Sat Aug 29 2026

Logo

મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યની 8 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી જાહેર, બારામતીમાં ક્યારે થશે મતદાન?

2026-03-15 19:36:44
Author: Vimal Prajapati
મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યની 8 વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી જાહેર, બારામતીમાં ક્યારે થશે મતદાન?

નવી દિલ્હીઃ ચૂંટણી પંચ દ્વારા આજે ચાર રાજ્ય અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ માટે ચૂંટણીની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આ દરેક રાજ્યમાં એપ્રિલ મહિનામાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. એની સાથે ગુજરાત-મહારાષ્ટ્ર સહિતના છ રાજ્યની આઠ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. 

બારામતીની સીટ પરથી કોણ લડશે ઈલેક્શન?

મહારાષ્ટ્રમાં મહત્ત્વની બેઠકની વાત કરીએ તો પ્લેન ક્રેશમાં પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારનું નિધન થયું હતું. અજિત પવારના નિધનને કારણે બારામતીની બેઠક ખાલી થઈ હતી, જ્યાં 23 એપ્રિલના મતદાન યોજવામાં આવશે. અજિત પવારના નિધન પછી તેમના પત્ની સુનેત્રા પવાર રાજ્યનાં નાયબ મુખ્ય પ્રધાન બનાવ્યા છે, પરંતુ હવે આ બેઠક પરથી સુનેત્રા પવાર ચૂંટણી લડી શકે છે. એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)નાં વિધાનસભા પક્ષના પ્રમુખ પણ છે, તેથી આ ચૂંટણી પણ જીતવાનું તેમના માટે મુશ્કેલ રહેશે નહીં, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

8 વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણીની તારીખ જાહેર

ચૂંટણી પંચ દ્વારા દેશના છ રાજ્યોની આઠ વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. 9 એપ્રિલ અને 23 એપ્રિલે આ પેટાચૂંટણી માટે મતદાન યોજાશે તેવી જાહેરાત કરવામાં આવી છે. વિગતે જોઈએ તો ગુજરાતની બે વિધાનસભા બેઠકો, મહારાષ્ટ્ર, ગોવા, નાગાલેંડ અને ત્રિપુરમાં એક વિધાનસભા બેઠક માટે ચૂંટણી યોજાશે. આ સાથે કર્ણાટકની બે બેઠકો માટે પેટાચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. આ બધી બેઠકો વર્તમાન ધારાસભ્યોના નિધનને કારણે ખાલી થઈ હોવાના કારણે પેટાચૂંટણી યોજવામાં આવી રહી છે.

વિગતે વાત કરવામાં આવે તો, ચૂંટણી પંચે જણાવ્યું કે, આ ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પહેલા તબક્કામાં ગોવા, કર્ણાટક, નાગાલેન્ડ અને ત્રિપુરામાં 9 એપ્રિલે મતદાન યોજાશે. જ્યારે બીજા તબક્કામાં મહારાષ્ટ્રની બે બેઠકો અને ગુજરાતની એક બેઠક માટે 23 એપ્રિલે મતદાન થશે તેવું ચૂંટણી પંચે જણાવ્યું છે. 

પહેલા તબક્કાના મતદાનની વિગતો

ગોવા, કર્ણાટક, નાગાલેન્ડ અને ત્રિપુરાની પાંચ બેઠકો માટે 9 એપ્રિલે મતદાન થવાનું છે. આ બેઠકો માટેનું જાહેરનામું ચૂંટણીની જાહેરાત સાથે જ બહાર પાડવામાં આવ્યું છે. આ ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 માર્ચ છે. ત્યાર બાદ 24 માર્ચે ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે. 26 માર્ચે નામાંકન પાછું ખેંચવાનો છેલ્લો દિવસ છે અને ચૂંટણીનું પરિણામ 4 મેના રોજ જાહેર કરવામાં આવશે.

બીજા તબક્કામાં ક્યા મતદાન યોજાશે? 

ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બીજા ચરણમાં મતદાન યોજાશે. આ બેઠકો માટે 30 માર્ચે ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. 6 એપ્રિલે ઉમેદવારીપત્રો ભરવાનો છેલ્લો દિવસ રહેશે. 7 એપ્રિલે ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે અને 9 એપ્રિલ સુધીમાં ઉમેદવારોને ફોર્મ પાછા ખેંચી શકશે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 23 એપ્રિલે મતદાન થશે અને 4 મેના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે.