નવી દિલ્હીઃ નવી દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં આગામી સમયમાં છૂટોછવાયો વરસાદ થવાની પૂરી શક્યતા છે. આ જાણકારી હવામાન ખાતાએ દિલ્હીને લઈને આપી છે. આવનારા બે દિવસ સુધી દિલ્હીમાં ભારે પવન સાથે છૂટોછવાયો વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આવું થઈ રહ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે.
બે સિસ્ટમની અસર
હવામાન વિભાગે એલર્ટ આપતા કહ્યું હતું કે, સતત બે સિસ્ટમ ઉત્તર-પશ્ચિમી ભારતને અસર કરે એવી પૂરી શક્યતા છે. તા.3, 4 અને 7 એપ્રિલના રોજ આ સિસ્ટમ દિલ્હી સહિતના વિસ્તારને અસર કરી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ સિસ્ટમ ઉદ્દભવી છે.દિલ્હીમાં કરા સાથે વરસાદ થવાની સંભાવનાઓ છે.જ્યારે દેશના મેદાની પ્રદેશમાં 7 એપ્રિલના રોજ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ છે. એક વરસાદી સિસ્ટમ બની છે જેના કારણે દિલ્હી તથા એની આસપાસના વિસ્તારમાં વરસાદ થઈ શકે છે. મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્રના મધ્ય વિસ્તાર જેવા કે, મરાઠાવાડા, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 3 એપ્રિલના રોજ અને છત્તીસગઢમાં 4 એપ્રિલના રોજ કરા પડી શકે છે.

રાજધાનીમાં ધૂળીયું વાતાવરણ
દિલ્હીમાં શુક્રવારે બપોર પછી એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો. દિલ્હી, ગ્રેટર નોઈડા, નોઈડા, ગાઝિયાબાદ સહિતના વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો. ધૂળની ડમરીઓ ઊડી હતી. સતત પવનને કારણે ધૂળ ઊડતા રસ્તા પર વિઝિબિલિટી ઝીરો થઈ હતી. વહેલી સવારે પણ આ પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો. એ પછી બપોર પછી વાતાવરણમાં ફેરફાર થયો હતો. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ફરિદાબાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 4 એપ્રિલના રોજ દિલ્હીમાં હળવા ઝાપટા થવાની પૂરી શક્યતાઓ છે. દિલ્હીમાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં તાપમાન 21 ડિગ્રી થવાની શક્યતા છે, જ્યારે મહત્તમ તપામાન 33 ડિગ્રી સુધી જાય એવા અણસાર છે.
પહાડી પ્રદેશમાં પણ અસર
3 અને 4 એપ્રિલના રોજ રાજસ્થાનમાં ગાજવીજ સાથે ઝાપટા પડવાના એંધાણ છે. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. રાજસ્થાનના જયપુર, જોધપુર અને ઉદયપુર જેવા મહાનગરમાં તાપમાન નીચું ઊતરી શકે છે. તાપ ઘટી શકે છે. આ સાથે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં પણ થઈ શકે છે. ઉત્તરાખંડમાં 5 એપ્રિલના રોજ વરસાદ પડી શકે છે, જ્યારે 5 એપ્રિલના રોજ હિમાચલ પ્રદેશમાં વાતાવરણમાં પલટો આવી શકે છે.