Fri Apr 17 2026

Logo

સુભાષચંદ્ર બોસના પ્રપૌત્ર ચંદ્રકુમાર બોસે ભાજપ છોડી તૃણમૂલ કોંગ્રેસનો ખેસ પહેર્યો

2026-04-12 19:07:15
Author: Mumbai Samachar Team
Article Image

કૉલકાતાઃ પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીમાં દરેક દિવસે સમીકરણ બદલી રહ્યા છે. દેશની આઝાદીમાં જેમની ભૂમિકા સૌથી મોટી રહી હતી એવા નેતાજી સુભાષચંદ્ર બોઝના વંશજે એક મોટું પગલું ભર્યું છે. નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રપૌત્ર ચંદ્ર કુમાર બોસે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીનો ખેસ પહેરી લીધો છે.ચંદ્ર કુમાર બોસ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં રહી ચૂક્યા છે. ચૂંટણી નજીક આવતા જ તેમણે પક્ષપલટો કર્યો છે.

તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા
ભાજપ છોડીને તેઓ હવે તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે. એમના આ પગલાંથી બંગાળના રાજકારણમાં રાતોરાત ગરમાવો આવી ગયો છે. અનેક પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે. ચંદ્ર કુમાર બોસથી હવે તૃણમૂલ કોંગ્રેસને ફાયદો થાય છે કે નકસાન એ પરિણામમાંથી ખબર પડશે. તૃણમૂલ કોંગ્રેસે પોસ્ટ કરતા લખ્યું હતું કે, આજે બ્રાત્યા બસુ અને કીર્તિ આઝાદની ઉપસ્થિતિમાં જાણીતા સામાજિક-રાજકીય કાર્યકર્તા તથા નેતાજી સુભાષચંદ્ર બોસના પ્રપૌત્ર ચંદ્ર કુમાર બોસ તૃણમૂલ કોંગ્રેસના પરિવારમાં સામેલ થયા છે. અમે એમનું સ્વાગત કરીએ છીએ. 

મિશનને વધારે સમૃદ્ધ બનાવશે
એમને વ્યાપક અનુભવ બંગાળના નાગરિકોની સેવા કરવા માટે અમારા મિશનને વધારે સમૃદ્ધ બનાવશે.ચંદ્રકુમાર બોઝે કહ્યું કે, ભાજપ બંધારણનો વિરોધ કરે છે, કારણ કે તેનો એકમાત્ર એજન્ડા 'ભાગલા પાડો અને રાજ કરો'છે. વોટબેંકના રાજકારણ માટે નાગરિકોને વિભાજીત કરવાનો હેતુ રહ્યો છે. આ એક એવી નીતિ છે જેનો મારા દાદા, શરતચંદ્ર બોઝ અને તેમના નાના ભાઈ,નેતાજી સુભાષચંદ્ર બોઝ સખત વિરોધ કરતા હતા. ભાજપની વિચારધારાને સ્વીકારી શકતો નથી. એટલે મેં પાર્ટી છોડવાનો નિર્ણય લીધો.

 

મમતાની જીત પર વિશ્વાસ વ્યક્ત કર્યો
અન્ય રાજકીય સંગઠનમાં જોડાયો નહીં. મેં જોયું કે ટીએમસી એક સમાવેશી અને ધર્મનિરપેક્ષ વિચારધારા સાથે ખૂબ નજીકથી જોડાયેલી છે. હાલમાં બંગાળમાં રાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે. ટીએમસી વિજયી બનશે તે નિશ્ચિત છે. ટીએમસી પર ઘણી મોટી જવાબદારી છે - રાષ્ટ્રને એક કરવાની. બધા સમાન વિચારધારા ધરાવતા પક્ષોએ 'ભારતીય' હોવાની વિભાવનાને સમર્થન આપવા માટે એક થવું જોઈએ. હું કોઈ જ્યોતિષી નથી, પરંતુ મમતા બેનર્જી નિઃશંકપણે વિજયી બનશે.

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીઓ બે તબક્કામાં યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન 23 એપ્રિલે થશે, જ્યારે બીજા તબક્કાનું મતદાન 29 એપ્રિલે થશે. ચૂંટણી પરિણામો 4 મેના રોજ જાહેર થવાના છે. નોંધનીય છે કે પશ્ચિમ બંગાળમાં 294 બેઠકો માટે ચૂંટણી લડાઈ રહી છે. અહીં પ્રાથમિક ચૂંટણી જંગ તૃણમૂલ કોંગ્રેસ, ભાજપ, સીપીઆઈ(એમ) અને કોંગ્રેસ વચ્ચે થવાની ધારણા છે.