Thu Sep 03 2026

Logo

જોફ્રાએ પહેલી વખત વિરાટની વિકેટ લીધી, વન-ડેમાં 15,000 રન પૂરા કરી શકશે?

Birmingham   2026-07-14 21:41:00
Author: Ajay Motiwala
જોફ્રાએ પહેલી વખત વિરાટની વિકેટ લીધી, વન-ડેમાં 15,000 રન પૂરા કરી શકશે?

બર્મિંગમઃ ઇંગ્લૅન્ડે મંગળવારે ત્રણ મૅચવાળી વન-ડે સિરીઝની પહેલી મૅચમાં જીતવા 259 રનનો લક્ષ્યાંક આપ્યા બાદ ભારતે શાંત શરૂઆત કરી હતી, પણ બન્ને પીઢ ખેલાડીઓ રોહિત શર્મા (11 રન) અને વિરાટ કોહલી (પાંચ રન) વહેલા આઉટ થઈ ગયા હતા. રોહિત લેફ્ટ-આર્મ પેસ બોલર સૅમ કરૅનના બૉલમાં કૅચઆઉટ થયો હતો, જ્યારે બીજા પેસ બોલર જોફ્રા આર્ચરના બૉલમાં વિરાટ એલબીડબ્લ્યૂ થઈ ગયો હતો. અનુભવી પેસ બોલર જોફ્રા (Jofra) પહેલી જ વખત વિરાટની વિકેટ લેવામાં સફળ થયો છે. આ પહેલાં વિરાટને ફેંકેલા 78 બૉલમાં તે ક્યારેય વિરાટને આઉટ નહોતો કરી શક્યો.

રો-કો (રોહિત-કોહલી)ની વિકેટ વહેલી પડ્યા બાદ ખાસ કરીને કૅપ્ટન શુભમન ગિલ અને વાઇસ કૅપ્ટન શ્રેયસ ઐયર પર તેમ જ કે. એલ. રાહુલ પર મોટો બોજ આવી ગયો હતો.

વિરાટ (Virat) આ સિરીઝમાં વન-ડેમાં કુલ 15,000 રનના આંકડા સુધી પહોંચશે કે કેમ એમાં તેના અસંખ્ય ચાહકોને પ્રથમ વન-ડેની નિષ્ફળતા જોતાં શંકા છે. વન-ડેમાં તેના નામે 14,802 રન છે અને 15,000 રનના જાદુઈ આંકડાથી 198 રન દૂર છે.

ત્રણ બોલરે લીધી ઓવરમાં બે વિકેટ

મંગળવારે ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને બૅટિંગ લીધી હતી અને તેમણે સારી શરૂઆત કર્યા પછી ઉપરાઉપરી બે વિકેટ ગુમાવી દીધી હતી. 26 વર્ષીય ફાસ્ટ બોલર ગુરનૂર બ્રારે ઓવરના બીજા બૉલમાં ઓપનર જેકબ બેથેલ (14 રન)ને ડીપ સ્ક્વેર લેગ પરથી દોડી આવેલા વૉશિંગ્ટન સુંદરના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. એ જ ઓવરના ચોથા બૉલમાં તો ગજબ થઈ ગયું. બ્રારે બીજા ઓપનર બેન ડકેટ (43 રન)ને ડીપ થર્ડમૅન પર બાઉન્ડરી લાઇનની નજીક જસપ્રીત બુમરાહના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો.

બુમરાહે પ્રથમ પ્રયાસમાં કૅચ ઝીલ્યો, પણ બાઉન્ડરી લાઇન લગોલગ હોવાથી તે બૉલ હવામાં છોડીને બાઉન્ડરીને પાર ગયો હતો અને બીજી જ ક્ષણે પાછા અંદર આવીને તેણે વિકેટ કમ્પ્લીટ કરી હતી. ત્યાર બાદ ઇંગ્લૅન્ડની ઇનિંગ્સમાં પ્રસિદ્ધ ક્રિષ્નાએ તેમ જ અક્ષર પટેલે પણ ઓવરમાં બે વિકેટ લીધી હતી. અક્ષરે દાવમાં કુલ ચાર તેમ જ બ્રાર અને ક્રિષ્નાએ બે-બે તથા બુમરાહ-શિવમે એક-એક વિકેટ લીધી હતી. જૉ રૂટ (76 બૉલમાં 76 અણનમ) અને લિઆમ ડૉસન (83 બૉલમાં 68 રન) વચ્ચે સાતમી વિકેટ માટે 134 બૉલમાં 121 રનની જે ભાગીદારી થઈ હતી એ ભારતીય બોલર્સને નડી હતી.