ચેન્નાઈ: તમિલનાડુમાં નવી સરકારની રચના બાદ વિધાનસભાનું 17મું સત્ર 11 મેના રોજ યોજાશે. તેની બેઠક સચિવાલયમાં સવારે 9.30 વાગ્યે શરૂ થશે. જેમાં બધા નવા ધારાસભ્યો શપથ લેશે. જ્યારે વિધાનસભાના સ્પીકર અને ઉપાધ્યક્ષની ચૂંટણી બીજા દિવસે યોજાશે. આ દરમિયાન ઉદયનિધિ સ્ટાલિનને વિપક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. રવિવારે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે ટીવીકે નેતા એમવી કરુપ્પૈયાને તમિલનાડુ વિધાનસભાના કાર્યકારી સ્પીકર તરીકે શપથ લીધા હતા.
થલાપતિ વિજયે રાજ્યના 13મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા
આ પૂર્વે અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયે રાજ્યના 13મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તેની બાદ તેમણે ચેન્નાઈના ફોર્ટ જ્યોર્જ સ્થિત તમિલનાડુ સચિવાલયમાં સત્તાવાર રીતે કાર્યભાર સંભાળ્યો. રાજ્યપાલ આર્લેકરે જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે વિજય અને તેમના નવ કેબિનેટ મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. તેમણે ચેન્નાઈના પેરિયાર થિડાલ ખાતે થંથાઈ પેરિયાર ઈવી રામાસ્વામી સ્મારક ખાતે સમાજ સુધારક ઈવી રામાસ્વામી (પેરિયાર) ને શ્રદ્ધાંજલિ આપી. તેમણે દ્રવિડ કઝગમના પ્રમુખ કે. વીરમણિને પણ મળ્યા હતા.
વિજયે પેરામ્બુર બેઠક જાળવી રાખી
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણીમાં તમિલનાડુના રાજકારણમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. ટીવીકેએ બે મુખ્ય રાજકીય પક્ષોને પછાડીને ચૂંટણીમાં 108 બેઠકો જીતી હતી. આ ઉપરાંત વિધાનસભા સચિવાલયના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા વિજયે તિરુચિરાપલ્લી પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાંથી રાજીનામું આપ્યું છે. તેમણે પેરામ્બુર બેઠક જાળવી રાખી છે.