Tue Jul 28 2026

Logo

મનોરંજનનું મેઘધનુષઃ રિતેશ દેશમુખ હીરો- કોમેડિયન- સંચાલક- નિર્માતા- લેખક તથા દિગ્દર્શક તરીકે સતત સફળ નીવડતો કલાકાર

2026-05-08 09:27:00
Author: Umesh Trivedi
Article Image

ઉમેશ ત્રિવેદી


રિતેશ દેશમુખ એક બહુમુખી પ્રતિભા ધરાવનારો  અદાકાર  છે.  ફિલ્મ ક્ષેત્રની અનેકવિધ કામગીરી  એણે સફળતાપૂર્વક અદા કરીને સિદ્ધિહાંસલ કરી છે. હિન્દી ફિલ્મનાં હીરો તથા સાથી કલાકાર  તરીકે શરૂઆત કરીને તેણે ખૂબ જ લાંબી મજલ કાપી છે. તેની હાલમાં જ રજૂ થયેલી ફિલ્મ ‘રાજા શિવાજી’ બે ભાષામાં રિલીઝ કરવામાં આવી છે. મરાઠી અને હિન્દીમાં. બંને ભાષાની ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજની ભૂમિકા તેણે જ ભજવી છે અને આ ઐતિહાસિક વિષય ધરાવનારી ફિલ્મ બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે.


રિતેશ દેશમુખ હિન્દી ફિલ્મોમાં તો મોટું નામ ધરાવે છે જ પણ સાથોસાથ મરાઠી ફિલ્મોમાં પણ તેનું નામ સન્માનથી લેવામાં આવે છે. મૂળમાં મરાઠી એવાં રિતેશ દેશમુખે એક દિગ્દર્શક તરીકે મરાઠી ફિલ્મ ‘વેડ’થી શરૂઆત કરી છે, જે હિન્દી અને મરાઠીમાં રજૂ થઈ હતી. હવે પછી ‘રાજા શિવાજી’ તેની દિગ્દર્શન હેઠળની બીજી ફિલ્મ છે.


‘રાજા શિવાજી’  મલ્ટિસ્ટાર ફિલ્મ છે,  જેમાં રિતેશ દેશમુખ, સંજય દત્ત, અભિષેક બચ્ચન, વિદ્યા બાલન, મહેશ માંજરેકર, જેનેલિયા ડિસોઝા, ફરદીન ખાન, ભાગ્યશ્રી, સચીન ખેડેકર, આમોલ ગુપ્તે, બોમન ઈરાની અને ખાસ ભૂમિકામાં સલમાન ખાન છે. આટલી મોટી સ્ટારકાસ્ટને સંભાળતાં દિગ્દર્શન કરવાનું અને સાથે જ અભિનય કરવાનું કામ રિતેશે સુપેરેમ પાર પાડ્યું છે.


મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિલાસરાવ દેશમુખને ત્યાં જન્મેલા રિતેશના બે ભાઈ અમિત અને ધીરજ દેશમુખ પણ વિધાનસભ્ય છે, પણ રાજકારણીઓ ઘરમાં હોવા છતાં રિતેશ  રાજકારણમાં જવાને બદલે બોલિવૂડમાં અભિનય કારકિર્દી અપનાવી. મુંબઈમાં આવેલી  ‘કમલ રાહેજા કોલેજ ઓફ આર્કિટક્ચર’માંથી  ડિગ્રી મેળવ્યા પછી તેણે થોડો સમય આર્કિટેક્ટ તરીકે કામ કર્યું હતું.


2003માં રિતેશની પહેલી ફિલ્મ આવી ‘તુઝે મેરી કસમ’. આ ફિલ્મનાં શૂટિંગ દરમિયાન રિતેશની ઓળખાણ તે સમયે દક્ષિણમાં ખૂબ જ નામના ધરાવનારી જેનેલિયા ડિસોઝા સાથે થઈ. આ ઓળખાણ પ્રેમમાં પરિણમી અને તેણે લગ્ન કરવાનો પણ વિચાર કર્યો હતો. જોકે રિતેશના પિતા વિલાસરાવ આ લગ્નથી વિરુદ્ધ હતા એટલે તેમના લગ્ન થઈ ન શક્યા. 2003થી 2012 સુધી રિતેશ અને જેનેલિયા વચ્ચે પ્રેમસંબંધ રહ્યો. આખરે ત્રીજી ફેબ્રુઆરી 2012ના પિતાની મંજૂરીથી રિતેશ અને જેનેલિયાના લગ્ન થયાં હતાં. પહેલાં મરાઠી વિધિ પ્રમાણે લગ્ન અને પછી બીજા દિવસે ખ્રિસ્તી ધર્મ પ્રમાણે તેમનાં મેરેજ થયા. અત્યારે તે બે પુત્ર રિઆન અને રાહીલનો પિતા છે.


શરૂઆતની ફિલ્મોમાં હીરો તરીકે, ત્યાર પછી કોમેડી કલાકાર તરીકે તે આગળ વધતો ગયો. જોકે, આ દરમિયાન કદાચ રિતેશ દેશમુખે એક અનોખો વિક્રમ પણ નોંધાવ્યો છે. બોલિવૂડનો તે એકમાત્ર એવો અભિનેતા છે, જેણે એક- બે નહીં, પણ પાંચ સિકવલમાં કામ કર્યું છે અને તેની મોટાભાગની સિકવલ સુપરડુપર હીટ સાબિત થઈ છે.


2004થી તેણે સિકવલમાં કામ કરવાનું શરૂ કર્યું છે અને 2025 સુધીમાં તેણે પાંચ સિકવલ કરી છે. જેમાં મસ્તી, ગ્રાં મસ્તી, ગ્રેટ મસ્તી, મસ્તી ફોર, ક્યા કૂલ હૈ હમ, ક્યા સુપરકુલ હૈ હમ અને ક્યા કુલ હૈ હમ-થ્રી, ધમાલ, ડબલ ધમાલ, ટોટલ ધમાલ, એક વિલન, એક વિલન રિટર્ન્સ, હાઉસફુલ, હાઉસફુલ-2, હાઉસફુલ-થ્રી, હાઉસફુલ ફોર અને હાઉસફુલ-ફાઈવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તે રેડ -ટુમાં અને બાગી-થ્રીમાં પણ દેખાયો છે.


હિન્દી ફિલ્મોની સાથે જ પોતાની માતૃભાષા મરાઠીમાં તેણે પોતાની કારકિર્દી આગળ વધારી છે અને તેની પત્ની જેનેલિયા ડિ’સોઝા તેને ભરપૂર સાથ આપી રહી છે. 2014માં આવેલી ‘બાલક-પાલક’ તરીકે તેણે મરાઠી ફિલ્મોમાં નિર્માતા તરીકે શરૂઆત કરી. 2014ના અંતભાગમાં તેણે મરાઠી ફિલ્મ ‘યલો’નું નિર્માણ કર્યું હતું. આ ફિલ્મ માટે તેને ‘નેશનલ ફિલ્મ સ્પેશ્યલ જ્યુરી એવોર્ડ’ મળ્યો હતો. ત્યાર પછી તેણે ‘ધ ફાસ્ટર ફેને’, ‘લય ભારી’, ‘વેડ’ અને ‘રાજા શિવાજી’ જેવી મરાઠી ફિલ્મો બનાવી છે અને તેમાં નામના જ મેળવી છે.


આ જ દરમિયાન ‘બિગ બોસ’ની મરાઠી  સિઝનનું પણ તેણે સંચાલન કર્યું છે. ‘બિગ બોસ મરાઠી’ની’ પાંચમી અને છઠ્ઠી  સિઝન સહિત તેણે 2008થી 2011 સુધી ‘આઈફા’ એવોર્ડનું પણ સંચાલન કર્યું છે. 2021માં તેણે જેનેલિયા ડિસોઝા સાથે મળીને ‘ઈમેજીન મીટ્સ’ નામની કંપની પણ સ્થાપી છે. મરાઠી ફિલ્મોના નિર્માણ સાથે જ તેણે કેટલીક મરાઠી ફિલ્મોમાં પણ અભિનય કર્યો છે. તેમાં માઉલી, લય ભારી, વેડે જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. અત્યારે મરાઠીમાં ‘છત્રપતિ શિવાજી’ અને હિન્દીમાં ‘રાજા શિવાજી’ ફિલ્મે તેને હીરો તરીકે અને દિગ્દર્શક તરીકે ખૂબ જ નામના અપાવી છે.


OTTનું હોટસ્પોટ

9 મેથી 15 મે શું જોશો?


ઓટીટી પર આ અઠવાડિયા દરમિયાન  ‘સોની લીવ’  પર નવ મેથી ‘ઈન્ડિયા’સ બેસ્ટ ડાન્સર’ ત્રીજી સિઝન શરૂ થઈ છે, જે  ‘સોની’ ટીવી પર પણ શનિ- રવિ રજૂ થશે. આ વખતે આ ડાન્સિંગ શોના જજ તરીકે કરિશ્મા કપૂર, જાવેદ જાફરી, ગીતા કપૂર અને ટેરેન્સ લુઈસ જોવા મળશે.


-તો આવો, આપણે આગામી અઠવાડિયે રજૂ થનારી સિરીઝ અને ફિલ્મો પર એક નજર નાખીએ.


નેટફિલકસ: અહીં 15 મેના પુલકિત દ્વારા દિગ્દર્શિત અને ગૌરી ખાન દ્વારા નિર્મિત ક્રાઈમ થ્રીલર ફિલ્મ ‘કર્તવ્ય’ રજૂ થશે. મુખ્ય ભૂમિકા સૈફ અલી ખાન, રાશિકા દુગ્ગલ, સંજય મિશ્રા, સૌરભ ત્રિવેદી અને મનીષ ચૌધરીની  છે. આ સિવાય ‘નેટફિલક્સ’ પર 12 મેના ‘ડેવિલ મે ક્રાય’ની બીજી સિઝન, 13 મેના ‘પરફેકટ મેચ’ની ચોથી સિઝન, 13 મેના જ ‘બિટવીન ધ ફાધર એન્ડ સન’ની ડોકયુમેન્ટ્રી, 13 મેના ‘રુસ્ટર’ બીજી સીઝન અને 14 મેના ‘સોલ મેટ’ નામનો લાઈવ એકશન કોમેડી શો જોવા મળશે.


એમેઝોન પ્રાઈમ: અહીં 13 મેના ‘ઓફ કેમ્પસ’ની પહેલી સિઝન, 13 મેના ‘ગુડ ઓમેન્સ’ની ત્રીજી સિઝન, 13મેના ‘ગુડ ઓમેન્સ’ની ત્રીજી સિઝન અને 15 મેના ડોકયુમેન્ટ્રી ‘એકશન’ જોઈ શકાશે.


જિયો હોટસ્ટાર: 12 મેના ‘ધ પત્ની શર: વન લાસ્ટ ડીલ’ નામની ક્રાઈમ થ્રીલર ફિલ્મ અને 15 મેના ‘બર્લિન એન્ડ લેડી વીથ અર્માઈન સિરીઝ શરૂ થશે.