Thu Jun 18 2026

Logo

દ્વારકા બાદ હવે ગાંધીનગરમાં ગૌમાંસ મળતા ચકચાર: ૨૦ કિલો માંસ સાથે ૩ ઝડપાયા

2026-03-02 10:26:00
Author: Devayat Khatana
Article Image

ગાંધીનગર: થોડા દિવસ પહેલા દ્વારકા નજીક ગૌમાંસ મળી આવ્યાના ચકચારી બનાવ બાદ ગુજરાતમાં ગૌમાંસ મળી આવવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામે રવિવારની રાત્રે ગેરકાયદેસર ગૌવંશ કતલના ગુનામાં પોલીસે લાલ આંખ કરી હતી. પોલીસ ઇન્સ્પેક્ટરને મળેલી ખાનગી બાતમીના આધારે, બહિયલ ગુજરાત કાંટા પાસે આવેલા એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસને સ્થળ પરથી આશરે 20 કિલો ગૌમાંસ અને કતલ માટે વપરાતા હથિયારો મળી આવ્યા હતા. 

પોલીસે આ મામલે સ્થળ પરથી ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી, જેમાં સાદાબ સજ્જાદભાઈ મલેક, મોઇન મુસ્તાકભાઇ સિપાઇ અને મહંમદપરવેજ નજીરહુસેન કુરેશીનો સમાવેશ થાય છે. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે બહિયલ ગામના સાહિદ હનીફભાઈ અરબ નામના વ્યક્તિએ તેઓને ગાયનું વાછરડું આપ્યું હતું. હાલમાં પોલીસ આ ત્રણેય આરોપીઓ સહિત વાછરડું આપનાર મુખ્ય સૂત્રધાર વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

ઘટનાની જાણ થતા જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે ત્વરિત પગલાં લીધા હતા. પકડાયેલા માંસનું પશુ ચિકિત્સક દ્વારા પરીક્ષણ કરાવતા તે ગૌમાંસ હોવાનું ફલિત થયું હતું. ત્યારબાદ, આરોગ્ય અને સુરક્ષાના કારણોસર આશરે રૂ. 2,000ની કિંમતના 20 કિલો ગૌમાંસને જેસીબીની મદદથી ખાડો ખોદી, મીઠું નાખીને સરકારી ગોચરની જમીનમાં પંચોની હાજરીમાં સુરક્ષિત રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. 

આ કેસમાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 325 અને 54, ગુજરાત પ્રાણી સંરક્ષણ (સુધારા) અધિનિયમની કલમ 8(2), 8(4) તેમજ પ્રાણી ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલે વધુ તપાસ ચલાવી રહ્યા છે.