અમદાવાદ:ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે અંદાજે ₹9.50 કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામેલા અને 3,372 ચોરસ મીટરના વિશાળ વિસ્તારમાં કાર્યરત નવા અદ્યતન સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈટીઆઈ) ભવનનું રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના કેબિનેટ પ્રધાન કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવા ભવનમાં ₹13 થિયરી રૂમ, આધુનિક પ્રાયોગિક વર્કશોપ,વહીવટી કચેરીઓ અને તમામ આધુનિક સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે.
આ પ્રસંગે કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્કિલ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયા જેવા અભિયાનોને આગળ વધારવા માટે ગુજરાત સરકાર યુવાનોને વૈશ્વિક કક્ષાની રોજગારલક્ષી તાલીમ આપવા પ્રતિબદ્ધ છે. દેશમાં વધી રહેલા આઈટીઆઈના વ્યાપને ધ્યાને લઈ અનેક યુવાનો પોતાની કારર્કિદી તરીકે આઈટીઆઈ સંસ્થાને પ્રાથમિકતા આપી રહ્યા છે. એવામાં રાજ્ય સરકાર દ્વારા વધુ એક શૈક્ષણિક સાહસથી ગાંધીનગર જિલ્લાના આસપાસના ગ્રામ્ય વિસ્તારના દરેક યુવાનોને ટેક્નિકલ શિક્ષણ ક્ષેત્રે કરિયર બનાવવાની વધુ એક તક મળી રહેશે. ખાસ કરીને આજના ટેક્નિકલ યુગમાં ટેક્નોલોજી થકી જે વિકાસ થઈ રહ્યો છે. એવામાં પાયાનું ટેકનિકલ શિક્ષણ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યને વેગ આપશે.
આ પ્રસંગે તેમણે જાહેરાત કરી હતી કે ચાલુ શૈક્ષણિક વર્ષથી તમામ ITI તાલીમાર્થીઓને સરકાર દ્વારા મફત યુનિફોર્મ આપવામાં આવશે. આ ઉપરાંત, મુખ્યમંત્રી એપ્રેન્ટિસશિપ યોજના હેઠળ તાલીમાર્થીઓને ઉદ્યોગોમાં પ્રાયોગિક તાલીમ સાથે આર્થિક પ્રોત્સાહન પણ અપાશે. તેમણે યુવતીઓને આ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી. કોલેજના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છ મહિના અને એક વર્ષના શોર્ટ-ટર્મ સ્કિલ કોર્સ શરૂ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓ ડિગ્રી સાથે કૌશલ્યનું પ્રમાણપત્ર મેળવી રોજગારી માટે વધુ સક્ષમ બનશે.