Thu Jun 11 2026

Logo

રેલવે મંત્રાલયની મોટી જાહેરાતઃ દિલ્હી-સિલીગુડી વચ્ચે દોડશે નવી બુલેટ ટ્રેન, 20 કલાકની સફર માત્ર 6 કલાકમાં પૂર્ણ થશે

2026-06-11 21:36:04
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હી: રાજધાની દિલ્હીથી ઉત્તર બંગાળ અને પૂર્વોત્તર ભારતના પ્રવેશદ્વાર ગણાતા સિલીગુડી વચ્ચે મુસાફરી કરતા લાખો લોકો માટે આગામી વર્ષોમાં પ્રવાસનો અનુભવ સંપૂર્ણપણે બદલાઈ જશે. રેલ મંત્રાલય દ્વારા એક અત્યંત મહત્વકાંક્ષી હાઈ-સ્પીડ રેલ નેટવર્ક એટલે કે નવી બુલેટ ટ્રેન પરિયોજનાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ પ્રસ્તાવિત દિલ્હી-સિલીગુડી બુલેટ ટ્રેન કોરિડોર કાર્યરત થયા બાદ, હાલમાં ટ્રેન દ્વારા અંદાજે 20 કલાકમાં કપાતું અંતર ઘટીને માત્ર 6 કલાકનું થઈ જશે. આ પ્રોજેક્ટથી ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળના અનેક શહેરોમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે.

320 કિમીની ઝડપ અને અત્યાધુનિક એરોડાયનેમિક ડિઝાઇન

આ નવો કોરિડોર હાલના રેલવે ટ્રેકને અપગ્રેડ કરીને બનાવવામાં નહીં આવે, પરંતુ તેના માટે સંપૂર્ણપણે અલગ અને સમર્પિત હાઈ-સ્પીડ રેલ નેટવર્ક તૈયાર કરવામાં આવશે. આ રૂટ પર બુલેટ ટ્રેનો 300થી 320 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડશે. ટ્રેનોમાં આધુનિક એરોડાયનેમિક ડિઝાઇનનો ઉપયોગ કરાશે, જે હવાનું દબાણ ઘટાડી મુસાફરીને આરામદાયક બનાવશે. એડવાન્સ એન્ટી-કોલિઝન ટેકનોલોજીથી ટ્રેન સજ્જ હશે. આ ઉપરાંત મુસાફરોને એક્સ્ટ્રા લેગરૂમ અને 360 ડિગ્રી ફરતી સીટો મળશે.

ચાર રાજ્યોને જોડશે 1000 કિમી લાંબો કોરિડોર

આ હાઈ-સ્પીડ કોરિડોર 1000 કિલોમીટર કરતાં વધુ લાંબો હશે જે દેશના ચાર પ્રમુખ રાજ્યો - દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળમાંથી પસાર થશે. આ રૂટ માત્ર અંતર ઘટાડવા માટે નહીં, પરંતુ મહત્તમ વસ્તીને કનેક્ટિવિટી આપવાના હેતુથી ડિઝાઇન કરાયો છે. આ ટ્રેન નવી દિલ્હીથી ઉપડીને લખનૌ, વારાણસી અને પટના જેવા મેગા સિટીઝને આવરી લઈને સિલીગુડી પહોંચશે.

શરૂઆતી તબક્કામાં પ્રોજેક્ટમાં કરોડોનું રોકાણ

રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવની જાહેરાત બાદ આ પ્રોજેક્ટ હાલ પ્રારંભિક પ્લાનિંગ અને સ્ટડીના સ્ટેજ પર છે. નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડને આનો વિગતવાર પ્રોજેક્ટ અહેવાલ તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવશે. ડીપીઆર અંતર્ગત ડ્રોન સર્વે, રૂટ નિર્ધારણ, જમીન પરીક્ષણ અને પર્યાવરણીય અસરોનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ આખો કોરિડોર એલિવેટેડ હોવાના કારણે પ્રારંભિક અંદાજ મુજબ આ પ્રોજેક્ટ પાછળ 1.5 લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થઈ શકે છે. આ પ્રોજેક્ટના ફંડિંગ માટે કેન્દ્ર-રાજ્ય સરકારો ઉપરાંત આંતરરાષ્ટ્રીય વિકાસ સંસ્થાઓ પાસેથી સસ્તા વ્યાજની લોન લેવામાં આવી શકે છે.

ક્યારે શરૂ થશે અને રિયલ એસ્ટેટ પર શું અસર પડશે?

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અનુભવોને આધારે આ પ્રોજેક્ટમાં જમીન સંપાદન અને પિલર નિર્માણની કામગીરી વધુ ઝડપી બનાવવાની તૈયારી છે. ડીપીઆર અને રાજ્યોની મંજૂરી બાદ બાંધકામ શરૂ થશે અને અંદાજ મુજબ 2030 ના દાયકાના મધ્ય ભાગ સુધીમાં આ રૂટ પર બુલેટ ટ્રેન દોડતી થઈ શકે છે. આ પ્રોજેક્ટના કારણે દિલ્હી, લખનૌ, વારાણસી, પટના અને સિલીગુડીના સ્ટેશન આસપાસના વિસ્તારોમાં રિયલ એસ્ટેટના ભાવમાં મોટો ઉછાળો આવશે અને રોજગારી તેમજ કોર્પોરેટ રોકાણની નવી તકો ખુલશે.