ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં આજે રાજ્યમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તકના વિવિધ બોર્ડ-નિગમો અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે બોર્ડ-નિગમો માટે નાણાકીય જોગવાઈ અને ખર્ચનો પ્રશ્ન પૂછ્યો હતો.
શૈલેષ પરમારે પૂછ્યું કે, 31-12-2025ની સ્થિતિએ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તાબા હેઠળના અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા અન્ય કયા બોર્ડ-નિગમો આવેલા છે, તેમને છેલ્લા બે વર્ષમાં કેટલી ફાળવણી કરવામાં આવી અને કેટલી રકમ વણવપરાયેલી રહી?
જેનો જવાબ આપતાં સરકારે જણાવ્યું, રાજ્યમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના તાબા હેઠળના અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના 10 બોર્ડ-નિગમ આવેલા છે. જે અંતર્ગત ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમને 2024માં 26.60 કરોડ અને 2025માં 28.78 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જે પૈકી 2024માં 25.70 કરોડ અને 2025માં 23.30 કરોડનો ખર્ચ થયો હતો અને 0.89 કરોડ તથા 5.48 કરોડ રકમ વણવપરાયેલી પડી રહી હતી.
ડૉ. આંબેડકર અંત્યોદર વિકાસ નિગમ (અ.જા) માટે 2024માં 11.50 કરોડ અને 2025માં 11.86 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જે પૈકી 2024માં 5.18 કરોડ અને 2025માં 17.02 કરોડ ખર્ચ થયો હતો. 2024માં 6.31 કરો અને 2025માં 0.68 કરોડ વણવપરાયેલા રહ્યા હતા.
ગુજરાત સફાઈ કમદાર વિકાસ નિગમને 2024માં 76.50 કરોડ અને 2025માં 46.30 કરોડ ફાળવાયા હતા. જે પૈકી 2024માં 55.07 કરોડ અને 2025માં 41.35 કરોડ ખર્ચ થયો હતો. 2024માં 21.43 કરોડ અને 2025માં 4.94 કરોડ વણવપરાયેલા પડી રહ્યા હતા.
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ માટે 2024માં 576.11 કરોડ અને 2025માં 442.16 કરોડની ફાળવણી થઈ હતી. જે પૈકી 2024માં 657.11 કરોડ અને 2025માં 396.04 કરોડનો ખર્ચ કરાયો હતો. ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમને 2024માં 22.80 કરોડ અને 2025માં 18.26 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જે પૈકી 2024માં 13.67 કરોડ અને 2025માં 10.09 કરોડ ખર્ચ થયો હતો. આ બંને વર્ષમાં અનુક્રમે 9.13 કરોડ અને 8.17 કરોડ વણવપરાયા હતા.
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમે 2024માં 41 કરોડ અને 2025માં 48.19 કરોડની ફાળવણી સામે અનુક્રમે 26.50 કરોડ અને 52.11 કરોડનો ખર્ચ કર્યો હતો. ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમને 2024માં 89.13 કરોડ અને 2025માં 101.79 કરોડની ફાળવણી કરાઈ હતી. જે અંતર્ગત અનુક્રમે 37.40 કરોડ અને 79.47 કરોડનો ખર્ચ થયો હતો. 2024માં 51.73 કરોડ અને 2025માં 22.32 કરોડ વણવપરાયેલા પડી રહ્યા હતા.
ગુજરાત વિચરતી અને વિમુક્ત જાતિ વિકાસ નિગમને 2024માં 12.98 કરોડ અને 2025માં 13.18 કરોડ ફાળવ્યા હતા. જેની સામે અનુક્રમે 21.15 કરોડ અને 12.53 કરોડનો ખર્ચ કર્યો હતો. ગુજરાત ગોપાલક વિકાસ નિગમને 2024માં 23.44 અને 27.25 કરોડની ફાળણી કરવામાં આવી હતી. જે પૈકી 2024માં 11.54 કરોડ અને 2025માં 29.88 કરોડ ખર્ચ કર્યો હતો.
ગુજરાત રાજ્ય દિવ્યાંગ નાણાં અને વિકાસ નિગમને 2024માં 6.84 કરોડ અને 2025માં 3.85 કરોડની ફાળવણી કરવામાં આવી હતી. જે પૈકી 2024માં 3.74 કરોડ અને 2025માં 0.50 કરોડનો ખર્ચ થયો હતો. 2024માં 3.10 કરોડ અને 2025માં 3.35 કરોડ વણવપરાયેલા રહ્યા હતા.