Mon Aug 31 2026

Logo

દિલ્હીના પાલમમાં ભીષણ આગનું તાંડવ: એક જ પરિવારના 9 સભ્યના મોત, ત્રણ બાળકનો સમાવેશ

2026-03-18 15:28:00
Author: Tejas Rampara
દિલ્હીના પાલમમાં ભીષણ આગનું તાંડવ: એક જ પરિવારના 9 સભ્યના મોત, ત્રણ બાળકનો સમાવેશ

નવી દિલ્હી: દેશમાં આકરા ઉનાળાની શરુઆત સાથે આગના કિસ્સા વધી રહ્યા છે, જેમાં ઓડિશાની હોસ્પિટલમાં આગમાં દસેક લોકો હોમાયા પછી આજે છેલ્લા 24 કલાકથી ઓછા સમયમાં ઈન્દોર અને દિલ્હીના પાલમમાં આગના કિસ્સામાં પંદરથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. પાટનગર દિલ્હીના પાલમ વિસ્તારમાં લાગેલી આગમાં એક જ પરિવારના લોકો હોમાતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફેલાઈ ગયું હતું.

દિલ્હીના દક્ષિણ-પશ્ચિમ જિલ્લાના પાલમ વિસ્તારમાં આવેલી એક બહુમાળી ઇમારતમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી. પાંચ માળની ઈમારતમાં નીચે દુકાનો અને ઉપર એક પરિવાર રહેતો હતો, જેમાં એક જ પરિવારના નવ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ હૃદયદ્રાવક ઘટનામાં ત્રણ નિર્દોષ બાળકોનો પણ ભોગ લેવાયો છે. વહેલી સવારે જ્યારે લોકો મીઠી નિંદ્રામાં હતા, ત્યારે કાળ બનીને આવેલી આગે અનેક પરિવારોની ખુશીઓ છીનવી લીધી. હાલમાં ફાયર બ્રિગેડ સહિત અન્ય એજન્સી દ્વારા બચાવ કામગીરી પૂર્ણ કરી તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આગ મુદ્દે પોલીસ અધિકારીએ કહ્યું કે પાલમ સ્થિત સાધ નગરના રામ ચોક બજારમાં આવેલી આ ઇમારતમાં સવારે આશરે 6:40 વાગ્યે આગ લાગી હતી. ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી કોસ્મેટિકની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જોતજોતામાં આગના ગોટા ઉપરના માળે ફેલાઈ ગયા હતા, જ્યાં લોકો નિંદ્રામાં હતા. ઇમારતમાં ધુમાડાના ગૂંગળામણને કારણે લોકો બહાર નીકળી શક્યા નહોતા. ફાયર બ્રિગેડની 30 ગાડીએ કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં મોટી જાનહાનિ થઈ ચુકી હતી.

આ ભયાનક દુર્ઘટનામાં માનવતા અને કરુણ દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. જ્યારે આખી ઇમારત ધુમાડાથી ભરાઈ ગઈ અને શ્વાસ લેવો મુશ્કેલ બન્યો, ત્યારે પોતાના બાળકોને બચાવવા માટે પરિવારે સાહસ બતાવ્યું હતું. માસુમ બાળકોના જીવ બચાવવા માટે તેમને પહેલા માળેથી નીચે ફેંકવામાં આવ્યા હતા, જેમને નીચે ઉભેલા સ્થાનિક લોકોએ સુરક્ષિત રીતે ઝીલી લીધા હતા. જોકે, કમનસીબે પરિવારના અન્ય સભ્યો આ આગની લપેટમાં આવી ગયા હતા. હાલ ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આગ અંગે એક સાક્ષીએ કહ્યું કે આગ એટલી ભીષણ હતી કે બિલ્ડિંગની બાલ્કનીમાં ઊભા રહેલા લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા, પરંતુ કોઈ અંદર જવાની હિંમત કરી શક્યું નહોતું. રાજેન્દ્ર કશ્યપે દીકરા પ્રવેશએ પોતાની એક વર્ષની દીકરી અને નાના દીકરાને આગથી બચાવવા માટે પહેલા માળેથી ફેંક્યા હતા, જે દૃશ્ય ફિલ્મ જેવું લાગ્યું હતું. આ હોનારત માટે રેસ્ક્યૂ કામગીરીમાં વિલંબ બદલ લોકોએ પ્રશાસન પર આક્રોશ ઠાલવ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું મણિપાલ હોસ્પિટલમાં આઠ લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જેમાં પ્રવેશ (33), કમલ (39), આશુ (35), લાડો (70), હિમાંશી (22) અને ત્રણ સગીર વયની દીકરી (પંદર, છ અને ત્રણ વર્ષ)નો સમાવેશ થાય છે. દરમિયાન આઈજીઆઈ હોસ્પિટલમાં દીપિકા (28) વર્ષની યુવતીનું મોત થયું હતું. હાલના તબક્કે અનિલ (32) અને બે વર્ષની દીકરીની સારવાર ચાલી રહી છે. સફદરજંગ હોસ્પિટલમાં 29 વર્ષના સચીનના નામના યુવકની સારવાર ચાલી રહી છે, જે 25 ટકા જેટલો દાઝ્યો છે.

આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ફાયર બ્રિગેડની કામગીરીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જો ફાયર બ્રિગેડ 40-45 મિનિટ મોડી ન પડી હોત તો કદાચ વધુ લોકોના જીવ બચાવી શકાયા હોત એવો દાવો કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ આ ઘટના અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે અને સમગ્ર મામલાની મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ ઉપરાજ્યપાલ તરનજીત સિંહ સંધુએ પણ મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી વહીવટીતંત્રને તમામ જરૂરી સહાય પૂરી પાડવા સૂચના આપી છે.

દિલ્હીના પાલમ સિવાય આજે ઈન્દોરમાં એક ઘરમાં ઈવી વાહન ચાર્જ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ પછી ભીષમ આગ ફાટી નીકળી હતી. આગ એટલી ભીષણ હતી કે ઘરમાં રાખવામાં આવેલા સિલિન્ડર વિસ્ફોટ થયો હતો, જેમાં સાત લોકોનાં મોત થયા હતા, જ્યારે ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.