Mon Jun 01 2026

Logo

બાંદ્રા પછી, હવે દાદરનો વારોઃ CSMT-કુર્લા પાંચમી-છઠ્ઠી લાઇનનું કામ સુપરફાસ્ટ થશે!

2026-06-01 19:29:19
Author: mumbai samachar team
Article Image

AI Generated Images


મુંબઈઃ મધ્ય રેલવેમાં કુર્લા-સીએસએમટી રૂટ પર બહુપ્રતિક્ષિત 5મી અને 6ઠ્ઠી રેલવે લાઇન પ્રોજેક્ટને વેગ આપવા તરફ રેલવેએ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. મધ્ય રેલવેએ દાદર (પૂર્વ) ખાતે રેલવેની માલિકીની જમીન પરના 27 કાયમી અતિક્રમણો દૂર કર્યા છે. આ કાર્યવાહીથી છેલ્લા ઘણા દિવસોથી પેન્ડિંગ રહેલા કામકાજના આગામી તબક્કાને ઝડપથી પૂર્ણ કરવાનો માર્ગ મોકળો થયો છે.

આ કામગીરી દરમિયાન રેલવે વહીવટીતંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આરપીએફ પોલીસ, જીઆરપી પોલીસ અને મુંબઈ પોલીસની ટુકડી તૈનાત કરવામાં આવી હતી. સંયુક્ત રીતે સંપૂર્ણ અતિક્રમણ વિરોધી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. 

રેલવે અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ઘણા વર્ષોથી રેલવેની જમીન પર આ બાંધકામો વધારાની રેલવે લાઇનના નિર્માણ માટે જરૂરી જમીનની ઉપલબ્ધતામાં અવરોધો ઉભા કરી રહ્યા હતા. આ ઝુંબેશ શાંતિપૂર્ણ અને વ્યવસ્થિત રીતે યોજાય તે માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.

મધ્ય રેલવેમાં CSMT-કુર્લા પાંચમી અને છઠ્ઠી રેલવે લાઇન પ્રોજેક્ટ મુંબઈના ઉપનગરીય રેલ્વે નેટવર્કને મજબૂત બનાવવાના ઉદ્દેશ્યથી હાથ ધરવામાં આવી રહ્યો છે. આ વધારાની લાઈન ઉપનગરીય લોકલ અને લાંબા અંતરની એક્સપ્રેસ ટ્રેનો માટે અલગ ટ્રેક પૂરા પાડશે, જેનાથી મુસાફરી વધુ ઝડપી બનશે. 

મુસાફરોની ભીડ અને મોડી દોડતી લોકલ ટ્રેનોની સંખ્યામાં ઘટાડો થશે. લાંબા અંતરની અને ઉપનગરીય ટ્રેનોની અવરજવરને સુવ્યવસ્થિત કરવામાં અને સંચાલનમાં અવરોધો ઘટાડવામાં પણ મદદ કરશે.

રેલવેની યોજના અનુસાર પ્રોજેક્ટના સમગ્ર ભાગમાં તબક્કાવાર જમીન સંપાદન અને મંજૂરીનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. કામ સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે જ્યાં જરૂર પડશે ત્યાં સમાન ઝુંબેશ ચાલુ રહેશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.