Tue Jul 28 2026

Logo

સ્ટાર-યાર-કલાકાર: એક ચહેરે પે કઇ ચેહરે... ડૉ. જેકિલ એન્ડ મિ. હાઇડ

2026-07-03 10:06:00
Author: Sanjay Chhel
Article Image

- સંજય છેલ 

નવલકથા... ફિલ્મ

હમણાં કેતન અગ્રવાલ નામના યુવાનની હત્યા એની જ થનારી પત્ની સિયા ગોયલ દ્વારા થઇ ત્યારે લોકો એમના પ્રી-વેડિંગ ફોટોશૂટ વગેરે જોઇને છક્ક થઇ ગયા કે આટલી ભણેલ, સો-કોલ્ડ સારા ઘરની, સુંદર દેખાતી છોકરી પોતાના પ્રેમી ચેતન સાથે મળીને ઠંડે કલેજે પોતાના ભાવિ પતિની આવી રીતે હત્યા કરે અને એ પણ 1 નહીં,  2-2 વાર બિંન્દાસ કાતિલાના કોશિશ કરીને? શું સિયાની ડબલ પર્સનાલિટી હશે? લોકોના મનમાં સવાલ ઉઠે છે કે મીઠડી મુસ્કુરાતી સિયા પ્રેમી ચેતન સાથે મળીને મર્ડર પ્લાન કરતી હશે ત્યારે કેવી દેખાતી હશે? યારોં, એટલે જ કહેવાય છે હર ઇન્સાન મેં કઇ ઇન્સાન બસે હોતે હૈ.... જેમ કે- ડૉ. જેકિલ એન્ડ મિસ્ટર હાઇડ!

માત્ર 44ની આયુમાં, સ્કોટલેંડના રોબર્ટ લૂઈ સ્ટીવન્સને 1886માં 100 પાનાંની લઘુનવલકથા ‘ધ સ્ટ્રેન્જ કેસ ઑફ ડૉ. જેકિલ એન્ડ મિ. હાઇડ’ નામે અમર રચના આપી. કોઈ પણ માણસના બે જુદા સ્વભાવ કે પર્સનાલિટી વિશે ‘જેકિલ અને હાઇડ’ આજેય તરત જ યાદ આવે. એના પરથી 1931થી 2023 સુધી 8થી 10 હોલિવૂડની ફિલ્મો બની છે, બાકી ભાષાઓમાં તો અનેક...

લંડનના પ્રતિષ્ઠિત ડો. હેનરી જેકિલની આ કથા છે, પણ કેન્દ્રમાં મિત્ર ને વકીલ ગેબ્રિયલ અટરસન છે. એક રાત્રે અટરસન લંડનની શેરીમાં વિચિત્ર ઘટના જુએ છે. એક નાની બાળકી દોડતી આવતી હોય છે અને સામેથી આવતો માણસ બાળકી સાથે જોરથી અથડાઈ જાય છે. સામાન્ય રીતે માણસ બેબીને ઊભી કરે, માફી માંગે કે મદદ કરે, પણ આ માણસ નિર્દયતાથી બાળકીના શરીર પર પગ મૂકી જાણે કશું બન્યું જ ન હોય એમ ચાલવા લાગે છે. બાળકીની ચીસો સાંભળીને લોકો ભેગા થઈ જાય છે. સદ્ભાગ્યે બાળકી ગંભીર રીતે ઘાયલ થતી નથી. અટરસનને એ માણસ પર સખત ગુસ્સો આવે છે ને એને રોકે છે. બાળકીના પરિવારને વળતર ચૂકવવા કહે છે. પેલો તરત જ ‘હા’ કહીને પાસેના જર્જર ડરામણા મકાનના પાછલે દરવાજેથી અંદર જઇને 100 પાઉન્ડનો ચેક લાવે છે. ચેક પરની સહી જોઈને અટરસન ચોંકે છે, કારણ કે સહી એના મિત્ર ડૉ. જેકિલની છે! 

અટરસનના મનમાં તરત સવાલ ઉઠ્યો: આવું કેમ? શું આ અજાણ્યો માણસ ડૉ. જેકિલને બ્લેકમેલ કરે છે?’ પછી અટરસન ચેકની તપાસ કરાવે છે, ચેક તો ખરો નીકળે છે, પણ અટરસનની શંકા વધે છે. એ ડૉ. જેકિલને મળે છે ને પેલા માણસ વિશે પૂછે છે. જેકિલ વાત ટાળતા એટલું જ કહે છે: ડોન્ટ વરી.... ગમે ત્યારે એ માણસ સાથેના સંબંધ વિશે એ કહેશે... જેનું નામ છે- એડવર્ડ હાઇડ...

શંકાશીલ વકીલ અટરસન નક્કી કરે છે કે આ હાઇડ કોણ છે? એનો ડૉ, જેકિલ સાથે શું સંબંધ છે? એ વાત જાણવી જ રહી.

થોડા મહિના બાદ સમાજના અત્યંત આદરણીય ને વૃદ્ધ સજ્જનની નિર્દયતાથી હત્યા થાય છે. તપાસની વિગત સાંભળીને અટરસનને તરત જ સમજાઈ જાય છે કે હત્યારો બીજો કોઈ નહીં, પણ મિ. હાઇડ છે!

તપાસમાં અટરસનને ખબર પડે છે કે ડૉ. જેકિલે એના વિલમાં એવું લખેલું કે ‘જો એમનું મૃત્યુ થાય અથવા અચાનક ગાયબ થઈ જાય, તો એમની બધી મિલકત એડવર્ડ હાઇડને મળશે’. આ વાંચીને અટરસનને ખાતરી થાય છે કે હાઇડ કોઈ રીતે જેકિલ પર કાબૂ મેળવી રહ્યો છે.

...પછી હાઇડ અચાનક ગાયબ થઈ જાય છે. જેકિલ ફરી સામાન્ય જીવન જીવે છે. લાગે છે કે હવે બધુ શાંત થઇ ગયું છે, પણ આ શાંતિ લાંબી ટકતી નથી. એક દિવસ અચાનક જેકિલ ખુદને ઘરમાં પૂરી દે છે. નોકરો ગભરાઈ જાય છે. અટરસનને બોલાવીને કહેવામાં આવે છે કે ઘરમાં કંઈક ભયંકર ને અજીબ બની રહ્યું છે, એ દરવાજો ઉઘડતો નથી.. આખરે અટરસન ઘરનાં નોકર સાથે મળીને દરવાજો તોડી નાખે છે.

ઓરડામાં પ્રવેશતાં જ એક ભયાનક દૃશ્ય દેખાય છે. જમીન પર હાઇડનો મૃતદેહ છે. એણે ઝેર પીધું છે, પરંતુ ડૉ. જેકિલ ક્યાંય દેખાતા નથી. એ જીવતા છે કે મરી ગયા, તેની કોઈ ખબર પડતી નથી. ઓરડામાં અમુક પત્રો તથા કબૂલાત લખેલી હોય છે. ડૉ. જેકિલ લખે છે: 

‘દરેક મનુષ્યમાં સારા અને ખરાબ બંને સ્વભાવ સાથે રહે છે. બહારથી માણસ ભલે સજ્જન દેખાતો હોય, પરંતુ તેના મનમાં દબાયેલી અનેક ઇચ્છાઓ ને વિકૃત વૃત્તિઓ પણ હોય છે. જો આ બંને સ્વભાવને અલગ કરી શકાય તો માણસ સંપૂર્ણ સારો અથવા સંપૂર્ણ ખરાબ બની શકે.’ એટલે એમણે એક ખાસ રસાયણ તૈયાર કર્યું. એ દવા પીતા જ તેમના શરીરમાં કમાલના ફેરફાર થયા. એમની અંદર છુપાયેલું દુષ્ટ સ્વરૂપ એક અલગ જ વ્યક્તિ બની બહાર આવ્યું. એ હતો ‘એડવર્ડ હાઇડ’.

શરૂઆતમાં જેકિલને આ બધું રોમાંચક લાગ્યું. હાઇડના રૂપમાં તે કોઈ પણ પાપ કે ગુનો કરી શકતા અને પછી ફરી જેકિલ બની સમાજમાં માન-સન્માનથી જીવી શકતા, પણ ધીમે ધીમે સ્થિતિ બદલાતી ગઈ. હાઇડ વધુ બળવાન બનતો ગયો ને જેકિલનું નિયંત્રણ ઓછું થવા લાગ્યું. એક સમય એવો આવ્યો કે દવા લીધા વિના પણ તે અચાનક હાઇડ બની જતા. હવે નિર્ણય જેકિલનો નહોતો, હાઇડનો હતો. તેમની અંદરનું કાળું ડિબાંગ વ્યક્તિત્વ જ તેમના પર હાવી થઈ ગયું હતું.

જેકિલને હવે ખાતરી થઈ ગઇ કે એક દિવસ હાઇડ કાયમ માટે તેમના પર કબજો જમાવી દેશે. એટલે તેમણે પોતાના અનુભવો લખી રાખ્યા, જેથી દુનિયાને ખબર પડે કે આવું કેવી રીતે બન્યું!

આ નાનકડી નવલકથા પરથી અનેક ફિલ્મો, નાટકો, ટીવી સિરિયલો, કોમિક્સ બન્યાં. ઘણી ફિલ્મ કે સિરિયલમાં આ કથા વડે એક પ્રશ્ન સતત ગુંજે છે કે શું માણસની મૂળ પ્રકૃતિ અંતે વિનાશ તરફ છે? ઇતિહાસમાં થયેલાં યુદ્ધ, હત્યાકાંડ, અત્યાચાર, રક્તપાત અને સત્તાની લાલસા જોતા એ સાચું છે?

લેખક સ્ટીવન્સનની આ કથા જાણે આખી માનવજાતને ચેતવણી આપે છે કે આપણી અંદર રહેલી દુષ્ટ વૃત્તિને જો બેફામ છોડી દેવામાં આવે તો પરિણામ વિનાશ જ હોય.