Wed Jun 10 2026

Logo

ચિમનાબાઈ ન્યાય મંદિર: વડોદરાની કલાનો અદ્વિતીય વારસો

2026-06-10 09:00:42
Author: ભાટી એન.
Article Image

તસવીરની આરપાર - ભાટી એન.

વડોદરા શહેરને સંસ્કારનગરી, કલાનગરી અને હેરિટેજ સિટીની ઓળખ અપાવનાર ગાયકવાડ શાસકોની કલા પ્રત્યેની અભિરુચિ આજે પણ શહેરનાં ભવ્ય સ્થાપત્યોમાં જીવંત છે. ગલી-ગલીમાં નજરે પડતી ઐતિહાસિક ઇમારતો વડોદરાના ગૌરવશાળી ભૂતકાળની સાક્ષી છે. આ સ્થાપત્યોમાં સુરસાગર તળાવ નજીક આવેલું ચિમનાબાઈ ન્યાય મંદિર તેની ભવ્યતા, કલાત્મકતા અને ઐતિહાસિક મહત્ત્વ માટે વિશિષ્ટ સ્થાન ધરાવે છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની દૂરંદેશી અને કલાપ્રેમના પરિણામે આ ભવ્ય ઇમારતનું નિર્માણ થયું હતું. પ્રખ્યાત સ્થાપત્યકાર રોબર્ટ ચિશોલ્મને શરૂઆતમાં શહેરના મધ્યભાગમાં વિશાળ શાક માર્કેટના નિર્માણ માટે જવાબદારી સોંપવામાં આવી હતી. જોકે બાંધકામ પૂર્ણ થયા બાદ તેને નગરગૃહ અને ત્યારબાદ કોર્ટ તરીકે ઉપયોગમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો. 30 નવેમ્બર, 1896ના રોજ તત્કાલીન વાઇસરોય લોર્ડ એલ્ગિનના હસ્તે આ ઇમારતનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

લગભગ ચાર એકર વિસ્તારમાં ફેલાયેલું આ ન્યાયમંદિર તે સમયની સ્થાપત્ય કળાનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે. તેના નિર્માણ પાછળ અંદાજે સાત લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જે તે સમયગાળા માટે અત્યંત મોટી રકમ માનવામાં આવતી હતી. આ ઇમારત મુરિશ (Moorish) શૈલીના સ્થાપત્યનો સુંદર નમૂનો છે. ન્યાયમંદિરની મધ્યમાં આવેલો વિશાળ હોલ તેની ભવ્યતાને વધુ ઉજાગર કરે છે, જ્યાં મહારાણી ચિમનાબાઈની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. ઇમારતના આગળના ભાગમાં લગાવવામાં આવેલા ઇટાલિયન આરસપહાણના પથ્થરો, નાજુક કોતરણી, આકર્ષક ઝરૂખાઓ અને વૈભવી ડિઝાઇન આજેય મુલાકાતીઓને મંત્રમુગ્ધ કરી દે છે. વડોદરા રાજ્યના અંતિમ શાસક મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડે પોતાનું અંતિમ જાહેર વક્તવ્ય પણ આ ઇમારતના ઝરૂખામાંથી આપ્યું હતું. તેમના આ ઐતિહાસિક સંબોધન સાથે મહારાણી ચિમનાબાઈ ન્યાય મંદિરના પાયાની શરૂઆત થઈ હતી, જે આ ઇમારતના ઐતિહાસિક મહત્ત્વને વધુ ગાઢ બનાવે છે.

સમયની સાથે ન્યાયાલયની કામગીરી અન્યત્ર ખસેડાતા આ ઐતિહાસિક ઇમારતના ભવિષ્ય અંગે અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. સંસ્કારનગરીના જાગૃત અને પ્રબુદ્ધ નાગરિકો લાંબા સમયથી આ ઇમારતને સિટી હેરિટેજ મ્યુઝિયમ તરીકે વિકસાવવાની માગ કરી રહ્યા છે. સાથે જ લાલકોર્ટ બિલ્ડિંગમાં આર્ટ ગેલેરી શરૂ કરવાની પણ માગ ઊઠી છે. જો આ માગ સાકાર થાય તો વડોદરાના સમૃદ્ધ ઇતિહાસ, સંસ્કૃતિ અને કલાત્મક વારસાને નવી પેઢી સુધી પહોંચાડવાનું એક ઉત્તમ માધ્યમ પ્રાપ્ત થશે, ચિમનાબાઈ ન્યાય મંદિર માત્ર એક ઇમારત નથી, પરંતુ વડોદરાની ગૌરવશાળી પરંપરા, કલાપ્રેમી ગાયકવાડ શાસકોની દૃષ્ટિ અને શહેરના સાંસ્કૃતિક વૈભવનું જીવંત પ્રતીક છે. તેની ભવ્યતા અને ઐતિહાસિકતા આજે પણ દરેક મુલાકાતીને ભૂતકાળના સુવર્ણ યુગની યાદ અપાવે છે.