બેંગલુરુઃ મિશન ગગનયાન માટે ઈસરો (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન)એ અવકાશ યાત્રીઓના બીજા બેચ માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તૈયારીના ભાગરૂપે નવી બેચમાં નવા અવકાશ યાત્રીઓની નિયુક્તિ કરવામાં આવશે. ખાસ વાત તો એ છે કે, આ વખતે વાયુસેનાના પાઇલટની સાથોસાથ વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રના નિષ્ણાતોને પણ અવકાશ યાત્રી બનવાનો મોકો મળી રહેશે. આ પ્રોજેક્ટમાં આશરે 10 અવકાશ યાત્રીની નિયુક્તિ કરવાની યોજના છે, જેમાં ચાર નાગરિક વિશેષજ્ઞ સામેલ થઈ શકે છે.
સામાન્ય નાગરિકને મળશે ચાન્સ
ઈસરોના સૌથી મોટા અને મહત્ત્વકાંક્ષી મિશન ગગનયાન પ્રોજેક્ટને લઈ ઐતિહાસિક નિર્ણય કરવા જઈ રહી છે. અવકાશ યાત્રીઓની નિયુક્તિ માટેની પ્રક્રિયાઓ શરૂ થઈ ચૂકી છે. આ વખતેના પ્રોજેક્ટમાં વાયુસેનાના પાઇલટ પૂરતો આ પ્રોજેક્ટ સીમિત નથી. ભારતના સામાન્ય નાગરિકો અને વૈજ્ઞાનિકોને પણ એક મોટી તક મળવાની છે. ગગનયાન મિશનનું આ નવું ચરણ ભારતવાસીઓની અવકાશ પ્રત્યે વધી રહેલી મહત્ત્વકાંક્ષાની એક ઝલક છે. ટેસ્ટ પાઇલટનો અનુભવ અને વિજ્ઞાનીઓની બુદ્ધિશક્તિનો સંગમ આ પ્રોજેક્ટને વધારે સાર્થક બનાવશે. સંશોધનમાં એક નવી દિશા આપશે.
10 અવકાશ યાત્રીની ટીમ બનાવાશે
હવે એ દિવસ દૂર નથી જ્યારે સામાન્ય ભારતવાસી પણ સિતારોની દુનિયા એટલે કે, અવકાશની યાત્રાએ નીકળશે. અત્યાર સુધી આ પ્રોજેક્ટના પહેલા બેચમાં ભારતીય વાયુસેનાના પાઇલટને સામેલ કરાયા હતા.આ ટીમે રશિયામાં એક મુશ્કેલ ટ્રેનિંગ પ્રાપ્ત કરી હતી.
હવે ઈસરો પોતાના પ્રયોગના વિસ્તારને વધારીને સામાન્ય માણસને એ અવકાશ યાત્રી બનાવી શકે એ દિશામાં કામ કરે છે. 10 અવકાશયાત્રીમાં 6 સૈન્ય પાઇલટ અને 4 સિવિલિયન સ્પેશ્યાલિસ્ટને સામેલ કરાશે. પહેલીવાર સામાન્ય નાગરિકને અહીં ચાન્સ આપવામાં આવી રહ્યો છે. આ તૈયારી માત્ર ગગનયાન પૂરતી સીમિત નથી.
સૌથી મોટો અને મહત્ત્વનો પ્રોજેક્ટ
આવનારા વર્ષ 2040માં ચંદ્રની ધરતી પર ભારતીયોને ઊતારવા સુધીની યોજના તૈયાર કરવામાં આવી રહી છે. ઈસરોએ અવકાશ યાત્રીઓ માટે ખાસ તાલીમ અને મૂલ્યાંકન પ્રણાલી માટે એક વિશેષ ટીમ તૈયાર કરી છે. આ ટીમ યોગ્ય ટ્રેનિંગ આપશે અને અવકાશ માટે નાગરિકોને તૈયાર કરશે. ભારતમાં પાયલટ લાઇસન્સ મોંઘુ છે અને પ્રાપ્ત કરવું પણ કઠિન છે.
આ માટે ઈસરો નાગરિકોને ફ્લાઈંગ ટ્રેનિંગ આપવાના પ્રોજેક્ટ પર વિચાર કરી રહી છે. ભારત હવે અવકાશની દિશામાં હવે માત્ર મુલાકાતીઓ જ નહીં પણ રિસર્ચર બનવા માગે છે. બીજી તરફ ભારત પોતાના એક સ્પેસ સ્ટેશનની પણ તૈયારીઓ કરી રહ્યો છે.
વૈજ્ઞાનિકોને ખાસ અપાશે તાલીમ
નાસા જેવી એજન્સી પણ પોતાના વૈજ્ઞાનિકોને અવકાશમાં મોકલીને રિસર્ચ કરાવે છે. આ પગલે હવે ભારત પણ કોઈ મોટો પ્રયોગ કરીને અલગ દિશામાં રિસર્ચ કરે એવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાય રહી છે. આ માટે ઈસરો પોતાના કેટલાક નિયમોમાં પણ ફેરફાર કરશે. ફ્લાઈંગ ટ્રેનિંગ માટે કેટલાક માપદંડ પણ સેટ કરશે. આ પછી નાગરિકોને સામેલ કરવા માટે એક પ્લેટફોર્મ તૈયાર થશે અને પછી એમાંથી સિલેક્શન થયા બાદ અવકાશ યાત્રી માટેની તાલીમ મળશે. આ માટેના રોડમેડ પર હાલમાં કામ ચાલી રહ્યું છે.