડથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ દ્વારા રૂપેણ બંદર જેવા સંવેદનશીલ વિસ્તારોમાં સતત વોચ રાખવામાં આવી રહી છે.