ગિલના 80 રન અને અક્ષર-સુંદરની 102 રનની લડાયક ભાગીદારીએ ટીમની લાજ રાખીઃ ભારતનો વન-ડેમાં વિજયી આરંભ
બર્મિંગમઃ અહીં ઇંગ્લૅન્ડ (47.5 ઓવરમાં 10/258)ને ભારતે (45.2 ઓવરમાં 4/262) ત્રણ મૅચવાળી વન-ડે સિરીઝની પ્રથમ મૅચમાં 28 બૉલ બાકી રાખીને છ વિકેટે હરાવીને વિજયી શરૂઆત કરી હતી અને 1-0થી સરસાઈ મેળવી હતી. કૅપ્ટન શુભમન ગિલ (80 નૉટઆઉટ, 75 બૉલ, એક સિક્સર, અગિયાર ફોર)એ ઈજાને લીધે રિટાયર હર્ટ થતાં પહેલાં જીતનો પાયો નાખી આપ્યો હતો અને એના પર અક્ષર પટેલ (57 અણનમ, બાવન બૉલ, એક સિક્સર, પાંચ ફોર) તથા વૉશિંગ્ટન સુંદરે (બાવન અણનમ, 63 બૉલ, એક સિક્સર, ચાર ફોર) ધૈર્ય અને સમજદારીપૂર્વક રમીને વિકેટો બચાવી રાખીને ભારતની શાનદાર ઇનિંગ્સનું ઘડતર કર્યું હતું. સુંદરે વિનિંગ સિક્સર ફટકારી હતી.
આ બન્ને ઑલરાઉન્ડર મહિનાઓથી રમેલી ટી-20 મૅચોની આદત ત્યજીને વન-ડેના મિજાજમાં આવી ગયા હતા અને 102 રનની અતૂટ ભાગીદારીથી ભારતને યાદગાર વિજય અપાવ્યો હતો. તેઓ હવે આ અવિસ્મરણીય વિજય બદલ થોડી મૅચો માટે ટીમમાં સ્થાન જાળવી શકશે. જોફ્રા, ટન્ગ, કરૅનને એક-એક વિકેટ મળી હતી. આ પહેલાં, ઇંગ્લૅન્ડમાં જ શ્રેયસ ઐયરના સુકાનમાં ભારત ટી-20 શ્રેણી 0-4થી હાર્યું હતું. યુરોપમાં આવ્યા બાદ ભારતીયોએ હવે પહેલો વિજય માણ્યો છે.
ગિલ (Gill) સાથે 101 રનની ભાગીદારી કરનાર શ્રેયસ ઐયર (35 રન, 53 બૉલ, બે ફોર) ગિલના ગયા બાદ તરત જ રનઆઉટ થઈ ગયો હતો. શ્રેયસ (Shreyas) હજી પૅવિલિયનમાં માંડ બેઠો હશે ત્યાં તો કે. એલ. રાહુલ (એક રન) જૉશ ટન્ગના બૉલમાં ક્લીન બોલ્ડ થઈ ગયો હતો. એ પહેલાં, રોહિત શર્મા (11 રન) અને વિરાટ કોહલી (પાંચ રન) વહેલા આઉટ થઈ ગયા હતા.
#ENGvsIND
— PK (@pavanprema) July 14, 2026
🇮🇳 INDIA WINS THE 1ST ODI! 🔥🏏
What. A. Performance.
England managed 258 all out at Edgbaston, but our perfectly balanced squad dismantled them with class and composure.
Bowling unit led the charge Prasidh Krishna, Noor, Jasprit Bumrah, Shivam Dube and the absolute… pic.twitter.com/704QazEZ8R
આઇપીએલ બાદ બે ટી-20 શ્રેણીમાં ભારતીયોની આયરલૅન્ડમાં 0-2થી અને ઇંગ્લૅન્ડમાં 0-4થી નામોશી થઈ હતી, પણ વન-ડેમાં તેમણે વિજયી શરૂઆત કરી છે. ઇંગ્લૅન્ડના સાત બોલર પણ ભારતને નહોતા નમાવી શક્યા. ત્રણ બોલરની બોલિંગમાં 50થી વધુ રન બન્યા હતા.
એક તબક્કે (રાહુલની વિકેટ બાદ) સુંદર-અક્ષરની જોડી દાવમાં હતી ત્યારે 18 બૉલમાંથી 13 ડૉટ બૉલ હતા. જોકે એ જ તેમની ધીરજપૂર્વકની ભાગીદારીની શરૂઆત હતી.
ત્રણ ભારતીય બોલરની ઓવરમાં બે-બે વિકેટ
ઇંગ્લૅન્ડે બૅટિંગ લીધા બાદ શાંત શરૂઆત પછી ઉપરાઉપરી બે વિકેટ ગુમાવી દીધી હતી. ફાસ્ટ બોલર ગુરનૂર બ્રારે ઓવરના બીજા બૉલમાં ઓપનર જેકબ બેથેલ (14 રન)ને ડીપ સ્ક્વેર લેગ પરથી દોડી આવેલા વૉશિંગ્ટન સુંદરના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. એ જ ઓવરના ચોથા બૉલમાં તો ગજબ થઈ ગયું. બ્રારે બીજા ઓપનર બેન ડકેટ (43 રન)ને ડીપ થર્ડમૅન પર બાઉન્ડરી લાઇનની નજીક બુમરાહના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. બુમરાહે પ્રથમ પ્રયાસમાં કૅચ ઝીલ્યો, પણ બાઉન્ડરી લાઇન લગોલગ હોવાથી તે બૉલ હવામાં છોડીને બાઉન્ડરીને પાર ગયો હતો અને બીજી જ ક્ષણે પાછા અંદર આવીને તેણે વિકેટ કમ્પ્લીટ કરી હતી.
ત્યાર બાદ ઇંગ્લૅન્ડની ઇનિંગ્સમાં પ્રસિદ્ધ ક્રિષ્નાએ તેમ જ અક્ષર પટેલે પણ એક-એક ઓવરમાં બે-બે વિકેટ લીધી હતી. અક્ષરે દાવમાં કુલ ચાર તેમ જ બ્રાર અને ક્રિષ્નાએ બે-બે તથા બુમરાહ અને શિવમે એક-એક વિકેટ લીધી હતી. જૉ રૂટ (76 બૉલમાં 76 અણનમ) અને લિઆમ ડૉસન (83 બૉલમાં 68 રન) વચ્ચે સાતમી વિકેટ માટે 134 બૉલમાં 121 રનની જે ભાગીદારી થઈ હતી એ ભારતીય બોલર્સને નડી હતી. જોકે એ પાર્ટનરશિપનો સુંદર-અક્ષરે અણનમ 102 રનની ભાગીદારીથી જડબાતોડ જવાબ આપ્યો.
બાકીની બે વન-ડે ક્યારે?
બીજી વન-ડે ગુરુવારે (સાંજે 5.30 વાગ્યાથી) કાર્ડિફમાં રમાશે. ત્રીજી વન-ડે રવિવારે લૉર્ડ્સમાં (બપોરે 3.30 વાગ્યાથી) રમાશે જ્યાં સોમવારે ભારતીય મહિલા ક્રિકેટરો ઐતિહાસિક ટેસ્ટ મૅચ 270 રનથી જીતી હતી.