Wed Jun 10 2026

Logo

મેઘને કહો, વરસે અનરાધાર

2026-06-10 09:13:12
Author: નિલેશ વાઘેલા
Article Image

આભ જો સાંબેલાધાર નહીં વરસશે, તો મોંઘવારીના વિકરાળ વાદળ મંડરાશે એવી ભીતિ સાથે પર્યાપ્ત બફર સ્ટોક અને વૈકલ્પિક પાકના કવચનો આશાવાદ પણ છે!

કવર સ્ટોરી - નિલેશ વાઘેલા

અર્થતંત્રએ વરસાદની અછત ને હીટવેવનો સામનો કરવો પડશે

વરસાદ સાથે ભારતીય અર્થતંત્ર સજ્જડ જોડાયેલું છે. અપૂરતા ચોમાસાને કારણે નાણાકીય વર્ષ 2027માં ફુગાવો પાંચ ટકાથી ઉપર પહોંચી શકે છે અર્થશાસ્ત્રીઓ કહે છે કે વરસાદની ખાધ, ખાદ્ય ઉત્પાદનમાં ઘટાડો કરી શકે છે અને ફુગાવો વર્તમાન 3.48 ટકાથી વધીને પાંચ ટકા સુધી પહોંચી શકે છે. ઉત્તરપશ્ર્ચિમ, મધ્ય અને દક્ષિણ પ્રદેશોમાં મુખ્ય પાક ઉત્પાદક પ્રદેશોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાથી આ વર્ષે ખાદ્ય ઉત્પાદનના અંદાજ પર નોંધપાત્ર જોખમ છે. ખાસ કરીને ડાંગર અને ઘઉંના ઉત્પાદનને અસર થઈ શકે છે.

આપણું ધ્યાન અત્યારે ક્રૂડ ઓઇલની ઉપલબ્ધતા પર મંડાયેલું છે, પરંતુ આપણા અર્થતંત્ર માટે આજે પણ જળવર્ષા ઇંધણનું કામ કરે છે. વરસાદ ભારતીય અર્થતંત્રના સ્વાસ્થ્ય સાથે આંતરિક રીતે જોડાયેલો છે, મજબૂત ચોમાસું ગ્રામીણ આવકમાં વધારો કરે છે અને ફુગાવાને હળવો કરે છે જ્યારે અપર્યાપ્ત વરસાદ કૃષિ ઉત્પાદનમાં ઘટાડો કરી શકે છે અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ખર્ચશક્તિને નુકસાન પહોંચાડી શકે છે. 

હવે ચિંતાનો વિષય એ છે કે અલ-નીનોની અસરને કારણે વરસાદમાં ઘટ રહેવાની આશંકા છે. હવામાન વિભાગે તેની ચોમાસાની આગાહીમાં હીટ વેવની સાથે વરસાદમાં 10 ટકાની ખાધની આગાહી કરી છે જે સમગ્ર ભારતમાં, મુખ્યત્વે ઉત્તરપશ્ર્ચિમ, મધ્ય અને દક્ષિણ પ્રદેશોમાં ખાદ્ય ઉત્પાદનમાં ઘટાડો કરી શકે છે. આના પરિણામે મુખ્ય છૂટક ફુગાવો 5ાંચ ટકાથી વધુ રહેશે, એવી ધારણા અર્થશાસ્ત્રીઓ વ્યક્ત કરી રહ્યા છે. 

જોકે, આઇએમડીના એક અધિકારી કહે છે કે અલનીનો અંગે અગાઉ પણ ચેતવણી જાહેર થઇ હોવાથી આ વખતે ઓછા વરસાદને કારણે પાક નિષ્ફળ જવાની શક્યતા કદાચ અગાઉના વર્ષો જેવી તીવ્ર ન હોય એવી આશા રાખી શકાય છે, કારણ કે પ્રારંભિક આગાહીને કારણે ખેડૂતો તેમની વાવણીનું વધુ સારી રીતે આયોજન કરવા સાથે  વૈકલ્પિક પાક તરફ વળી શકે છે.

જો ખેડૂતો વૈકલ્પિક પાક અને ટૂંકા ગાળાના પાક દ્વારા વ્યવસ્થાપન કરી શકે, તો નુકસાન ઘટાડી શકાય છે, એવી આશા વ્યક્ત કરતાં આઇએમડીના પ્રાદેશિક હવામાન કેન્દ્રના અધિકારીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતુું કે બાજરી, મકાઈ, કઠોળ અને તેલીબિયાંને વૈકલ્પિક પાક, ડાંગર જેટલા પાણીનો વધુ વપરાશ કરતા નથી.

એક અન્ય અર્થશાસ્ત્રીએ કહ્યું હતું કે, અછતવાળા ચોમાસાના ભૂતકાળના અનુભવોમાંથી સંકેતો જોતાં, ફક્ત આ પરિબળ ખાદ્ય ફુગાવા પર 25 બેસિસથી વધુ અસર કરી શકશે નહીં. જો, ચોમાસાની અછત મુખ્ય ખરીફ પાક ઉગાડતા પ્રદેશોમાં દુષ્કાળની સ્થિતિ સાથે આવે, જેમ કે ગંભીર અલ નીનો ઘટના દરમિયાન થઈ શકે છે, તો મુખ્ય ખાદ્ય ફુગાવો 50 બેસિસ પોઇન્ટ સુધી વધી શકે છે, જ્યારે ગ્રામીણ ગ્રાહકોને તેમના શહેરી સમકક્ષો કરતાં નોંધપાત્ર રીતે ઊંચા ભાવ દબાણનો સામનો કરવો પડી શકે છે.

તેમણેે એવી ધારણાં વ્યક્ત કરી હતી કે, વર્તમાન સમયે ખાદ્ય ફુગાવો 5.50 ટકા અને મુખ્ય ફુગાવો 5ાંચ ટકા રહેશે, જેમાં ચોમાસાના વાસ્તવિક પ્રદર્શનના આધારે સુધારો પણ શક્ય છે. સરવાળે ખાદ્ય અને ઊર્જાના ઊંચા ભાવને કારણે મુખ્ય ફુગાવો 5 ટકાથી વધુ રહેશે. 

ખાદ્ય ફુગાવો છૂટક અને જથ્થાબંધ બંને સૂચકાંકોમાં વધી રહ્યો છે, જેમાં માંસ, માછલી અને અન્ય સીફૂડ, ફળો, ખાદ્ય તેલ અને તૈયાર ઉત્પાદનો જેવા ઘણા ક્ષેત્રોમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશના ઉત્તર અને મધ્ય ભાગોમાં ઉનાળામાં વધારો અને ભારે ગરમીની સ્થિતિને કારણે શાકભાજી અને ફળો જેવા નાશવંત પાકમાં ટૂંક સમયમાં વધારો જોવા મળી શકે છે. 

જોકે, કેટલીક હકીકતોને નજરઅંદાજ કરી શકાય એમ નથી. ભારત હવામાન વિભાગ (આઇએમડી)ની 29 મેના રોજ પ્રકાશિત થયેલી નવીનતમ આગાહીમાં જૂન-સપ્ટેમ્બર 2026 દરમિયાન વરસાદ સામાન્ય કરતાં 10 ટકા ઓછો (લાંબા ગાળાના સરેરાશના 90 ટકા) રહેવાની આગાહી કરવામાં આવી છે. આ અંદાજો સામાન્ય કરતાં આઠ ટકા ઓછો વરસાદ હોવાના અગાઉના અંદાજ કરતાં ઓછા છે. તાજેતરના અંદાજ મુજબ, ચોમાસામાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના 84 ટકા છે, જ્યારે પહેલા લાંબા ગાળાના અંદાજમાં 66 ટકા સંભાવના આપવામાં આવી છે.

આઇએમડીએ આગામી મહિનાઓમાં ભારે ગરમીની સ્થિતિ ચાલુ રહેવાનો સંકેત પણ આપ્યો છે. આ સાથે વિલંબિત અને શુષ્ક ચોમાસાની અપેક્ષાઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં વહેલી વાવણી પ્રવૃત્તિઓ માટે જોખમ ઊભું કરે છે, જે વિક્ષેપકારક અલ નીનો તબક્કા સાથે વધી શકે છે.

ચોમાસું મોડું પડ્યું છે અને સમગ્ર દેશમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ જોવા મળ્યો છે. ઉત્તરપશ્ર્ચિમ, મધ્ય અને દક્ષિણ પ્રદેશોમાં મુખ્ય પાક ઉત્પાદક પ્રદેશો હોવાથી, આ વર્ષે ખાદ્ય ઉત્પાદનના અંદાજ પર નોંધપાત્ર જોખમ છે. દેશમાં કુલ પાક ઉત્પાદનનો લગભગ 40 ટકા ચોમાસાના મુખ્ય ક્ષેત્રમાં કેન્દ્રિત છે, જેમાં આ વર્ષે ઓછો વરસાદ પડવાની સંભાવના છે.

અર્થશાસ્ત્રીઓ કહે છે કે વરસાદ ઓછો પડે તો, કઠોળ, બરછટ અનાજ (કડ ધાન્ય), તેલીબિયાં અને મસાલા જેવા વરસાદ આધારિત પાકને અસર થઈ શકે છે. વધુમાં, ડાંગરનું ઉત્પાદન મુખ્યત્વે ઉત્તરપશ્ર્ચિમ પ્રદેશ (કુલ ઉત્પાદનના 27 ટકા) અને પૂર્વ અને ઉત્તરપૂર્વીય પ્રદેશ (23 ટકા)માં કેન્દ્રિત છે, ત્યારબાદ મધ્ય અને દક્ષિણ ભારતમાં (પ્રત્યેકમાં કુલ ઉત્પાદનના 15 ટકા) જેટલું થાય છે.

ડાંગર માટે સિંચાઈ કવરેજ વધુ હોવાથી, વિલંબિત અથવા સામાન્ય કરતા ઓછા વરસાદની આદર્શ રીતે પાક વાવણી પર ઓછી અસર થવી જોઈએ. ઘઉંનું પણ એવું જ છે, જે ઉત્તરપશ્ર્ચિમ ભારતમાં (કુલ ઉત્પાદનના 68 ટકા) અને મધ્ય ભારતમાં (25 ટકા) ઉત્પન્ન થાય છે અને આ બંને પ્રદેશોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની શક્યતા હોવાનું હવામાન ખાતાના અહેવાલમાં નોંધવામાં આવ્યું છે.

જો જમીનમાં ભેજ ઓછો હોય (વરસાદનો અભાવ) અને તે સમયે જળાશયોનું સ્તર પર્યાપ્ત ન હોય, તો ડાંગર અને ઘઉંના ઉત્પાદન પર થોડી અસર પડી શકે છે. 29 મે સુધીમાં જળાશયોનું સ્તર કુલ ક્ષમતાના 31 ટકા હતું, જે કુલ ક્ષમતાના લાંબા ગાળાના સરેરાશ 26 ટકા કરતા વધારે છે. જોકે, એક સારી બાબત એ છે કે દેશમાં 275 લાખ મેટ્રિક ટનના બફર ધોરણની આવશ્યકતા સામે હાલ 513 લાખ મેટ્રિક ટન ઘઉંનો સ્ટોક છે. આમ બફર સ્ટોક સારો છે અને અલનીનોની નકારાત્મક અસરની સામે રક્ષણ મળવાનો આશાવાદ છે. હવે બધો આધાર મેઘરાજ કેવું વરસે છે અને સરકારનું આયોજન કેવું છે તેના પર રહેલો છે.