Tue Jul 28 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ:25 May 2026

2026-05-25 07:58:41
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-05-25 21:02:35

ટ્રમ્પને લઈ પાકિસ્તાન ફસાશે?

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સહિત અનેક દેશોને એક મંચ પરની ઉચ્ચ સ્તરીય કોન્ફરન્સ કોલ કર્યો છે, જેમાં મુસ્લિમ દેશોને ઈરાન યુદ્ધ પછી અબ્રાહમ અકોર્ડ સાથે જોડાવવાની અપીલ કરી છે. જોકે, અમેરિકા-ઈરાન વચ્ચે શાંતિદૂત બનવાની ઈચ્છા ધરાવતા પાકિસ્તાન હવે મુશ્કેલીમાં ફસાઈ શકે.

2026-05-25 21:01:55

અમિત શાહ એક્શનમાં, આજથી બોર્ડરવિસ્તારની લેશે મુલાકાત

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજથી દેશના અનેક સરહદી વિસ્તારોની મુલાકાતે જશે અને સીમા સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરશે. આજે રાતના તેઓ રાજસ્થાનના બિકાનેર પહોંચશે, જ્યારે આવતીકાલના બીએસફની સાંચુ ચેકપોઈન્ટની મુલાકાત કરશે એના પછી ભુજ, ત્રિપુરા અને પશ્ચિમ બંગાળ સીમાવિસ્તારોની મુલાકાત લેશે.

2026-05-25 20:17:46

આવતીકાલથી પુણેમાં કલમ 144 લાગુ

કોઈ પણ જાતના વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને પુણે પોલીસ વહીવટીતંત્રે શહેરમાં શાંતિ જાળવવા માટે આગામી 14 દિવસ માટે જમાબંધીનો આદેશ આપ્યો છે. ફોજદારી દંડ સંહિતા 1973ની કલમ 144 હેઠળ મંગળવાર રાતથી જાહેર સ્થળોએ 5 કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ રહેશે જેથી કોઈ અનિચ્છનીય ઘટના કે હિંસા રોકી શકાય.

2026-05-25 19:46:46

યુપીમાં ગંગા સ્નાન વખતે અનેક શ્રદ્ધાળુ ડૂબ્યા

ઉત્તર પ્રદેશના બદાયુમાં અલગ અલગ ગંગા ઘાટ પર પુણ્ય સ્નાન વખતે મોટી દુર્ઘટના ઘટી છે, જ્યાં સ્નાન કરતી વખતે નદીમાં અનેક શ્રદ્ધાળુ ડૂબવાના અહેવાલ છે, જેમાં પાંચ લોકોના મોત થયા છે. કલાકો સુધી ચાલેલા રેસ્ક્યૂ અભિયાન વખતે મૃતદેહ મળ્યા છે, જેમાં બાળકીનો સમાવેશ થાય છે, જ્યારે અનેક લોકોને બચાવી લેવામાં આવ્યા છે.

2026-05-25 19:40:28

તમિલનાડુમાં એઆઈએડીએમકેને ઝટકો

તમિલનાડુમાં સીવે શંમુગતમ અને એસપી વેલુમાનીના નેતૃત્વ હેઠળના ગ્રુપમાં રહેલા ત્રણ વિધાનસભ્યએ આજે વિધાનસભાના અધ્યક્ષને જેસીડી પ્રભાકરની મુલાકાત કરી હતી અને પોતાનું રાજીનામું આપતા એઆઈએડીએમકે ઝટકો લાગ્યો છે. તેઓ ટીવીકેમાં સામેલ થશે.

2026-05-25 19:10:59

ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં ટોલના બદલે પર્યાવરણ ટેક્સ વસૂલવા મુદ્દે સક્રિય

મિડલ ઈસ્ટમાં ઈરાન અને અમેરિકા વચ્ચે સતત તણાવ યથાવત છે. જેમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા  શાંતિ કરારમાં અમેરિકાએ ઈરાન પર હોર્મુઝ સ્ટ્રેટમાં ટોલ ટેક્સ વસૂલવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં પગલે હવે ઈરાન આ મુદ્દે નવી રણનીતિ અપનાવવા જઇ રહ્યું  છે. જેમાં ઈરાન હવે હોર્મુઝ સ્ટ્રેટમાં ટોલ ટેક્સના બદલે પર્યાવરણ ટેક્સ વસૂલવાની તૈયારી કરી રહ્યું છે.

2026-05-25 18:47:59

ઇંધણના ભાવમાં વધારા છતાં ઓઈલ કંપનીઓ હજુ પણ ખોટમાં

ઇંધણના ભાવ વધારા પછી પણ ઓઈલ કંપનીઓ હજુ નુકસાનીમાં છે. નવી દિલ્હીમાં પેટ્રોલિયમ મંત્રાલયે જણાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચાર વખત વધારો કરાયા બાદ સરકારી તેલ કંપનીઓનું દૈનિક નુકસાન 1000 કરોડથી ઘટીને ₹ 600 કરોડની અંદર આવી ગયું છે, પણ ઓઈલ કંપનીઓ હજુય ખોટમાં છે.

2026-05-25 18:33:13

ગુજરાતમાં ભરતીમેળામાં 5 વર્ષમાં 6.54 લાખ યુવાનોને રોજગારી મળી હોવાનો દાવો

ગુજરાત સરકારે છેલ્લા પાંચ વર્ષમાં 7403 જેટલા મેગા રોજગાર ભરતીમેળામાં કુલ 6.54 લાખ કરતાં વધુ યુવાનોને ખાનગી ક્ષેત્રમાં નોકરીઓ મળી હોવાનો દાવો કર્યો છે. આ આંકડા વર્ષ 2021-22 થી 2025 -26ના છે.

2026-05-25 18:30:29

SPL T-20 ક્રિકેટ મેચ મોકૂફ

રાજકોટમાં આગામી જૂન મહિનામાં યોજાનાર SPL T-20 ક્રિકેટ મેચ મોકૂફ કરવામાં આવી હોવાના અહેવાલ છે. મેચ મોકૂફ કરવા પાછળનું કારણ પેટ્રોલ - ડીઝલની અછત હોવાનું જણાવવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા  મોકૂફીની જાહેરાત કરવામાં આવી છે.

2026-05-25 18:06:04

નાણાં મંત્રીનિર્મલા સીતારમણનું નિવેદન, કહ્યું આ કારણે નથી ઘટાડી એકસાઈઝ ડયુટી

મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે આજે 11 દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો કરવામાં આવ્યો છે. આ અંગે નાણાં મંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન આવ્યું છે. તેમણે લોકોને  એકસાઈઝ ડયુટી નહિ ઘટાડવાના કારણ જણાવીને લોકોને ત્રણ એફ ફોર્મ્યુલા પર ધ્યાન કેન્દ્રીત કરવા જણાવ્યું છે.

2026-05-25 17:59:26

ઇંધણના ભાવવધારા અંગે ફડણવીસે કહ્યું વૈશ્વિક કટોકટી

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવ અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે આ સ્થિતિને વૈશ્વિક કટોકટી ગણાવીને લોકોને ઇંધણનો સંગ્રહ ન કરવા વિનંતી કરી હતી, જેથી પુરવઠા પર ખોટું દબાણ ન આવે. છેલ્લા બે અઠવાડિયામાં આ ચોથો ભાવવધારો છે,

2026-05-25 16:38:47

અભિષેક બેનર્જીના નિવાસે પહોંચી કોલકાતા પોલીસ, ગેરકાયદે બાંધકામની આપી હતી નોટિસ

પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકાર આવતાની સાથે જ મમતા બેનર્જી સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં હવે  કોલકાતા પોલીસ ભૂતપૂર્વ મુખ્યમંત્રી મમતા બેનર્જીના ભત્રીજા અને તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનર્જીના નિવાસસ્થાને પહોંચી છે. બેનર્જીના ઘરની બહાર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બેનર્જીને અગાઉ પરિસરમાં અનધિકૃત બાંધકામ અંગે નોટિસ આપવામાં આવી હતી.

2026-05-25 16:07:53

ગુલર્મગમાં 300 પ્રવાસી ફસાયા

જમ્મુ કાશ્મીરના ગુલમર્ગ સ્થિત ગુલમર્ગ ગોંડોલામાં ટેક્નિકલ ખામીને કારણે અધવચ્ચે જ કેબલકાર હવામાં રોકાઈ ગઈ અને લગભગ 300 પર્યટક ફસાયા હોવાના અહેવાલ. ફાયર એન્ડ ઈમર્જન્સી ટીમ દ્વારા મદદ માટે યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ ઓપરેશન જારી.

2026-05-25 15:28:00

ભાજપ નેતાએ રાહુલ ગાંધીની ભસ્માસુર સાથે સરખામણી કરી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર ભાજપ સતત પ્રહાર કરી રહી છે. જેમાં આજે એક પત્રકાર પરિષદમાં ભાજપ નેતા ગૌરવ ભાટિયા રાહુલ ગાંધીની  ભસ્માસુર સાથે સરખામણી કરી છે. તેમણે કહ્યું કે ટૂલકીટ મોડેલ રાહુલ ગાંધીના મગજની ઉપજ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વર્તમાન સરકાર સ્થિર અને મજબૂત  છે.

2026-05-25 14:23:17

આર્થિક મોરચે પડકારો વચ્ચે નાણા પ્રધાનનું નિવેદન: ભય નહીં, વિશ્વાસ જરૂરી

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે દેશના અર્થતંત્ર અંગે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ભારતમાં કેટલાક લોકો ભય ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેના બદલે, તેમણે લોકોમાં વિશ્વાસ જગાડવો જોઈએ. તેમણે જણાવ્યું હતું કે બાહ્ય પરિબળોના પડકારો છતાં, ભારતનું સ્થાનિક અર્થતંત્ર સકારાત્મક અને સ્થિતિસ્થાપક રહ્યું છે. નાણા પ્રધાન પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડયુટીમાં ઘટાડાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે આ ઘટાડાથી સરકારને ₹1 લાખ કરોડનું મહેસૂલ નુકસાન થશે.

2026-05-25 14:02:43

NEET પેપર લીક કેસની આરોપી મનીષાને 6 દિવસની CBI કસ્ટડી

NEET પેપર લીક કેસના આરોપીઓ ઝડપાયા બાદ હાલ તપાસ ચાલી રહી છે. આ દરમિયાન આજે રાઉઝ એવન્યુ કોર્ટે આરોપી મનીષાને 6 દિવસની CBI કસ્ટડીમાં મોકલી હતી. 6 દિવસની પૂછપરછમાં અનેક ચોંકાવનારી માહિતી સામે આવી શકે છે.

2026-05-25 13:32:52

અમદાવાદમાં યુવકનો જાહેરમાં હાથની નસ કાપી આપઘાત

અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલા વન્ડર પોઇન્ટની પાછળ એક 34 વર્ષીય યુવકે કાચથી પોતાના જમણા હાથની નસ કાપીને જીવન ટૂંકાવી લીધું હતું. ધોળા દિવસે જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં  ચકચાર મચી ગઈ હતી. મૃતકની ઓળખ ઘનશ્યામભાઈ પ્રજાપતિ તરીકે થઈ છે. ઘટનાની જાણ થતાં જ રામોલ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.

2026-05-25 11:32:49

પંજાબી સિંગર દિલજીત દોસાંજ અને લુધિયાણાના મેયરને ઘરને બોમ્બથી ઉડાડવાની ધમકી

લુધિયાણાના મેયર ઇન્દરજીત કૌર અને પંજાબી ગાયક દિલજીત દોસાંઝના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનરના સરકારી મેઈલ પર સવારે એક મેઈલ મોકલવામાં આવ્યો છે. આ મેઈલમાં લખવામાં આવ્યું છે કે, 'બોમ્બ બ્લાસ્ટ મેયર અને દિલજીત દોસાંઝના ઘર પર'. આમાં મેયરના ઘર પર બપોરે 1.11 વાગ્યે બ્લાસ્ટ કરવાની ચેતવણી આપવામાં આવી છે અને 6 જૂન સુધીમાં દિલજીત દોસાંઝના ગામના ઘર પર રાત્રે 9.11 વાગ્યે બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે.

2026-05-25 10:57:25

કૉંગ્રેસે મોદીને મોંઘવારી મેન ગણાવ્યા

પેટ્રોલ - ડીઝલના ભાવ વધારા મુદ્દે કૉંગ્રેસે પીએમ મોદીને મોંઘવારી મેન ગણાવ્યા છે. આ અંગે કૉંગ્રેસના સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને લખવામાં આવ્યું કે, મોંઘવારી મેન મોદીએ પેટ્રોલ-ડીઝલ 11 દિવસમાં 8 રૂપિયા મોંઘું કર્યું છે. આજે પેટ્રોલમાં 2.82 રૂપિયા અને ડીઝલમાં 2.80 રૂપિયાનો વધારો થયો છે.

2026-05-25 08:30:44

ગોંડલ નજીક યાત્રાળુઓની બસ પલટી: સાસુ-વહુના કમકમાટીભર્યા મોત

ગોંડલના વોરા કોટડા ગામ નજીક વહેલી સવારે યાત્રાળુઓથી ભરેલી એક ખાનગી બસ અચાનક પલટી જતાં અકસ્માત સર્જાયો હતો. આ કરુણ ઘટનામાં બસમાં સવાર સાસુ-વહુના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય કેટલાક મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે

2026-05-25 08:14:35

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો

પેટ્રોલ અને ડીઝલના ભાવ 10 દિવસમાં ચોથી વખત વધ્યા છે. પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2.61નો કરાયો વધારો કરાયો છે. જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2.71નો વધારો થયો છે. 15થી 25 મે દરમિયાન ચોથી વખત ભાવ વધારો ઝીંકાયો છે.