Wed Jul 15 2026

Logo

'કચ્છની કોયલ' ધનબાઈ કારા:  ઢોલના તાલે મોહીને 50 વર્ષ મોટા પુરુષને પરણ્યા! તેમને સાંભળીને ઇન્દિરા ગાંધી પણ મંત્રમુગ્ધ થયેલા!

2026-07-14 22:50:32
Author: Devayat Khatana
Article Image

ભુજ: ગુજરાતનું લોકસાહિત્ય એક અફાટ મહેરામણ સમું પડ્યું છે. આ મહેરામણના પેદાશ સમા અનેક રત્નો ગુજરાતની તળ ભોમકા પર પડ્યા છે. સૌરાષ્ટ્રના લોકસાહિત્યને પોતાનો સાદ આપીને દેશ વિદેશમાં જેમ દિવાળીબેન ભીલે નામના મેળવી છે, તેવા જ એક નારી રતન છે ધનબાઈ કારા. જેને 'કચ્છજી કોયલ' તરીકે પણ સંબોધવામાં આવે છે. ધનબાઈના મુખમાં કચ્છના લોકગીતો, રાસડા, લગ્નગીતો એટલા રુડી રીતે સ્થાન પામ્યા કે આજે કચ્છની લોકસંસ્કૃતિને ધનબાઈ કારાએ  ગૌરવ પુરસ્કાર અપાવી સન્માન કર્યા હતા. 

આપણે જેની વાત કરી રહ્યા છીએ તે કલાકાર છે શ્રીમતી ધનબાઈ કારા. તેમનો જન્મ માંડવી તાલુકાના રામપર વેકરા ગામે થયો હતો.  નાનપણમાં જ કચ્છના લોકગીતોને આત્મસાત કર્યા, શીખ્યા અને પછી કચ્છથી લઈને દિલ્હી સુધી તેને ગાયા પણ ખરા. અક્ષરજ્ઞાન નહિ મેળવેલા ધનબાઈએ પોતાના આપબળે કચ્છના લોકગીતો અને રાસડાને ગાઈને મોટી નામના મેળવી હતી. તેમની આ સફળતામાં તેમના પતિ કારા આસા મારવાડાનું ખૂબ મોટું યોગદાન રહેલું પણ તેમના લગ્નની વાત તો કોઈ દંતકથા જેવી લાગશે. 

દૂરદર્શન સાથેની મુલાકાતમાં ધનબાઈએ તેમના લગ્ન અંગેની વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે જ્યારે તેઓ પિયર હતા, ત્યારે તેમના પતિ તેમને ગામ આવેલા. ત્યાં તેમણે એવો ઢોલ વગાડેલો કે જેના ઢોલના તાલ પર એટલા મોહી ગયા કે તેમણે તેની સાથે પરણવાનું નક્કી કરી લીધું અને આ રીતે તેમના લગ્ન થયા. જ્યારે તેમના લગ્ન થયા ત્યારે તેમની અને તેમના પતિના ઉંમર વચ્ચે ખૂબ મોટો એટલે કે 50 વર્ષ કરતાં પણ વધુનો તફાવત હતો. ધનબાઈ કારાએ તેમના જીવન દરમિયાન અનેક સામાજિક અવરોધોનો સામનો કર્યો હતો. જોકે, આ બધાની વચ્ચે તેમને તેમના પરિવારનો અને ખાસ કરીને તેમના પતિનો ખૂબ જ સાથ મળ્યો હતો.  જેઓ તેમના પ્રદર્શન દરમિયાન તેમના પતિ ઢોલ વગાડીને તેમનો સાથ આપતા હતા. પહેલા તેઓ માથે ભારા લઈને છોકરાઓને પાળતા હતા પણ જો કે આકાશવાણી તરફથી કામ મળ્યા બાદ તેમના જીવનમાં ખૂબ જ પરિવર્તન આવ્યું. 

ધનબાઈ કારાની નામના કચ્છથી છેક દિલ્હી સુધી રેલાઇ હતી. ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી સમક્ષ પણ ધનબાઈ કારાએ ગીત ગાયા હતા. જ્યારે તેમણે દિલ્હીમાં ઇન્દિરા ગાંધી સમક્ષ હાલરડું ગાયું હતું ત્યારે તેઓ પણ સાંભળીને રાજી થયા હતા.  કેન્દ્રીય નાટક અકાદમી તરફથી ગુજરાતના કલાકારોને દિલ્હી બોલાવવામાં આવેલા અને તેમાં ધનબાઈનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યાં તેમણે રાજીવ ગાંધી સમક્ષ કચ્છ અને ગુજરાતી લોકસાહિત્યનું ખૂબ જ ખ્યાત 'મણિયારો' ગાયું હતું. ગુજરાત સરકારે પણ ધનબાઈ કારાનું સન્માન કરીને 1996-97માં રાજ્યનો સર્વોચ્ચ એવોર્ડ ગૌરવ પુરકર આપીને સન્માનિત કર્યા હતા. જેણે કચ્છની માટીની સોડમ સમા લોકગીતો, લગ્નગીતો, રાસડાને દેશ વિદેશમાં માન અપાવ્યું તે ધનબાઈ કારાએ 21 જુલાઇ 2007ના રોજ ગુરુ પૂર્ણિમાના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા.