Tue Jul 14 2026

Logo

હોર્મુઝ જળમાર્ગમાં તણાવ: 7 ભારતીય જહાજ ફસાયા, 148 નાવિકની સુરક્ષા પર મોટો ખતરો

Tehran   2026-07-14 19:43:19
Author: Mumbai Samachar Team
Article Image

ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા વિવાદને કારણે હોર્મુઝ સ્ટેટ બંધ થવાની અણી પર

તેહરાનઃ એક ચોક્કસ સમયગાળા બાદ ઈરાન-અમેરિકા બન્ને ફરીવાર સામસામે આવી ગયા છે. અમેરિકા હવે લડી લેવાનામાં મૂડ છે તો ઈરાન વૉરસ્ટ્રેટજી અંતર્ગત વળતો જવાબ આપી રહ્યો છે. યુદ્ધના માહોલ વચ્ચે ફરી એકવાર મિડલઈસ્ટના દેશમાં ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને ટ્રેડિંગને લઈને દુબઈથી લઈને રીયાધ સુધી કોમોડિટીથી લઈ ક્રૂડ ઓઈલ સુધીના વિષય પર દુનિયાના અનેક દેશ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. 

ભારતથી પશ્ચિમ એશિયાના દેશમાં વેપાર માટે જે શિપિંગ રૂટ છે તે હોર્મુઝ થઈને જાય છે. મંગળવારે વહેલી સવાર હોર્મુઝ પર ફરી એકવાર મોટો હુમલો થયો હતો. ઓમાનના સુમુદ્રી વિસ્તારમાંથી પસાર થઈ રહેલા યુનાઈટેડ આરબ અમિરાતના બે તેલ ટેન્કર પર હુમલો કરવામાં આવ્યો હતો.

ભારતીય નાવિકનું મોત

આ હુમલામાં એક ભારતીય નાવિકનું મૃત્યુ થયું છે, જ્યારે અન્ય છ ભારતીયોને ગંભીર ઈજા પહોંચી છે. મોમ્બાસા ને અલ બહિયાહ નામના બે ટેન્કર દક્ષિણી નૌવહન માર્ગ પાસેથી પસાર થઈ રહ્યા છે. આ જળમાર્ગને અતિસંવેદનશીલ માનવામાં આવે છે. અહીંયા હુમલો થતા દોડધામ મચી ગઈ હતી. આ પહેલા સાઈપ્રસના ધ્વજ વાળા એક ટેન્કર પર હુમલો કરી દેવામાં આવ્યો હતો, જેમાંથી એક ભારતીય નાવિક લાપતા થયો છે. 

ઈરાનના ગાર્ડે એવો દાવો કર્યો હતો કે, જહાજને વોર્નિંગ આપવામાં આવી હતી.એ પછી ટાર્ગેટ પર ફાયરિંગ થયું છે. હાલમાં આ રૂટ પરથી શિપિંગ ઑપરેશન બંધ કરી દેવામાં આવ્યા છે. ઈરાન તરફથી આ વિસ્તારમાં સતત અને સખત રીતે થઈ રહેલા હુમલાને કારણે જોખમ ભરી સ્થિતિ ઊભી થઈ છે. દિવસ કરતા રાત પસાર કરવી ભારે થઈ પડી છે. આ ડરને કારણે આ જળરૂટ બંધ કરી દેવામાં આવ્યો છે. 

યુદ્ધ શરૂ થયા બાદ ભારત આવી રહેલા 57 જહાજ આ જળમાર્ગને પાર કરી ચૂક્યા છે. જે ખરેખર એક રાહતભરી વાત છે. આ જહાજમાં તેલ, ક્રૂડ, ગેસ અને અન્ય જરૂરી સામગ્રી હોવાનું જાણવા મળ્યું છે. ઈરાન અને અમેરિકા વચ્ચે જે યુદ્ધ વિરામ હતું એ લગભગ ખતમ થઈ રહ્યું છે. 

બે સમુદ્રી માર્ગનો વિકલ્પ

ઈરાને આ હુમલા બાદ ફરીવાર હોર્મુઝ બંધ કરી દેવાની સૂચના જાહેર કરી છે. જેના જવાબમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, હોર્મુઝ જળમાર્ગ ખુલ્લો રહેશે. હાલમાં પર્શિયન ગલ્ફમાં 7 ભારતીય જહાજ છે. જેના પર 148 ભારતીય નાવિકો છે. 

આ સિવાય ભારત સાથે જોડાયેલા 11 જહાજને જરૂર પડ્યે સુરક્ષિત રીતે જળમાર્ગ ક્રોસ કરવા માટે યોજના તૈયાર કરવામાં આવી રહી છે. હાલમાં દરેક સ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ 3918 નાવિકોને જુદી જુદી શિપિંગ કંપનીઓ તરફથી સુરક્ષિત મુવ કરી દેવામાં આવ્યા છે. 

ઓમાનવાળો માર્ગ સુરક્ષિત

હોર્મુઝમાંથી પસાર થતા જહાજ પરિસ્થિતિને ધ્યાને રાખીને બે જુદા જુદા જળમાર્ગનો ઉપયોગ કરી રહ્યા છે. દક્ષિણ માર્ગ જે ઓમાનના સમુદ્રી વિસ્તાર અને ઈરાનનો સમુદ્રી માર્ગ. અમેરિકા સહિત કેટલીય શિપિંગ કંપનીઓ ઓમાનવાળા જળમાર્ગને સૌથી સુરક્ષિત માને છે.  ઈરાનનું એવું કહેવું છે કે, જો જહાજે સુરક્ષિત રીતે અહીંયાથી પસાર થવું હોય તો ઉત્તરીય જળમાર્ગ પસંદ કરીને આગળ વધી જવું જોઈએ. 

અત્યાર સુધીમાં કેટલા મોત?

મિડલ ઈસ્ટમાં ભારતીય નાવિકોના મોત અને લાપતા થવાના કિસ્સા વધી રહ્યા છે. અત્યાર સુધીમાં કુલ 14 ભારતીય નાવિકોના મોત આ યુદ્ધના કારણે થયા છે. સરકારી રિપોર્ટ અનુસાર સોમવાર સુધીમાં 7 ભારતીય નાવિકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. ગત મહિને અમેરિકાએ કરેલા હુમલામાં ત્રણ ભારતીય નાવિકોના મોત નીપજ્યા હતા. 

અમેરિકા-ઈરાનના યુદ્ધના કારણે અનેક મિડલ ઈસ્ટના દેશ ચિંતામાં મૂકાયા છે. ખાસ કરીને શિપિંગ અને એવિએશન ઈન્ડસ્ટ્રીને સૌથી વધારે નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ અમેરિકા પણ પોતાનું વલણ સતત બદલ્યા કરે છે. હોર્મુઝને લઈને જીદ અને ઈરાનની કેટલીક શરતો માનવા તે તૈયાર નથી. આવા માહોલ વચ્ચે મિડલ ઈસ્ટમાં થઈ રહેલા અનેક દેશના વ્યાપારને માઠી અસર પહોંચી છે.