Wed Aug 26 2026

Logo

પેટાચૂંટણી પરિણામ 2026: પાંચ રાજ્યોની 7 બેઠકો પર કોણ જીતશે? બારામતી પર છે સૌની નજર

2026-05-04 08:39:00
Author: Vimal Prajapati
પેટાચૂંટણી પરિણામ 2026: પાંચ રાજ્યોની 7 બેઠકો પર કોણ જીતશે? બારામતી પર છે સૌની નજર

નવી દિલ્હીઃ દેશના પાંચ રાજ્યોની 7 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે જાહેર થવા જઈ રહ્યા છે. આ ચૂંટણીઓ મુખ્યત્વે વર્તમાન ધારાસભ્યોના નિધનને કારણે યોજાઈ હતી. આ પેટાચૂંટણીમાં સૌથી ચર્ચિત નામ મહારાષ્ટ્રના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું છે, જેમનું આ વર્ષે જાન્યુઆરીમાં વિમાન દુર્ઘટનામાં નિધન થયું હતું. ચાલો વિગતે આ અહેવાલમાં જોઈએ...

મહારાષ્ટ્રની બારામતી બેઠક પર સૌની નજર રહેશે

મહારાષ્ટ્રમાં બે બેઠકો પર મતદાન થયું હતું, પરંતુ આખા દેશની નજર 'બારામતી' પર ટકેલી છે. પવાર પરિવારના આ ગઢમાં અજિત પવારના નિધન બાદ તેમની પત્ની અને વર્તમાન નાયબ મુખ્ય પ્રધાન સુનેત્રા પવાર NCPના ઉમેદવાર તરીકે મેદાનમાં છે. રસપ્રદ વાત એ છે કે સુનેત્રા પવાર અહીં એકમાત્ર પ્રમુખ પક્ષના ઉમેદવાર છે, જ્યારે તેમની સામે 22 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીના મેદાને છે. 

રાહુરી વિધાનસભા બેઠખની વાત કરવામાં આવે તો, ભાજપના ધારાસભ્ય શિવાજી કરદિલેના નિધન બાદ અહીં તેમના પુત્ર અક્ષય કરદિલે અને શરદ પવાર જૂથના ગોવિંદ મોકાટે વચ્ચે સીધો મુકાબલો છે. આ બંને બેઠકો પર કોનો વિજય થશે તેના પર સૌની નજર રહેવાની છે, પરંતુ દેશમાં ખાસ કરીને બારામતી વિધાનસભા બેઠક ચર્ચાનું કેન્દ્ર બનેલી છે. 

કર્ણાટકમાં કોંગ્રેસના બે દિગ્ગજોની બેઠકો પર જંગ

કર્ણાટકમાં એચ.વાય. મેટી (બાગલકોટ) અને શમનુર શિવશંકરપ્પા (દાવણગેરે દક્ષિણ) ના નિધન બાદ પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં બાગલકોટ વિધાનસભા બેઠક પર ભાજપના વીરભદ્રૈયા ચરંતિમઠ અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે કાંટાની ટક્કર છે. આ સાથે દાવણગેરે દક્ષિણ વિધાનસભા બેઠક પર ભાજપે શ્રીનિવાસ ટી. દાસકરિયપ્પા પર દાવ લગાવ્યો છે. જ્યારે કોંગ્રેસે સમર્થ મલ્લિકાર્જુન પર વિશ્વાસ મૂકીને તેમને ટિકિટ આપી હતી. હવે બંને બેઠકો પર જીત કોની થશે તે આજ સાંજ સુધીમાં જાહેર થઈ જશે. 

ગુજરાતની ઉમરેઠ બેઠકનું શું થશે?

આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠક પર ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારના નિધન બાદ ચૂંટણી યોજાઈ હતી. ભાજપે તેમના પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપી છે, જેની સામે કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ મેદાનમાં છે. પ્રશ્ન એ છે કે, આ બેઠક પર સહાનુભૂતિનું મોજું ભાજપને જીત અપાવશે કે પછી હારનો સ્વાદ ચાખવો પડશે? સામે કોંગ્રેસ માટે પણ આવો જ પ્રશ્ન થઈ રહ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસ કરતા ‘આપ’ વધારે આગળ વધી રહ્યું છે. 

નાગાલેન્ડ અને ત્રિપુરાની સ્થિતિ કેવી છે?

વધારે વિગતે વાત કરવામાં આવે તો, નાગાલેન્ડની કોરિડાંગ વિધાનસભા બેઠક પર ભાજપના ઈમકોંગ એલ. ઈમચેનના નિધન બાદ પેટાચૂંટણી યોજાઈ હતી. ભાજપના ઉમેદવાર દાઓચિયર આઈ. ઈમચેન અહીં મજબૂત માનવામાં આવે છે. વિપક્ષની વાત કરવામાં આવે તો, કોંગ્રેસમાંથી ટી. ચાલુકુમ્બા આઓ અને એનપીપીમાંથી આઈ. અબેનજાંગ ચૂંટણી મેદાનમાં છે. આ સાથે ત્રિપુરાની ધર્મનગર બેઠકની વાત કરવામાં આવે તો,  સ્પીકર બિસ્વા બંધુ સેનના નિધન બાદ અહીં ભાજપ, કોંગ્રેસ અને ડાબેરી પક્ષો વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.