Sat Sep 05 2026

Logo

પૂર્વ કચ્છમાં નકલી દારૂ બનાવવાના વધુ એક કાવતરાનો પર્દાફાશ: ૫,૦૨૬ ખાલી ક્વોર્ટરિયા જપ્ત

2026-08-29 10:50:00
Author: Mumbai Samachar Team
પૂર્વ કચ્છમાં નકલી દારૂ બનાવવાના વધુ એક કાવતરાનો પર્દાફાશ: ૫,૦૨૬ ખાલી ક્વોર્ટરિયા જપ્ત

ભુજ: ભાવનગરના ચર્ચાસ્પદ લઠ્ઠાકાંડ અને તાજેતરમાં આદિપુરમાંથી પકડાયેલી નકલી દારૂની ફેક્ટરીના ગંભીર બનાવો બાદ સમગ્ર જિલ્લામાં સન્નાટો વ્યાપેલો છે, ત્યાં જ હાઇપર એક્ટિવ થયેલા શરાબ માફિયાઓએ ગાંધીધામને અડ્ડો બનાવીને કાળો કારોબાર શરૂ કર્યો હોવાનો પર્દાફાશ થતાં ભારે ચકચાર પ્રસરી છે. પૂર્વ કચ્છ એલ.સી.બી.એ દરોડો પાડીને ૫,૦૨૬ જેટલા ખાલી ક્વોર્ટરિયા સાથે કેટલાક શખ્સોને પકડી પાડ્યા હોવાનું બહાર આવ્યું છે.

શહેરના એસ.ડી.એક્સ. નોર્થ વિસ્તારમાં આવેલા મકાન નંબર-૩૦માં 'એસ.કે. ગ્રુપ' નામથી અગરબત્તીની હોલસેલ દુકાન ચલાવતા કિરીટ રામજી કોડરાણીએ આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, ગત તા. ૩૦ જૂનની આસપાસ તેઓ પોતાની દુકાને હાજર હતા, ત્યારે ફરીદાબાદની 'પ્રખર રોડલાઈન્સ ટ્રાન્સપોર્ટ' મારફતે ચાર પાર્સલ આવ્યા હતા. વેપારીએ પાર્સલમાં તપાસ કરતા મરૂન રંગની પેટ બોટલો મળી આવી હતી. પોતે આ માલ મગાવ્યો ન હોવાથી તેમણે માલ લાવનાર મજૂરને તે પરત મોકલી દીધો હતો. ત્યારબાદ બિલ પર દર્શાવેલા નંબર પર સંપર્ક કરી, તેમના નામે બનેલું ખોટું બિલ રદ કરવા જણાવ્યું હતું.

વેપારીએ 'કચ્છ હાઈવે ટ્રાન્સપોર્ટ'માં તપાસ કરતા માલ મગાવનાર તરીકે હીરા રામા ભરવાડ (રહે. પલાસવા, તા. રાપર)નું નામ સામે આવ્યું હતું. ફરિયાદીએ માલ પરત મોકલ્યા બાદ ટ્રાન્સપોર્ટ સંચાલકોએ હીરા ભરવાડનો સંપર્ક કર્યો હતો. આથી તેણે માલ છોડાવવા માટે દેવેન શંકરભા ગઢવી અને મહેશ દેવા ભરવાડને મોકલ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ, આ ત્રણેય શખ્સોએ દિલ્હીના એક ઈસમ પાસેથી વિદેશી દારૂ બનાવવાના હેતુથી આ ખાલી બોટલો મગાવી હતી. 

એલ.સી.બી.એ આ તમામ બોટલો જપ્ત કરી આગળની કાર્યવાહી અર્થે 'એ' ડિવિઝન પોલીસ મથકને સોંપી હતી. પોતાની પેઢી તથા જી.એસ.ટી. નંબરનો ગેરકાયદે ઉપયોગ કરી ખોટા બિલ બનાવનારા આ તમામ શખ્સો સામે અગરબત્તીના વેપારીએ વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી હીરા ભરવાડના કબજા હેઠળના મકાનમાંથી ત્રણ પાર્સલ અને એક પાર્સલ ટ્રાન્સપોર્ટ કંપનીમાંથી જપ્ત કરાયું હતું. પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.

દરમ્યાન, ગાંધીધામના જાગૃત વેપારીની સતર્કતાને કારણે આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. પરંતુ, ભૂતકાળમાં અન્ય વેપારીઓના નામે કે જી.એસ.ટી. નંબરનો ઉપયોગ કરીને કેટલી વખત આવો માલ મગાવવામાં આવ્યો હશે અને ટ્રાન્સપોર્ટમાંથી બારોબાર છોડાવી લેવાયો હશે તે અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

કચ્છમાં નકલી દારૂનો કાળો કારોબાર ચિંતાજનક રીતે પગપેસારો કરી રહ્યો છે. અગાઉ સતાપર અને ત્યારબાદ આદિપુરમાંથી નકલી દારૂની ફેક્ટરીઓ ઝડપાઈ ચૂકી છે. હવે મોટા પ્રમાણમાં ખાલી ક્વોર્ટરિયા મળી આવતા, વાગડ પંથકની કેટલીક વાંઢોમાં પણ નકલી દારૂ બનાવવાની ગેરકાયદે ફેક્ટરીઓ ધમધમી રહી હોવાની આશંકા સ્થાનિકો દર્શાવી રહ્યા છે. આ દિશામાં પણ પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે.

ઉત્સવ વૈદ્ય