અલખનો ઓટલો - ડૉ. નિરંજન રાજ્યગુરુ
આજનો ચોથનો દિવસ આપણી ભારતીય સંસ્કૃતિ માટે અતિ મહત્ત્વનો દિવસ છે. આજના દિવસને ગણેશ જયંતી તરીકે, વિનાયક ચતુર્થી કે વરદ ચોથના નામે પણ ઓળખવામાં આવે છે. કોઈ પણ કાર્ય એની સ્થાપના વિના આરંભાય નૈં. મંગલર્ક્તા અને વિધ્નહર્તા તરીકે ગણપતિનું સ્મરણ `પરથમ પેલાં' કરવું પડે. જીવનમાંગલ્યના આ દેવતા ગણનાયક તો છે પણ સાથે સાથે ગુણોનો ય ભંડાર. એટલે જ સંતો-ભક્તો-ભજનિકો અને ગુણોના નાયક ગુણપતિ તરીકે ઓળખાવે છે. સૌ પથમ એને નોતરવા જ પડે.
પછી રિદ્ધિ-સિદ્ધિના દાતાર, એકલદંતો, સૂંઢાળો, દુંદાળો, સદાયે બાળ સ્વરૂપે રહેતો ભગવાન સદાશિવ અને ઉમિયાજીનો પુત્ર એવો ગણપતિ-ગણનાયક-ગુણપતિ શરીરે સિંદૂર ચોપડીને, ગળામાં ફૂલડાંની માળા ને એકાવળ હાર પહેરી, માથે મુગટને મોડિયા, બાયેં બાજુબંધ બેરખા, કાને કુંડળ, પગે મોજડી ને હાથમાં મોદકના થાળ લઈ રૂમઝૂમતો આવે. આવા ગણપતિને ભજનિક સંતોએ માત્ર સ્થૂલ સ્વરૂપથી જ સમર્યા નથી. એનું વેદાન્તી સ્વરૂપ પણ એટલું જ મનોહર છે. નિરંજન નિરાકાર નિર્ગુણ જ્યોતિ સ્વરૂપ શુદ્ધ શાશ્વત બ્રહ્મતત્ત્વ રૂપે પણ ગજાનન ગુણપતિની ઉપાસના આપણે ત્યાં થતી રહી છે. ભજનમંડળીની શરૂઆત જ ગુણપતિ, શારદા અને ગુરુવંદનાથી થાય. જાગતી જ્યોતને સાક્ષ્ાીરૂપ અલખધણી માનીને સાખી બોલીને એનું આહ્વાન કરવામાં આવે.
શારદા, વાણી દ્યો વિખ્યાત..
સદા ભવાની સ્હાય રહો, સનમુખ રહો ગુણેશ,પંચ દેવ મળી રક્ષ્ાા કરો, બ્રહ્મા વિષ્ણુ મહેશ.
પહેલી નમણ ગુરુદેવને, દૂજી નમણ ગુણેશ,ત્રીજી નમણ ત્રિગુણાપતિ,બ્રહ્મા વિષ્ણુ મહેશ.
દુંદાળો દુ:ખ ભંજણો, સદાય બાળે વેશ,સમરતાં લખ લાભ દિયે, ગવરીનંદ ગુણેશ.
ગૌરી તમારા પુત્રને, સમરૂં સહુની મોર્ય, દિવસે સમરે હાટ વાણિયા, રાતે સમરે ચોર.
અને પછી ગવાતાં રહે ઊલટ, પાટ અને નિર્વાણ પકારનાં ગુણપતિ ભજનો..
આવો દુંદાળા દેવ દયાળુ, કરો અંતર અજવાળું રે,
ગુણેશા રોજ કરોને રખવાળું રે.. હો જી... રે... જી...
રાગ દ્વેષ્ાના રૂદિયા માંહે, કદી ન મુખડું કાળું ,
ન્યાય નીતિના નાથ ગજાનન, ભય આઘો છું ભાળું..
- ગુણેશા રોજ કરોને રખવાળું રે... હો જી... રે... જી...
આનંદઘન અવિનાશીને ધરતાં, મોદકમાં મન વાળું,
રક્ષ્ાક છે તું રોજ અમારો, તુજ ઘરને નહીં તાળું..
- ગુણેશા રોજ કરોને રખવાળું રે... હો જી... રે... જી...
રહે ન સ્મરણે આશ અધૂરી, આતમ રોજ ઉજાળું,
વલ્લભ બનજો સદા વિજેતા, ગરવું જીવતર ગાળું..
- ગુણેશા રોજ કરોને રખવાળું રે.. હો જી.. રે.. જી..
નાથસંપદાયના સર્જક ધૂણીનાથજીના નામાચરણ સાથે મળતું એક પાચીન ભજન લઈએ-
તમ પર વારી વારી ગજાનન સ્વામી
તમ પર વારી વારી રે હો જી... હો જી....
અંગડેથેી ઉપજ્યો, ઉદર ન જનમીયો, ગવરી નંદ કહેવાણો રે હો જી..હો જી..
અંગડાનો મેલ ઉતાર્યો ઉમિયાજીએ, અંગડાનો મેલ રે હાં... હાં... હાં...
ઉતાર્યો ઉમિયાજીએ... ગુણપતિ નામ ધરાયો મેરે સ્વામી તમ પર વારી વારી રે હો જી... હો જી...0
ગુણેશ ગરવા,માતાજી નમણવા, ઘુમતડા ઘેર આવો રે હો જી... હો જી..
ડાબે પડખે સુંઢ હલાવો મોતૈયા લાડુ પાવો મેરે સ્વામી તમ પર વારી વારી રે હો જી... હો જી...0
કોણ પુરૂષે રાવણ રથ ભાંગ્યો, જેણે શ્રી લંકાને પ્રજાળી રે હો જી.. હો જી..
ગુણપતિ દેવે રાવણ રથ ભાંગ્યો, ને હનુમંતે લંકા પજાળી મેરે સ્વામી તમ પર વારી રે હો જી... 0
કહે ઈશ્વર તમે સુણો ઉમિયાજી, અનહદ એની વાણી રે હો જી.. હો જી..
દોઈ કર જોડી બાવો ધૂણીનાથ બોલ્યા, ગોરાં પીરાંની નિશાની... મેરે સ્વામી
તમ પર વારી વારી રે હો જી.... હો જી....