સંજય છેલ
જો એક મોટું જુઠ્ઠાણું વારંવાર કહેવામાં આવે તો લોકો છેવટે એને સાચું માનવા લાગે છે. (જોસેફ ગોબેલ્સ). ફિલ્મો, જનતાના મન જીતવાનું સૌથી મજબૂત હથિયાર છે. (એડોલ્ફ હિટલર)
જે લોકો ભૂતકાળને યાદ રાખતા નથી, તેઓ એને ફરી ફરીથી દોહરાવે છે. (જ્યોર્જ સેન્ટાયાના)...
1932માં ફિલ્મમેકર લેની રિફેન્સ્ટાહલે હિટલરને પહેલી વખત જોયો ત્યારે તેના મનમાં એક જબરદસ્ત વિચાર આવ્યો. લેનીને લાગ્યું કે આ માણસ માત્ર કોઇ રાજકારણી નથી, પણ નાટકીય પર્સનાલિટી ધરાવતો મહાન નેતા અભિનેતા છે, જેને સિનેમાનાં પડદા પર લાવવો જોઈએ. આમ તો બેઉની મુલાકાતની એ ક્ષણ સામાન્ય મુલાકાત જેવી હશે, પરંતુ પછી એમાંથી જર્મનીમાં નાઝી વિચારોવાળી ફિલ્મોની આખી ઇન્ડસ્ટ્રી ઊભી થઈ. કળા અને સત્તાનો આવો સનસનીખેજ સંગમ ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે છે કે જેનું પરિણામ ઇતિહાસે રક્તરંજિત રીતે ચૂકવ્યું.
લાખો યહૂદીઓની નિર્મમ હત્યા કરનારો હિટલરના દેશ જર્મનીમાં સિનેમા માત્ર મનોરંજન નહોતું. વિચાર ઘડવાનું સાધન હતું. હિટલરની રાજનીતિનો ધ્યેય જર્મનીને ભય, ગર્વ ને યુદ્ધના રસ્તે એક નવો જ વર્લ્ડ-પાવર બનાવવાનો હતો. નાઝી પક્ષ જર્મનોને ‘આર્યન જાતિ’ તરીકે દુનિયામાં સૌથી સર્વોચ્ચ ને શુદ્ધ માનતો. યહૂદીઓને, રોમન લોકોને, અપંગોને અને અન્ય એવી ઘણી યુરોપિયન જાતિઓને હલકી ગણતો. અહીં હોલોકોસ્ટ શબ્દનો અર્થ થાય છે નાઝી શાસન દ્વારા યહૂદીઓ અને અન્ય પીડિત સમૂહોનો નરસંહાર.. જેમાં જેલવાસ, ગેસચેમ્બરો, ભૂખમરી અને અમાનવીય ત્રાસનો અકલ્પ્ય હિંસક ખેલ હતો.
હિટલરનો પ્રચારમંત્રી અને વિશ્વાસુ સહાયક જોસેફ ગોબેલ્સ હતો. ગોબેલ્સે અખબાર, રેડિયો, પુસ્તક અને ફિલ્મ પર પોતાનો કબ્જો રાખ્યો. હિટલર વિચાર આપતો હતો, અને ગોબેલ્સ એ વિચારને જર્મન સમાજમાં ફેલાવતો.
હવે આવે છે પેલી ફિલ્મ નિર્દેશક: લેની રિફેન્સ્ટાહલ, જેની ખાસિયત હતી આગવી સિનેમેટિક ભાષા અને મોડર્ન સ્ટાઇલ. લેનીની ફિલ્મો માત્ર સફળ જ નહોતી, પરંતુ ટેકનિકલી અત્યંત શક્તિશાળી હતી. એની સૌથી જાણીતી ફિલ્મ ‘ટ્રાયમ્ફ ઓફ ધ વિલ’ 1935માં આવી.આ ફિલ્મ 1934ની ન્યુરેમ્બર્ગ રેલી પર આધારિત હતી. તેમાં હિટલર વિમાનથી નીચે ઉતરે છે, સૈનિકો એકસાથે પગલાં ભરે છે, ભીડ એક જ અવાજમાં ઉદ્ઘોષ કરે છે અને આખું દૃશ્ય એક ભવ્ય રાજકીય વિધિ જેવું લાગે છે.
લેનીએ કેમેરાને લો-એંગલથી એટલે કે નીચે રાખીને એવી રીતે વાપર્યો કે હિટલર સામાન્ય માણસ નહીં, પણ જર્મન રાષ્ટ્રનો કોઇ દૈવી તારણહાર લાગે. એ ફિલ્મ પ્રચારનો આદર્શ નમૂનો બની. એ ફિલ્મમાં ભવ્યતા, શિસ્ત અને અંધભક્તિનું કોકટેલ હતું. કળા, સત્તા અને પબ્લિકની ભાવના ભડકાવનારું ઝેરી કોકટેલ, જે ઉપરથી મીઠું શરબત લાગે!
લેનીની બીજી કામિયાબ અને અગત્યની ફિલ્મ ‘ઓલિમ્પિયા’ 1938માં આવી. આ ફિલ્મ 1936ના બર્લિન ઓલિમ્પિક્સ પર આધારિત હતી, જેના 2 ભાગ હતા (જી હાં, 2 ભાગમાં પ્રચાર ફિલ્મો ત્યારે પણ બનતી ને ચાલતી). એક ભાગમાં રાષ્ટ્રોની સ્પર્ધા, બીજા ભાગમાં સૌંદર્ય અને શારીરિક શક્તિનો મહિમા. કેમેરા ક્યારેક પાણીમાં ઉતરે છે, ક્યારેક સ્લો-મોશનમાં દોડતા ખેલાડીઓના શરીરોને મોડેલ્સની જેમ રજૂ કરે.
આમ ઉપરછલ્લી રીતે આ ફિલ્મ રમતની ઉજવણી લાગતી હતી, પણ અંદરથી તેમાં આર્યન લોહીની શ્રેષ્ઠતાનો સૂક્ષ્મ પણ છૂપો સંદેશ હતો. લેનીની કળા અહીં ચકાચૌંધ કરતી હતી, પણ તેનો આશય નિર્દોષ નહોતો. તે જાણતી હતી કે ફિલ્મમાં કેવી રીતે રાજકીય સંદેશ અપાઇ શકે છે.
સરકારી પ્રોપેગેંડાનું સૌથી ભયાનક સ્વરૂપ તો ત્યારે દેખાયું જ્યારે સરકારી પૈસે યહૂદીઓ સામે સીધી ઘૃણા ફેલાવતી બીજી ફિલ્મો બનાવવામાં આવી. ફિલ્મકાર વેઇટ હરલનની ‘જુડ સુસ’ 1940માં આવી. તેમાં યહૂદીઓને લોભી, કાવતરાખોર અને ખતરનાક તરીકે રજૂ કરવામાં આવ્યા. ફિલ્મનો ઉદ્દેશ નોર્મલ મનોરંજક વાર્તાનો નહોતો, પરંતુ દર્શકોના મનમાં નફરત પેદા કરવાનો હતો. એ જ રીતે ડેર એવિગે ‘જુડે’ નામની ફિલ્મમાં યહૂદીઓને જર્મનીઓના પરોપજીવી લોહી ચૂસનારાઓની જેમ બતાવવામાં આવ્યા. ગંદા વિસ્તારો, ઝૂંપડપટ્ટી અને અપમાનજનક દૃશ્યોને એવી રીતે શૂટ કરવામાં આવ્યા કે યહૂદીઓને સામાન્ય માણસોને માણસ તરીકે નહીં, પણ ખતરાના ચિહ્ન તરીકે જોવામાં આવે.
હિટલરે આદરેલા નરસંહાર કે ‘હોલોકોસ્ટ’ની ભયાનકતામાં નાઝીઓએ પહેલાં જર્મન ભોળી પ્રજાના મનમાં ઠસાવ્યું કે કેટલાક લોકો સમાજ માટે ખતરો છે. પછી તેમને અલગ પાડ્યા. પછી કેદ કર્યા. પછી મજૂરકામના કેમ્પોમાં ધકેલી દીધા અને અંતે ગેસ ચેમ્બર અને મૃત્યુ કેમ્પ સુધી પહોંડીને મારી નાખ્યા. આ બધું રાતોરાત નહોતું થયું. એમાં પ્રચારની લાંબી ને ખતરનાક પ્રક્રિયા હતી. પ્રોપેગેન્ડા ફિલ્મો પણ આ વિનાશની માનસિક તૈયારી રૂપે હતી. જ્યારે લોકોમાં નફરત સામાન્ય બની જાય ત્યારે મૃત્યુ પણ વાજબી દેખાવા માંડે છે.
બીજા વિશ્વયુદ્ધ બાદ, હિટલરનાં મોત પછી, જર્મનીમાં નાઝી શાસનના અંતે લેની પર કેસ ચાલ્યો. અંતે લેનીને સીધી નાઝી નેતા તરીકે નહીં, પરંતુ શાસન સાથે જોડાયેલી અને લાભાર્થી ગણવામાં આવી. લેનીના સમર્થકો એને નિર્દોષ કલાકાર કહેતા રહ્યા. વિરોધીઓ કહેતા રહ્યા કે કળા જ્યારે સત્તાની સેવામાં ઘૃણા ફેલાવે, ત્યારે તેને નિર્દોષ કહી શકાય નહીં. લેની અને એની ફિલ્મોને લોહિયાળ ઇતિહાસમાંથી ક્યારેય ભૂંસી શકાશે નહીં.
પ્રચાર કે પ્રોપેગેન્ડા ફિલ્મોની વાત માત્ર જર્મનીની નથી, દુનિયાભરને લાગુ પડે છે. આજે પણ કારણ કે આ માનવ સ્વભાવની વાત છે. ફિલ્મકળા, સત્યને બદલે સત્તાની ભાષા બની જાય છે ત્યારે એમાનાં સુંદર દૃશ્યો પણ જો ઘૃણા ફેલાવે, તો એ ખતરનાક સિનેમા છે, કારણ કે ફિલ્મો દ્વારા છૂપો પ્રચાર સુંદર, ભવ્ય કેમેરાવર્ક, નાટકી સંવાદો, ફાઇટ વગેરેથી એક ચમકદાર ઇમેજ કે છબી બનીને સિનેમામાં પીરસવામાં આવે છે માટે જ આવી ફિલ્મો પાછળની સચ્ચાઇ પારખવી જોઈએ અને આપણામાંની માણસાઇને ખતમ ના થવા દેવી જોઈએ.
સિનેમામાં સુંદર દેખાતું બધું સાચું નથી હોતું અને ભવ્ય દેખાતું બધું નિર્દોષ પણ નથી હોતું.