ચંદીગઢઃ ચંદીગઢમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પાસે થયેલા હુમલાના પાંચ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે. આ કેસમાં પાંચ આરોપીઓની હવે પૂછપરછ કરવામાં આવશે. પંજાબ પોલીસ અને ચંદીગઢ પોલીસે કરેલા એક સંયુક્ત ઑપરેશનમાં આ પાંચેય આરોપીઓ પકડાયા છે. આ એક પૂર્વ આયોજિત કાવતરૂ હતું. આરોપીઓમાં બલવિંદર લાલ ઉર્ફે શમ્મી, જસબીરસિંહ ઉર્ફે જસ્સી, ચરણજીતસિંહ ઉર્ફે ચન્ની, રૂબલ ચૌહાણ અને મનજીત ઉર્ફે અભિજીત શર્માનો સમાવેશ થાય છે.
ગ્રેનેડ અને કારતુસ મળી આવ્યા
પંજાબના ડીજીપી ગૌરવ યાદવે જાણકારી આપતા કહ્યું હતું કે, એક ગ્રેનેડ અને કેટલીક કારતુસ આરોપી પાસેથી જપ્ત કરવામાં આવી છે. હુમલો કરનારા બે વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે. આ તમામની પૂછપરછ કરવામાં આવશે.એના કેટલાક ઠેકાણા ઉપર પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. પોર્ટુગલ અને જર્મનીમાં બેઠેલા વિદેશી હેન્ડલર્સના સંપર્કમાં આ લોકો હતા. જેના ઈશારે આ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલા માટે કેટલાક મોડ્યુલ અને સબ મોડ્યુલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચંદીગઢના 37 સેક્ટરમાં ભાજપ કાર્યાલય આવેલું છે. સ્પેશ્યલ ઑપરેશન સેલના અધિકારી દીપક પારેખે કહ્યું હતું કે, તપાસમાંથી સામે આવ્યું છે કે,આરોપીઓએ હથિયારની ખેપ મારી હતી.
સુરક્ષા વધારવા માટેની અપીલ
આ ઘટના સામે આવતા પોલીસે યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરી દીધી હતી. રાજકીય પાર્ટીઓના કાર્યાલયની સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય પર હુમલો થયો એની જવાબદારી ખાલિસ્તાન આતંકી ગ્રૂપે લીધી હતી. સુખજિંદરસિંહ બબ્બર નામના વ્યક્તિએ આ ઘટનાનું સમર્થન કર્યુ હતું. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સ નેટવર્કના આધારે પોલીસે આ પાંચેયને પકડી પાડ્યા હતા. પંજાબના ભારતીય જનતા પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ અશ્વિની શર્માએ સુરક્ષા વધારવા માટે અપીલ કરી હતી. સમગ્ર ઘટનામાં પાકિસ્તાનના ISI સાથે ક્નેક્શન હોવાના કેટલાક પુરાવાઓ મળ્યા હતા.