સુરેન્દ્રનગર: અખિલ ભારતીય રબારી સમાજની ધર્મગુરુગાદી શ્રી વડવાળા મંદિર, દુધરેજધામ ખાતે આગામી હોળી મહોત્સવ ૨૦૨૬ નિમિત્તે એક ઐતિહાસિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે મહંત કણીરામદાસ બાપુની અત્યંત પ્રિય એવી ગૌલોકવાસી 'શીતલ ગાય'ની સ્મૃતિમાં નવનિર્મિત "શ્રી શીતલ ગૌશાળા"નું ભવ્ય ઉદઘાટન કરવામાં આવશે. આગામી ૨ માર્ચ ૨૦૨૬, સોમવારના રોજ યોજાનારા આ મહોત્સવ માટે હાલ મંદિર પ્રશાસન અને સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.
મંદિરના સંચાલક કોઠારી સ્વામી મુકુંદરામદાસ બાપુએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ૧૦ એકર જમીનમાં પથરાયેલી આ આધુનિક ગૌશાળા પૂજ્ય કણીરામદાસ બાપુના ગૌ-પ્રેમનું જીવંત પ્રતીક છે. 'શીતલ ગાય' માત્ર છ માસની હતી ત્યારથી બાપુની સાથે રહેતી હતી અને વર્ષ ૨૦૧૭માં તેના દેવલોક પામવાથી સમગ્ર સમાજમાં શોકની લાગણી પ્રસરી હતી. હવે તેની યાદમાં હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોના ૨૫૦થી વધુ સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં આ ગૌશાળા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.

આ ધર્મોત્સવમાં જગદગુરુ શંકરાચાર્યશ્રી (દ્વારકા), રામાનંદાચાર્ય શ્રી, મોરારીબાપુ તેમજ ભારતભરના ૨૫૦ થી વધુ મહામંડલેશ્વરો અને રાજકીય-સામાજિક મહાનુભાવો આશીર્વચન પાઠવવા પધારશે. મહોત્સવના કાર્યક્રમ મુજબ સવારે ૮:૩૦ કલાકે મહાયજ્ઞ, ૧૦:૩૦ કલાકે ગૌશાળા લોકાર્પણ અને ૧૧:૦૦ કલાકે વિશાળ ધર્મસભા યોજાશે. બપોર બાદ સન્માન સમારંભ અને સાંજે હોલિકા દહન તથા ભવ્ય સંતવાણીના કાર્યક્રમો યોજાશે, જેમાં ખ્યાતનામ કલાકારો ભક્તિની સરવાણી વહાવશે.

આ વિશાળ મહોત્સવમાં ભારતભરમાંથી અંદાજે ૩ લાખથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડવાની શક્યતા છે. મહેમાનો અને ભક્તો માટે ભોજન પ્રસાદની અભૂતપૂર્વ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ૫૦,૦૦૦ લિટર દૂધની પ્રસાદીની સાથે ૨૪,૦૦૦ કિલો મોહનથાળ, ૧૫,૦૦૦ કિલો ટોપરાપાક અને ૨૨,૦૦૦ કિલો ચોખા સહિતની વાનગીઓ પીરસવામાં આવશે. ૩૫૦ થી વધુ રસોઈયાઓનો સ્ટાફ અને ૨૦,૦૦૦ થી વધુ સ્વયંસેવકો રાત-દિવસ સેવામાં કાર્યરત છે, જેથી એકસાથે બે લાખ લોકો સુવ્યવસ્થિત રીતે ભોજન લઈ શકે.
ઉત્સવના બીજા દિવસે, ૩ માર્ચ ૨૦૨૬ના રોજ સવારે નૂતન ધ્વજારોહણ અને બપોરે ૧૨:૦૦ કલાકે ફુલડોલ આરતી સાથે ધુળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવશે. સમગ્ર દુધરેજધામ હાલ રોશનીથી ઝગમગી ઉઠ્યું છે અને રબારી સમાજ સહિત તમામ ધર્મપ્રેમી જનતામાં આ મહોત્સવને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.