Wed Jun 03 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 03 June 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-06-03 07:56:19
Author: mumbai samachar team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-06-03 22:40:44

દિલ્હી હોટલ અગ્નિકાંડમાં હોટલના માલિક લવકેશ બજાજની ધરપકડ

નવી દિલ્હી: દક્ષિણ દિલ્હીના માલવિયા નગર વિસ્તારમાં એક હોટલમાં લાગેલી ભીષણ આગના કારણે 21 લોકોએ જીવ ગુમાવ્યો છે. જોકે, પોલીસે હોટલના માલિક લવકેશ બજાજની ધરપકડ કરી છે. આ  હોટેલ ફાયર એનઓસી વિના કાર્યરત હતી અને  સલામતીના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું.

2026-06-03 22:27:44

ભારતીયોનો ન્યૂ ઝીલૅન્ડમાં 40 દિવસનો પ્રવાસઃ 100મા વર્ષમાં રચાશે નવો વિક્રમ

ઑકલૅન્ડથી મળતા અહેવાલ મુજબ આગામી બાવીસમી ઑક્ટોબરથી પહેલી ડિસેમ્બર દરમ્યાન ભારતીય ક્રિકેટરો ન્યૂ ઝીલૅન્ડ ખાતેના 40 દિવસના પ્રવાસમાં હશે એ દરમ્યાન બન્ને દેશ વચ્ચે કુલ 12 મૅચ રમાશે. અગાઉ કોઈ પ્રવાસી દેશના ક્રિકેટરોનો ન્યૂ ઝીલૅન્ડમાં ક્યારેય આટલો લાંબો પ્રવાસ નહોતો. ભારતના ખેલાડીઓ કિવીલૅન્ડ પર પાંચ ટી-20, પાંચ વન-ડે અને બે ટેસ્ટ મૅચ રમશે. બન્ને દેશ વચ્ચેના ક્રિકેટ સંબંધોને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને આ નિમિત્તે એક સાથે ત્રણેય ફૉર્મેટમાં કુલ 12 મૅચ રાખવાનું નક્કી કરાયું છે. ભારતીયોની 40 દિવસની ટૂરમાં પ્રથમ મૅચ (ટી-20) બાવીસમી ઑક્ટોબરે ક્રાઇસ્ટચર્ચમાં રમાશે.

2026-06-03 20:04:23

અન્ડર-18 મેન્સ એશિયા કપ હૉકીમાં ભારતનો 13-1થી વિજય

જાપાનમાં બુધવારે અન્ડર-18 મેન્સ એશિયા કપ હૉકીમાં ભારતે ચાઇનીઝ તાઇપેઇને 13-1થી હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આશિષ પુર્તિ નામના ખેલાડીએ ત્રણ ગોલ કર્યા હતા, જ્યારે ગાઝી ખાન, સિદ્ધાર્થ બેન અને રાહુલ યાદવ નામના પ્લેયરે બે-ગોલ કર્યા હતા. એક-એક ગોલ કરણ ગૌતમ, પ્રેમચંદ સૉય, કૅપ્ટન કેતન કુશવાહા અને વરિન્દર સિંહે કર્યો હતો.

2026-06-03 19:25:54

H-1B વિઝા ફીમાં વધારો થતા લોકોનો ઘસારો યથાવત, 2 લાખ લોકોએ કરી અરજી

અમેરિકા દ્વારા  H-1B વિઝા માટેની ફી વધારીને 1,00,000 ડોલર કરવામાં આવી છે. તેમ છતા વિઝા અરજીમાં કોઇ ઘટાડો નોંધાયો નથી. આ વિગતો વર્ષ 2025-26ના  H-1B વિઝા માટે કરવામાં આવેલી અરજીના આંકડા પરથી સાબિત થાય છે. વર્ષ 2026માં અમેરિકામાં કામ કરવા H-1B વિઝા માટે માટે 200,000 થી વધુ વ્યક્તિઓએ 100,000 ડોલરની રકમ ચૂકવી હતી.

2026-06-03 17:49:55

મમતાને ઝટકોઃ ઋતબ્રત બેનરજી વિપક્ષના નેતા

પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્ય પ્રધાન મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)માં ભંગાણ પડ્યું છે, જેમાં પાર્ટીના વરિષ્ઠ નેતા ઋતબ્રત બેનરજીને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવ્યા છે. ઋતબ્રતને સ્પીકરે પણ માન્યતા આપી છે. 80 વિધાનસભ્યમાંથી 58 વિધાનસભ્યએ ઋતબ્રત બેનરજીના પક્ષમાં મતદાન કરીને સર્વસંમતિથી વિપક્ષના નેતા બનાવ્યા છે.

2026-06-03 17:48:23

ઈરાન-અમેરિકા યુદ્ધઃ કુવૈતમાં ભારતીયનું મૃત્યુ

ઇરાન-અમેરિકા વચ્ચેના વધતા લશ્કરી તણાવનું ભોગ કુવૈત બન્યું છે. એરપોર્ટ પર ઈરાનના હુમલામાં એક ભારતીય નાગરિકનું મૃત્યુ થયું છે. કુવૈતમાં ભારતીય દૂતાવાસે મૂકેલી પોસ્ટમાં જણાવ્યું છે કે ઈન્ટરનેશનલ એરપોર્ટ પરના હુમલામાં એક ભારતીયનું મોત થયું છે.

2026-06-03 17:31:45

ગુજરાત સરકારનો મોટો નિર્ણય,  શહેરો બનશે વાયર ફ્રી

ગુજરાતમાં કેબિનેટ બેઠકમાં રાજ્યમાં વાયર ફ્રી સિટી મિશનને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ અંગે જણાવતા પ્રવક્તા મંત્રી  જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાત વાયર ફ્રી સિટી મિશન  હેઠળ વર્ષ 2030 સુધીમાં રાજ્યના તમામ શહેરોને તબક્કાવાર  "વાયર ફ્રી" બનાવવામાં આવશે. આ મહત્વાકાંક્ષી મિશનના પ્રારંભિક તબક્કા માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા ૫૦૦ કરોડની જોગવાઈ મંજૂર કરવામાં આવી છે.

2026-06-03 16:27:43

કેન્દ્રીય કેબિનેટમાં 39,290 કરોડ રૂપિયાના 6 મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી અપાઈ

પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટમાં 39,290 કરોડ રૂપિયાના 6 મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે. જેમાં સૌથી મહત્વના 10,000 કરોડના એટીએફ ફંડને મંજૂરી આપવામાં આવી છે. તેમજ દેશમાં રોડ નેટવર્કને મજબૂત કરવા માટે 4 રાજ્યમાં હાઇવે નિર્માણને મંજૂર કરવામાં આવ્યા છે.

2026-06-03 16:23:16

ડીકે શિવકુમારે કર્ણાટકના સીએમપદના લીધા શપથ

કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારે કર્ણાટકના મુખ્ય પ્રધાનપદે શપથ લીધા છે. રાજ્યપાલ થાવરચંદ ગહલોતે સીએમપદના શપથ લેવડાવ્યા. ડીકે શિવકુમારના શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત અન્ય દિગ્ગજ નેતા ઉપસ્થિત હતા.

2026-06-03 15:27:34

ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીએ સીઆઈડી કાર્યવાહીથી બચવા કોલકાતા હાઈકોર્ટમાં અરજી કરી

ટીએમસીના સાંસદ અભિષેક બેનર્જીએ કોલકાતા હાઈકોર્ટમાં નકલી સહી કેસમાં સીઆઇડી દ્વારા સંભવિત કાર્યવાહીથી બચવા અરજી કરી છે. જોકે, કોર્ટે આ અરજીને દાખલ કરી છે. સીઆઈડીએ આ કેસના અભિષેક બેનર્જી ને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે.

2026-06-03 14:27:42

ગોલ્ડ રિઝર્વમાંથી સોનું વેચ્યું નથીઃ આરબીઆઈ

આરબીઆઈ દ્વારા વિદેશી હૂંડિયામણને બચાવવા માટે ગોલ્ડ રિઝર્વમાંથી સોનું વેચ્યું હોવાના અહેવાલને કેન્દ્રીય બેંકે રદિયો આપ્યો છે. મીડિયામાં વાયરલ સમાચારોને આરબીઆઈએ સંપૂર્ણપણે ફગાવી નાખ્યા હતા.

2026-06-03 11:51:18

દિલ્હીમાં રેસ્ટોરન્ટમાં આગથી 4નાં મોત

દિલ્હીના માલવીય નગરમાં આવેલી રેસ્ટોરન્ટમાં આગ લાગતા 4 લોકોનાં મોત થયા છે. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાનાં પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે.

2026-06-03 11:08:29

ભવિષ્યમાં પણ ઘૂસણખોરો સામે આવી ઝુંબેશ ચાલુ રહેશેઃ હર્ષ સંઘવી

ગુજરાતના ડેપ્યુટી સીએમહર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ગૃહ વિભાગે રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશી નાગરિકો સામે કડક વલણ અપનાવ્યું છે. ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકોની ઓળખ કરવા અને તેમની અટકાયત કરવા માટે હાલમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં એક ખાસ ઝુંબેશ  ચાલી રહી છે. પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી અને અન્ય એજન્સીઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં સઘન તપાસ અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, રાતોરાત ચાલેલી આ કામગીરી દરમિયાન મોટી સંખ્યામાં શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી હતી. ઘૂસણખોરી અને ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામેની આ ઝુંબેશ ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

2026-06-03 09:31:33

ઇરાન-અમેરિકા યુદ્ધની અસરથી માર્કેટમા સેન્ટિમેન્ટ ખરાબ

ઇરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના ઘેરાયેલા વાદળો વચ્ચે અને વૈશ્વિક ક્રૂડના ભાવો પર તેની અસર દેખાઇ છે. ક્રૂડના ભાવોમાં વધારાથી ભારતીય શેરબજારો બુધવારના સેશનમાં સામાન્ય ઘટાડા સાથે ઓપન થયા બાદે તેમાં મોટા કડાકા જોવા મળ્યા. સેન્સેક્સ મંગળવારે  74,649.84ની સપાટીએ બંધ રહ્યો હતો. બુધવારના સેશનમાં સેન્સેક્સ 142.11ના ઘટાડા સાથે 74,507.73ની સપાટીએ ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી મંગળવારે 23,483.55ની સપાટીએ બંધ રહ્યો હતો. બુધવારના સેશનમાં નિફ્ટી 67.6ના ઘટાડા સાથે 23,415.95ની સપાટીએ ખુલ્યો હતો.

2026-06-03 09:02:57

ગુજરાતમાં સવારે બે કલાકમાં ક્યાં પડ્યો વરસાદ

રાજ્યમાં પ્રી મોન્સૂન ગતિવિધિથી વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારના 6 થી 8 કલાકના સમયગાળા દરમિયાન એક તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર મુજબ, બનાસકાંઠાના ડીસામાં 0.08 ઇંચ વરસાદ પડ્યો હતો.

2026-06-03 07:56:57

મોતના 3 મહિના બાદ સુપુર્દ-એ-ખાક થશે ખામેનેઇ

ઇરાનના પૂર્વ સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઇનું 28 ફેબ્રુઆરીએ મોત થયું હતું. હવે મોતના 3 મહિનાથી વધુના સમય બાદ તેમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. ઇરાનની સરકારે ખામેનઇના જનાજા માટે 3 દિવસના રાજકીય શોક અને સાર્વજનિક અંતિમ સંસ્કારની જાહેરાત કરી છે. અંતિમ સંસ્કારને લઇને મોટા શહેરોમાં તૈયારીઓ શરુ કરવામાં આવી છે.

2026-06-03 07:56:40

ઈરાન - અમેરિકા વચ્ચે ફરી વધ્યો તણાવ

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ વધ્યો છે. અમેરિકાની સેનીએ કહ્યું કે, ઈરાન દ્વારા કુવૈત અને બહરીન પર છોડવામાં આવેલી મિસાઈલો નિષ્ફળ ગઈ છે અથવા તો તેમને તોડી પાડવામાં આવી હતી. તેના જવાબમાં ઈરાનના એક ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો હતો.