Sat Sep 12 2026

Logo

મિડલ ઈસ્ટમાં ફસાયેલા ગુજરાતીઓ માટે કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલની સરકાર પાસે માંગ...

2026-03-01 18:22:00
Author: Devayat Khatana
મિડલ ઈસ્ટમાં ફસાયેલા ગુજરાતીઓ માટે કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલની સરકાર પાસે માંગ...

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ
: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વકરી રહેલા યુદ્ધને કારણે મિડલ ઈસ્ટના વિવિધ દેશોમાં ફસાયેલા ગુજરાતીઓની સુરક્ષાના મુદ્દે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ડ્રોન અને મિસાઈલ હુમલાને કારણે દુબઈ, અબુધાબી, બહેરીન અને કુવૈત જેવા દેશોમાં અનેક ગુજરાતીઓ અટવાયા છે. તેમણે નડિયાદના પ્રિતેશભાઈ પટેલ અને હીનાબેન પટેલના પરિવારના કિસ્સાનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે, અમેરિકા જઈ રહેલા ઘણા પ્રવાસીઓ કુવૈત જેવા દેશોમાં ફસાયા છે, તો બીજી તરફ ઉમરાહ કરવા ગયેલા અનેક યાત્રિકો સાઉદી અરેબિયાના એરપોર્ટ પર લાચાર સ્થિતિમાં હોવાના વીડિયો પણ સામે આવ્યા હતા.

શક્તિસિંહ ગોહિલે આકરા શબ્દોમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની ટીકા કરતા કહ્યું હતું કે, ખાડી દેશોમાં હુમલાની ઘટનાઓ બાદ પણ હજુ સુધી વડાપ્રધાન કે મુખ્ય પ્રધાન તરફથી ગુજરાતીઓની સુરક્ષા અંગે એક પણ નિવેદન આવ્યું નથી. તેમણે વડાપ્રધાન અને વિદેશ મંત્રીને ઈમેલ કરીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી હતી. સાંસદે માંગ કરી હતી કે, જે ગુજરાતીઓ પરત ફરવા માંગતા હોય તેમના માટે સરકાર વિનામૂલ્યે વ્યવસ્થા કરે અને જ્યાં સુધી તેમને પરત ન લાવી શકાય ત્યાં સુધી ભારતીય એમ્બેસી દ્વારા તેમના રહેવા તથા જમવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.

આ સાથે જ તેમણે ગલ્ફ દેશો સાથે ગુજરાતના વર્ષો જૂના વેપારિક સંબંધો પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, કચ્છ, સલાયા, પોરબંદર અને જામનગરથી હજારો નાના જહાજો ચીજવસ્તુઓના પરિવહન માટે ગલ્ફ દેશો સાથે જોડાયેલા છે. યુદ્ધની આ સ્થિતિમાં આ વેપાર પર ગંભીર અસર પડી રહી છે, જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે વેપારીઓને જરૂરી સહાય પૂરી પાડવી જોઈએ. રાજ્યના નાગરિકોની સુરક્ષા અને તેમના વ્યવસાયોના રક્ષણ માટે સરકારને સક્રિય પગલાં લેવાની તેમણે ખાસ હિમાયત કરી હતી.

 

વધુ જુઓ...