કોલકાતા : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 142 વિધાનસભામાં મતદાન ચાલી રહ્યું છે. જેમાં સાંજે પાંચ વાગે સુધીમાં રેકોર્ડબ્રેક 90 ટકા જેટલું મતદાન નોંધાયુ છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસ ચોથી વખત સત્તામાં પાછા ફરવા માટે પ્રયત્નશીલ છે. જ્યારે ભાજપે રાજ્યમાં સત્તા મેળવવા માટે એડી ચોટીનું જોર લગાવ્યું છે.
પૂર્વ વર્ધમાનમાં 92.46 ટકા મતદાન
જેમા હુગલીમાં 90.34 ટકા, હાવડામાં 89.44 ટકા, કોલકાતા ઉત્તરમાં 87.77 ટકા, કોલકાતા દક્ષિણમાં 86.11 ટકા, નાદિયામાં 90.28 ટકા, ઉત્તર 24 પરગણામાં 89.74 ટકા , પૂર્વ વર્ધમાનમાં 92.46 ટકા અને દક્ષિણ 24 પરગણામાં 89.57 ટકા મતદાન નોંધાયું છે.
બંગાળમાં ટીએમસીની સરકારનો દાવો
આ દરમિયાન સીએન અને ભવાનીપુરથી ટીએમસીના ઉમેદવાર મમતા બેનર્જીએ પોતાની જીત અંગે દાવો કર્યો છે. તેમણે ફેસબુક પોસ્ટ દ્વારા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની પાસે ઉપલબ્ધ માહિતીના આધારે, ભાજપ બંગાળમાં હારી રહી છે. મમતા બેનર્જીએ જણાવ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસ ફરી એકવાર રાજ્યમાં બે તૃતીયાંશ બહુમતી મેળવીને સરકાર બનાવવા માટે તૈયાર છે.
ચૂંટણીના બીજા તબક્કા અનેક જગ્યાઓએ હિંસા
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા અનેક જગ્યાઓએ હિંસા થઇ છે. જેમાં હાવડામાં ચાલુ મતદાન દરમિયાન હંગામો અને હિંસક અથડામણના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. હાવડામાં એક મતદાન મથક પર EVM માં ખામી સર્જાતા હોબાળો મચી ગયો હતો. તેમજ બગડતી પરિસ્થિતિને જોતા સુરક્ષા દળોએ બેકાબૂ ભીડને વિખેરીને મામલો શાંત પાડ્યો હતો.