Sat Sep 12 2026

Logo

સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકાર રૂ.75નો વિશેષ સિક્કો બહાર પાડશે

2026-05-10 21:47:00
Author: Devayat Khatana
સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થતા કેન્દ્ર સરકાર રૂ.75નો વિશેષ સિક્કો બહાર પાડશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ  ભારત સરકારના નાણાં મંત્રાલય દ્વારા સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર સાથે જોડાયેલા બે ઐતિહાસિક સીમાચિહ્નોની સ્મૃતિમાં રૂ. 75નો વિશેષ સ્મારક સિક્કો બહાર પાડવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સિક્કો સોમનાથ મંદિર પર થયેલા પ્રથમ આક્રમણના 1,000 વર્ષ અને મંદિરના આધુનિક પુનઃનિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે જારી કરવામાં આવશે. નાણાં મંત્રાલયે 8 મે, 2026 ના રોજ અસાધારણ ગેઝેટ દ્વારા આ અંગેની સત્તાવાર સૂચના બહાર પાડી હતી.

આ વિશેષ સિક્કાની વિશેષતાઓ પર નજર કરીએ તો, રૂ.75 નો આ સિક્કો ગોળાકાર હશે અને તેનો વ્યાસ 44 મિલીમીટર રાખવામાં આવ્યો છે. આ સિક્કો 99.9 ટકા શુદ્ધ ચાંદીમાંથી બનાવવામાં આવશે અને તેનું વજન 40 ગ્રામ નિર્ધારિત કરવામાં આવ્યું છે. સિક્કાની ડિઝાઇનમાં ખૂબ જ કાળજી રાખવામાં આવી છે; તેની આગળની બાજુએ મધ્યમાં અશોક સ્તંભની આકૃતિ અને નીચે 'સત્યમેવ જયતે' લખેલું હશે.  સિક્કાની પાછળની બાજુએ સોમનાથ મંદિરની ભવ્ય આકૃતિ હશે. સિક્કાના ઉપરના ભાગમાં હિન્દીમાં ભારતની અતુટ આસ્થા અને આધ્યાત્મિકતાના 1000 વર્ષની ઉજવણી દર્શાવતું લખાણ હશે, જ્યારે નીચેના ભાગમાં અંગ્રેજીમાં લખાણ હશે. દેવનાગરી લિપિમાં 'સોમનાથ મંદિર, ગુજરાત' અને વર્ષ '2026' પણ આલેખવામાં આવશે.