અરવિંદ વેકરિયા
ગત લેખમાં મેં કહ્યું હતું કે ‘ચિનગારી’ અને ‘જીવન ચોપાટ‘ જેવાં નાટકો રજૂ કર્યા બાદ મારે ‘બોલ્ડ’ નાટકો નહોતાં જ કરવા, કારણ એક ભય સતાવતો હતો કે હું આ પ્રકારનાં નાટક માટે ટાઈપ્ડ ડિરેક્ટર બનીને રહી જઈશ. મન ગડમથલમાં હતું. હટીને ‘શિકાર’ તો કર્યું પણ સરિયામ નિષ્ફળતાને વર્યું. આવા બધા વિચારોમાં અટવાતો હતો ત્યાં જાણીતા નિર્માતાના એક ફોને મને વધુ અટવાવી દીધો. મારો વિલપાવર નબળો પડ્યો. એ સમયે ‘બોલ્ડ’ નાટકો ચાલતાં હતાં અને ધીકતી કમાણી કરતાં. મારું ‘વાત મધરાત...’ તો હિટ ગયેલું સાથે ‘માણસ માત્ર...’ ધૂમ ચાલી રહ્યું હતું.
જાણે હું રંગભૂમિનો દાદા કોન્ડકે ન બની ગયો હોઉં એવું નિર્માતાઓ માનવા લાગ્યા અને એક વાત તો નક્કી છે કે જ્યાં કમાણી દેખાય, નિર્માતાઓ ગાડરિયા પ્રવાહની જેમ એ બાજુ વળે. મારે એ બાજુ જવું નહોતું કારણ પસંદગીનું આકાશ હોય, પિંજરું નહિ, પણ નિર્માતાઓના વલણને પહોંચી શકાય એમ નહોતું. આ ટાઈપનાં નાટકો માટે સેન્સરબોર્ડનાં પ્રમાણપત્ર મેળવવામાં પણ તકલીફ ખૂબ પડતી. જાતજાતનાં ‘કટ્સ’ આપી માંડ સ્ક્રીપ્ટ પાસ થતી.
જોકે ‘કટ્સ’ને ‘ફોલો’ ન કરતાં. હા, જયારે સેન્સરબોર્ડમાંથી ચેકિંગ આવવાનું હોય ત્યારે બુકિંગ ક્લાર્ક અમને ચેતવી દેતા અને બને ત્યાં સુધી પોતાની આગવી કુનેહથી બુકિંગ કાઉન્ટર પરથી જ બા-ઈજ્જત રવાના કરી દેતા. આમ પણ મને લાગે છે કે ભાષાફેરમાં એમને કેટલું સમજાતું હશે એ તો તે લોકોને જ ખબર! મારી ઇચ્છા સારા નાટકો બનાવવાની હતી, પણ ‘ઓફરો’ બધી ‘બોલ્ડ’ નાટકોની આવતી.
બાકી નાટક એ નાટક હોય છે. સાહિત્યના નવરસમાંથી કોઈ પણ રસયુક્ત નાટક બને એમાં વાંધો ન હોવો જોઈએ. મર્યાદા જળવાય અને સમાજને વાહિયાત સંદેશા ન પહોંચે. હું સંવાદોમાં થોડા દ્વિઅર્થી શબ્દોનો ઉપયોગ કરતો પણ એક હદમાં રહીને. હું ઓશોની થિયરી ફોલો કરતો. તમે કલાકારાને નવ કપડાં પહેરાવો, એક-એક કરીને ઊતરાવો પણ નવમું કપડું તો છેલ્લે પહેરેલું જ હોય, પૂર્ણ નગ્નતા નહિ.
પહેલાં આઠ કપડાં જે નીકળે એનું પ્રેક્ષકોમાં થતું ‘ટેમ્પટેશન’ એ તમારી આવા નાટકની સફળતા. મારો માયલો વિચારતો કે લોકો અને સમાજ મારે માટે શું વિચારતો હશે? ક્યાંક કથાવસ્તુ રજૂ કરવામાં માણસાઈ તો નેવે નથી મુકાતી ને એની હમેશાં ચિંતા રહેતી. માણસ પડે તો એને એકલાને ફ્રેકચર થાય પણ માણસાઈ પડે તો આખા સમાજને ફ્રેકચર થાય. આ વાત ધ્યાનમાં રાખીને હું નાટક તૈયાર કરતો. વિચાર ભલે મારો સામાજિક નાટકો બનાવવાનો હતો, પણ ‘બોલ્ડ’ નાટક હિટ જવાથી જે નિર્માતા આવતં એ આવાં નાટકો માટે જ આવતા. જો હું એ માટે ‘ના’ પાડું તો મારે ઘરખર્ચના વાંધા પડી જાય.
નવા જાણીતા નિર્માતાએ મને કહી દીધું કે દિલ્હીથી આવેલી છોકરી નામે મોનિકા પટેલને ‘માણસ માત્ર...’ની અંજલિની જેમ પ્રમોટ કરવાની છે. હજુ સારાં નાટકો બનાવવાના વિચારમાં હતો ત્યાં આ જાણીતા નિર્માતાના ફોને મને થોડો હલાવી દીધો.
લોભ એ થયો કે નિર્માતા ખુબ જાણીતા છે, ભલે નિર્માતા તરીકે બે બીજા નામો આપ્યાં પણ પીઠબળ તો એ નિર્માતાનું જ રહેવાનું અને મહેન્દ્ર બોહરા જેવી ચિંતા તો નહોતી. આવાં નાટકો બદલ મિત્રો કહેતા કે ‘તું સાવ બદલાઈ ગયો. નાટક બનાવવાનો આખો ટ્રેન્ડ બદલી નાંખવા બેઠો છે.’ હું કહેતો કે, ‘હા, હું બદલાઈ ગયો છું. લોકો અને સમય જોઇને સિસ્ટમ અપડેટ કરી છે.’ વ્હાલા મિત્રોને બીજું કહું પણ શું? કલાકારો અને સ્ક્રિપ્ટની ચિંતા તો નવા નિર્માતાને શિરે હતી. આ નાટક પહેલાં બે ‘બોલ્ડ’ વચગાળાનાં નાટકો કર્યાં: ‘રાતનાં રમકડાં’ અને નારાયણ રાજગોરને લઇ ‘ક્લિનબોલ્ડ’. (એની વાત ફરી ક્યારેક.)
સ્ક્રિપ્ટની જવાબદારી રાજેન્દ્ર શુકલે સ્વીકારી. અઠવાડિયામાં તો રિહર્સલનાં મંડાણ પણ થઈ ગયાં. હીરોઈન તરીકે મોનિકા પટેલ, જે નિર્માતાની શોધ હતી. હીરોની ત્રણ ભૂમિકા હતી. એને માટે વિચારો આપ-લે થતા રહ્યા. ઘણા કલાકારો આવા નાટકો માટે તૈયાર નહોતા થતા. મને યાદ છે કે ‘માણસ માત્ર...’ માટે મેં અનિલ ઉપાધ્યાય (હયાત નથી) ને મુખ્ય ભૂમિકા માટે બોલાવેલ પણ સ્ક્રિપ્ટ સાંભળીને મને કહે, ‘સોરી દાદુ, મારે પ્રવીણ જોશી ટાઈપનાં નાટકો કરવાં છે,આવા છીછરા નહિ.’ પછીથી એ જ અનિલે ‘જલ્દી કર કોઈ જોઈ જશે’ નામક બોલ્ડ નાટકમાં મુખ્ય ભૂમિકા ભજવેલ એ જુદી વાત છે.
અમે રિહર્સલ શરૂકરવાની વેતરણમાં હતા પણ ત્રેવડી ભૂમિકા ભજવી શકે એવા યુવાનની તાતી જરૂર હતી. ઘણા ના પાડતા તો ઘણામાં એ કાબેલિયત ન દેખાતી. આવા સમયે સલાહ આપનારાનો રાફડો ફાટી નીકળતો હોય છે. જોકે મેં મન સાથે સમાધાન કરી લીધેલું કે સલાહ હારેલાની, અનુભવ જીતેલાનો અને મગજ પોતાનું હોય તો ઘણું ખરુંં માણસને હારવા નથી દેતું.
જાતજાતનાં ઓડિશન કર્યાં. કદાચ મારી કારકિર્દી માટે આવાં ઓડિશન મારો પહેલો અનુભવ હતો. ત્યાં સુધી મોનિકા પટેલ પાસે અને બીજા જુનિયર કલાકારો સાથે ‘રીડિંગ પ્રોસેસ’ શરૂ કરી દીધી. એક વાત સારી હતી કે ‘માણસ માત્ર...’માં અંજલિ પાસે કોઈ અનુભવ નહોતો. માત્ર દેખાવને આધારે જાણીતા ફોટોગ્રાફર ઉમેશ મહેતાએ સજેસ્ટ કરી અને મારા સ્વભાવ પ્રમાણે મેં ચેલેન્જ સ્વીકારી એને તૈયાર કરી.
બીજી તરફ, મોનિકાના કેસમાં એણે દિલ્હીમાં હિન્દી નાટકો કરેલાં એટલે સ્ટેજસેન્સ હતી. તકલીફ એક જ હતી કે એના ઉચ્ચારણમાં હિન્દીભાષી ટોન પડઘાયા કરતો. મને થયું જ્યાં સુધી ‘હીરો’ ન મળે ત્યાં સુધી મોનિકાની ભાષાને લયમાં લાવવા સમયનો ઉપયોગ કરી લઉં. હીરો માટે થતું કે જે થાય એ જોયું જશે પણ પછી જે થાય એ જોવાતું નથી. ...પણ જોવા જેવું થયુ...
એક પતિએ પત્નીને કહ્યું, ‘આજે મૉલમાં મેં તારા જેવી જ એક છોકરી જોઈ.’
પત્ની: ‘ગમી?’
‘હા ’કહે તો પણ મર્યો અને ‘ના’ કહે તો પણ મર્યો.