ભુજઃ પૂર્વ કચ્છના ભચાઉ શહેરના જૂનાવાળા વિસ્તારમાં પુલિયા નીચે આવેલી ગટરમાંથી સ્થાનિક યુવાનનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતાં સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી.
મળતી વિગતો મુજબ, જૂનાવાળા વિસ્તારમાં જ રહેતા જગુ બીજલ કોળી નામના યુવાનનો શંકાસ્પદ મૃતદેહ ગટરમાંથી મળી આવ્યો હતો. ભચાઉ સરકારી હોસ્પિટલના ડો. કે. કુમારે પોલીસ ચોપડે નોંધાવેલા પ્રાથમિક તારણ મુજબ યુવાન દારૂ પીવાની ટેવ ધરાવતો હતો અને તેનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનું જણાવાયું છે.
બીજી તરફ, ભચાઉ પી.આઈ. ઝાલાએ જણાવ્યુ હતું કે પ્રાથમિક દ્રષ્ટિએ યુવાનનું મોત ગટરમાં ડૂબી જવાથી થયું હોવાનું જણાઈ આવે છે. જોકે, મૃત્યુનું સાચું અને ચોક્કસ કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. ભચાઉ પોલીસે આ અંગે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી સઘન તપાસ હાથ ધરી છે.
(ઉત્સવ વૈદ્ય)