નરેશ શાહ
પોતાનાથી કોઈ આગળ વધી ગયેલાની ઈર્ષા અને બીજાથી આગળ થઈ જવાનું ઝનૂન દરેક ફિલ્ડમાં જોવા મળવાનું, પણ કલા યા આર્ટના ક્ષેત્રમાં કાયમ એ બોલકું લાગે. તેનું કારણ સ્પષ્ટ છે: આર્ટ સાથે સાંઠગાંઠ હોય તે વ્યક્તિ ચપટીક વધુ સેન્સિટિવ હોવાની...
અનુષ્કા (વિરાટ કોહલી) શર્માએ નિર્માણ કરેલી અને ડાયરેક્ટ ‘નેટફ્લિકસ’ પર જ અપલોડ થયેલી ‘કલા’ ફિલ્મનું હાર્દ કંઈક આવું જ છે, પરંતુ ‘કલા’ ફિલ્મનું મહત્ત્વ બીજાં કારણોસર સવિશેષ છે. આ ફિલ્મ વન એન્ડ ઓન્લી ધ એક્ટર (હવે જન્નતનશીન) એવા ઈરફાન ખાનના પુત્ર બાબીલ ખાનનું લોન્ચિંગ પેડ છે.
થોડા સમય પહેલાં બાબીલ ખાનનો એક વીડિયો વાઇરલ થયો હતો, જે તેની હતાશા અને નશાનું પરિણામ હોય શકે, પરંતુ એટલું ચોક્કસ કહેવું પડશે કે ‘કલા’ ફિલ્મ જોતી વખતે એ ખાતરી થઈ જાય છે કે બાબીલ ખાનમાં પિતાનો વારસો આગળ વધારવાની ક્ષમતા તો છે જ. ઈન્શાલ્લાહ. ઓવર ટૂ મૂવી...
‘કલા’ એક ક્લાસિકલ સંગીત અને તેના ઉસ્તાદો (ના ઘરાના)ની કથા છે. ફિલ્મનું લોકાલ કાશ્મીર અને કલકત્તા છે. તેનો સમયકાલ અથવા કાલખંડ 1950-60નો દર્શાવવામાં આવ્યો છે. જોડિયાં બાળકો જન્મ આપ્યા પછી ઠુમરી ક્વીન મંજૂશ્રીને ખબર પડે છે કે બે પૈકીનું એક બાળક તે ગુમાવી ચૂકી છે. તેણે બાળકીને જ ઉછેરવાની આવશે... કલા નામની દીકરી (તૃપ્તિ ડીમરી)ને માતા (સ્વસ્તિકા મુખરજી) પોતાના ઘરાનાના રસુખ મુજબ સંગીતની તાલિમ આપીને ઉછેરે છે, પણ દીકરી કલાની ગાયકીમાં રહેલો સંપૂર્ણતાનો અભાવ માતાને સતત ખટકતો રહે છે. ગાયન તો એવું હોવું જોઈએ, જેમાં શ્રોતા તરબોળ થઈને તલ્લિન થઈ જાય.
ગુરુદ્વારામાં અરદાસ ગાતાં અને મામૂલી પરિવારના યુવક જગન (બાબીલ ખાન)ની ગાયિકી સાંભળ્યા પછી માતા મંજૂશ્રી તેના પર ઓવારી જાય છે અને તેનું પારખું દિલ-દિમાગ સતત પુત્રીને પેલા યુવકની સરખામણી કરી ઉતારી પાડે છે. કમ સે કમ, દીકરી કલાને તો એવું જ લાગે છે, પણ...
માતાની નજરમાં પ્રતિષ્ઠા પામવા અને તેના ઓરતાં પૂરાં કરવા માટે મનોમન ગાંઠ વાળી ચૂકેલી દીકરી કલામાં ડગલે ને પગલે માતાના પેલા ગાયક યુવાન પ્રત્યેના લગાવ અને અહોભાવથી ઈર્ષાથી ગંઠાતી જાય છે અને... કલા એ બધું જ મેળવે છે, જે માતા મંજૂશ્રીને બચપણમાં સહજપણે પુત્રી પાસેથી ઈચ્છયું હતું, પરંતુ પામી લીધા પછીનો એક પશ્ર્ચાતાપ કલાને ખોરી રહ્યો છે.
એ પશ્ર્ચાતાપ શું છે? પેલા ગાયક યુવાને (બાબીલ ખાન) કેમ આપઘાત કરી લીધો? માતા-પુત્રી વચ્ચે અભાવ શી રીતે જન્મ્યો? કલાએ કઈ રીતે આટલી સફળતા-કીર્તિ મેળવી, એ ‘કલા’ ફિલ્મનો કથાસાર છે.
ફિલ્મ બેશક, ધીમી છે અને એકદમ ડાર્ક ઝોનમાં શૂટ કરવામાં આવી છે. તેનું બેકડ્રોપ પણ ક્લાસિકલ સંગીત છે એટલે વિશાળ સમુદાયને પસંદ પડશે કે કેમ, તેની શંકા છે. તેમ છતાં કહેવું પડશે કે ડિરેક્ટર-રાઈટર અન્વિતા દત્ત મેકર તરીકે પોતાની છાપ છોડી જાય છે તો પ્રોડ્યુસર હોવાના નામે (ફિલ્મને લાભ આપવા) એક રેટ્રો ગીતમાં અનુષ્કા શર્મા પણ આવી જાય છે, પરંતુ ‘કલા’ ફિલ્મનું મુખ્ય આકર્ષણ બાબીલ (ઈરફાન) ખાન છે. તેના એક-બે સીનને બાદ કરતાં એ શેડો લાઈટમાં જ વધુ દેખાય છે, જેને કારણે ઈરફાન ખાનનું સ્મરણ વધુ તાજું થાય છે.
ટાઈટલ રોલમાં તૃપ્તિ ડીમરી છે. કલા ફિલ્મ ઓન એર થઈ ત્યારે તૃપ્તિ ડીમરીની આજ જેટલી પહેચાન નહોતી, છતાં આ ફિલ્મ સાબિત કરે છે કે તૃપ્તિ ડીમરીમાં અભિનયનો દમખમ પહેલેથી જ હતો. તેની માતાના પાત્રમાં સ્વસ્તિકા મુખરજી અને રેકોર્ડ કંપનીના માલિક કમ ડિરેક્ટર તરીકે અમિત શ્યાલના કામમાં કોઈ કચાશ નથી. નેચરલી, સંગીતપ્રધાન ફિલ્મમાં સંગીતકાર શું ઉકાળે છે એ સૌથી મહત્ત્વનું છે અને અહીં અમિત ત્રિવેદીએ ખરેખર કમાલ કરી છે.
આજથી પચાસ વરસ પહેલાંના માહૌલને જીવંત કરવો અને એ પણ પંડિત ઘરાનાના ઉસ્તાદોની ગાયકી સાથે. એ પડકાર અમિત ત્રિવેદીએ સુપેરે પાર પાડ્યો છે અને કાયમ બાયસ્ડ રહીને અમિત ત્રિવેદીને ઉતારી પાડતાં લેખકડા જેવા કલમખોરોને ‘કલા’ એક તમાચો છે. તમે ‘કલા’ ફિલ્મ જુઓ ત્યારે કલા કે બાબીલ ખાનની ગાયકી વખતે રિમોટમાં ફાસ્ટ ફોરવર્ડનું બટન દબાવ્યા વગર સાંભળજો તો એ કાનનો ઉત્સવ બની રહેશે.