Tue May 26 2026

Logo

CBSE બોર્ડ પેપર ચેકિંગ છબરડોઃ ફિઝિક્સ પેપરમાંથી 8 પાનાની સપ્લિમેન્ટ ગાયબ થયાનો વિદ્યાર્થીનો દાવો

2026-05-26 18:47:36
Author: Mumbai Samachar Team
Article Image

વિદ્યાર્થીએ સોશિયલ મીડિયા પર વ્યક્ત કરી નારાજગી, સાચા જવાબો હોવા છતાં ઓછા માર્ક્સ મળ્યાનો આરોપ

નવી દિલ્હીઃ CBSE બોર્ડની પરીક્ષાના પરિણામ બાદ હેન્ડરાઈટિંગ અને કોપીને લઈને કેટલાક શંકાસ્પદ કેસ પર સતત સવાલ ઊઠી રહ્યા છે. એક વિદ્યાર્થીએ હવે બોર્ડ પર આરોપ લગાવતા કહ્યું હતું કે એમની 8 પાનાની આખી સપ્લિમેન્ટ ગાયબ થઈ ગઈ છે. હર્ષ ચૌરસિયા નામના એક વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો હતો કે કોપીની બાહર લખ્યું છે કે, એક સપ્લિમેન્ટ મેં લીધી હતી, પણ નીચે પણ 32 પાનાની મેઈન કોપી ચેક થઈ છે પણ 8 પાનાની ફિઝિક્સની આખી સપ્લિમેન્ટ ગાયબ છે. 

માર્ક વ્યવસ્થિત ગણાતા નથી

CBSE બોર્ડના 12 ધોરણના વિદ્યાર્થી હર્ષ ચૌરસિયાને ફિઝિક્સમાં 73 માર્ક મળ્યા છે, વિદ્યાર્થીનું એવું કહેવું છે કે, એમને 83 માર્ક મળવા જોઈએ.હર્ષે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ લખીને પોતાની વાત કહી છે. આ પોસ્ટ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હર્ષનું એવું કહેવું છે કે, બે સવાલના જવાબ સપ્લિમેન્ટમાં લખવામાં આવ્યા હતા પણ આ કોપી ગાયબ છે. આ કોપી જો ચેક થશે તો એના માર્ક પણ મળી શકે એમ હતા. આ સિવાય સ્ટેપ બાય સ્ટેપ માર્ક ગણવામાં આવ્યા નથી. હર્ષ ચૌરસીયાએ JEE મેઈન્સની પરીક્ષા પણ આપી છે. જેમાં 88 ટકા પ્રાપ્ત થયા છે. JEE એડવાન્સ પણ આપી છે, જેનું પરિણામ આવવાનું બાકી છે. 

અધિકારીના આંખ આડા કાન

હર્ષનું એવું કહેવું છે કે, જે માર્ક આપવામાં આવ્યા છે એના કરતા વધારે માર્ક આવવાની ગણતરી મારી હતી.કોપીની તપાસ થાય એ વાત અલગ છે.બે મહત્ત્વના સવાલના જવાબ આ સપ્લિમેન્ટમાં લખવામાં આવ્યા હતા. જો આન્સરશીટને ફરીથી તપાસવામાં આવે તો માર્ક વધી જાય. કારણ કે, આ જ આન્સરશીટમાં 7થી 8 માર્ક સરળતાથી મળી જાય એમ હતા.આન્સશીટ તપાસનાર શિક્ષકોએ પોતાનું કામ વ્યવસ્થિત રીતે કર્યું નથી. એટલું જ નહીં, મુખ્ય આન્સરશીટ સાથે જે સપ્લિમેન્ટ હોય છે એ પણ ગાયબ છે. 
20 મેના પેપર ફરીથી જોવા માટેની ફી જમા કરાવી હતી પણ પાંચ દિવસ બાદ આન્સશીટ જોવા મળી હતી. આ શીટ જોયા બાદ એમાં ઘણા સવાલના જવાબ સાચા હોવા છતા અપેક્ષા કરતા માર્ક ઓછા આપવામાં આવ્યા હતા. આના પર જ્યારે સવાલ ઊઠાવ્યા ત્યારે એમના કોઈ રીતે જવાબ આપવામાં આવ્યા ન હતા. સપ્લિમેન્ટ ગાયબ છે એવું પણ કહ્યું છતા અધિકારીઓએ આંખ આડા કાન કરી દીધા હતા. 

એજ્યુકેશન બોર્ડનો છબરડો

માત્ર રાજ્ય આધારિત એજ્યુકેશન બોર્ડમાં છબરડા થાય છે એવું નથી,કેન્દ્રીય શિક્ષણ વિભાગની પરીક્ષા પેપર ચેકિંગમાં પણ છબરડા થઈ રહ્યા છે. આ પહેલા નીટની પરીક્ષાનું પેપર લીક થતા પેપર સુરક્ષઆ સામે સવાલ ઊઠ્યા છે. આ પરથી એવું કહી શકાય છે સમયાંતરે એજ્યુકેશન વિભાગમાં થતી લાલિયાવાડીથી અંતે ભોગવવાનો વારો વિદ્યાર્થીઓનો જ આવે છે. આ કેસમાં પણ વિદ્યાર્થીને કોઈ રીતે યોગ્ય જવાબ મળ્યા નથી.