Thu Aug 20 2026

Logo

Bullet Train Design Secret: શું બુલેટ ટ્રેનની ડિઝાઈન 'કિંગફિશર' પક્ષીમાંથી પ્રેરિત છે? જાણો તેની પાછળનું વિજ્ઞાન અને રસપ્રદ વાસ્તવિકતા...

2026-08-08 17:59:49
Author: Darshana Visaria
Article Image

વિશ્વની સૌથી ઝડપી ટ્રેનોમાં ગણાતી બુલેટ ટ્રેનની ઝડપ અને તેની ખાસ બનાવટ હંમેશાં લોકો માટે આશ્ચર્યનો વિષય રહી છે. પરંતુ શું તમે જાણો છો કે બુલેટ ટ્રેનની અનોખી અને આગળથી અણીદાર ડિઝાઈન પાછળ એક પક્ષીનું મોટું યોગદાન છે? સોશિયલ મીડિયા અને એન્જિનિયરિંગની દુનિયામાં વારંવાર દાવો કરવામાં આવે છે કે બુલેટ ટ્રેનની ડિઝાઈન કિંગફિશર નામના પક્ષીથી પ્રેરિત છે. આવો જાણીએ આ દાવા પાછળનુ સત્ય અને તેની પાછળનું વિજ્ઞાન...

શું છે સત્ય?:

આ દાવો સંપૂર્ણપણે સાચો છે. જાપાનની પ્રખ્યાત 'શિંકાનસેન' બુલેટ ટ્રેનના 500 સિરીઝના મોડેલને રિ-ડિઝાઈન કરતી વખતે એન્જિનિયરોએ કિંગફિશર પક્ષીની ચાંચની બનાવટનો ઊંડો અભ્યાસ કર્યો હતો. તેમાંથી પ્રેરણા લઈને જ બુલેટ ટ્રેનનો આગળનો ભાગ અણીદાર બનાવવામાં આવ્યો હતો.

કેમ લેવી પડી પક્ષીની મદદ?:

શરૂઆતમાં જ્યારે જાપાનમાં બુલેટ ટ્રેન 300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટનલમાંથી પસાર થતી હતી, ત્યારે હવાનું ભારે દબાણ સર્જાતું હતું. જ્યારે ટ્રેન ટનલમાંથી બહાર નીકળતી ત્યારે હવાનો જોરદાર ધડાકો થતો હતો. આ અવાજ એટલો તીવ્ર હતો કે આસપાસના વિસ્તારોમાં મોટો અવાજ અને ધ્રુજારી થતી હતી, જે પર્યાવરણ અને લોકો માટે મુશ્કેલીરૂપ હતી.

'કિંગફિશર' થી કેવી રીતે મળ્યો ઉકેલ?:

જાપાની એન્જિનિયર અને બર્ડ-વોચર એઇજી નાકાત્સુ (Eiji Nakatsu)એ નિરીક્ષણ કર્યું કે કિંગફિશર પક્ષી જ્યારે હવામાંથી પાણીમાં ડૂબકી મારે છે, ત્યારે પાણીનો એક છાંટો પણ ઊડતો નથી અને તે ખૂબ જ સરળતાથી પાણીની અંદર પ્રવેશી જાય છે. તેમણે શોધી કાઢ્યું કે કિંગફિશરની ચાંચની ખાસ અણીદાર અને લાંબી બનાવટ હવાથી પાણી જેવા બે અલગ-અલગ ઘનતા ધરાવતા માધ્યમો વચ્ચેના ઘર્ષણને નહીંવત કરી દે છે.

ડિઝાઈન બદલવાથી શો ફાયદો થયો?

કિંગફિશરની ચાંચના આકાર આધારિત બુલેટ ટ્રેનની આગળના નોઝ (Nose)ને 15 મીટર સુધી લાંબી અને અણીદાર બનાવવામાં આવ્યું હતું. આ બાયોમિમિક્રી (Biomimicry) ટેકનોલોજીના કારણે:
ટનલમાંથી નીકળતી વખતે થતો સોનિક બૂમનો ધડાકો સંપૂર્ણપણે બંધ થઈ ગયો.

ટ્રેનની સ્પીડમાં 10 ટકાનો વધારો થયો.

હવાનું ઘર્ષણ ઘટવાને કારણે વીજળીના વપરાશમાં 15 ટકા સુધીની બચત થઈ.