Tue Sep 15 2026

Logo

દાહોદમાં સગા ભાઈ-બહેન કૂવામાં પડી જતા મૃત્યુ, પરિવારનો કલ્પાંત, ગ્રામજનોમાં રોષ...

2026-02-24 21:11:08
Author: pooja shah
દાહોદમાં સગા ભાઈ-બહેન કૂવામાં પડી જતા મૃત્યુ, પરિવારનો કલ્પાંત, ગ્રામજનોમાં રોષ...

AI Generated Images


(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ દાહોદ જિલ્લામાં રમતા રમતા કૂવામાં પડી જવાથી ભાઈ-બહેનના મોતની ઘટનાથી પરિવારમાં શોક છવાયો હતો જ્યારે ગ્રામજનોએ ખુલ્લા કૂવા મામલે રોષ વ્યક્ત કર્યો હતો. 
દાહોદના ગરબાડા તાલુકાના ઝરીબુઝર્ગ ગામમાં રહેતા પરિવારના બે બાળક રોનક(5) અને આરાધના(3)ઘર પાસે રમતા રમતા અચાનક ગાયબ થઈ ગયા હતા. પરિવારે સતત શોધખોળ કરી, પરંતુ બાળકો મળ્યા નહીં.

છેવટે મંગળવારે સવારે કૂવામાંથી બાળકીનો મૃતદેહ તરતો મળ્યો હતો. ત્યારબાદ  ગરબાડા પોલીસ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કૂવામાં ઘણું પાણી હોવાથી મશીન મંગાવી પાણી ઉલેચવામાં આવ્યું હતું અને ભાઈ રોનકનો મૃતદેહ પણ કૂવામાંથી જ મળી આવ્યો હતો. પોલીસે બન્ને મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા. 

બન્ને સંતાનના આ રીતે મોત થતાં પરિવારમાં માતમ છવાયો હતો અને સમગ્ર કામ શોકમાં ગરકાવ થઈ ગયું હતું. આ સાથે ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ગામના ખેતરોમાં અને રહેવાસી વિસ્તારોમાં પણ આવા ખુલ્લા કૂવાઓ છે અને તેને સુરક્ષાજાળી કે ફેન્સિંગ માટેની રજૂઆત કરી હોવા છતાં કામ થતું નથી.