Fri Aug 28 2026

Logo

ભાવનગર-બોટાદમાં ૨૫ થી ૩૦ વર્ષથી થયેલા દબાણોની સરકારે કબૂલાત કરી! જાણો કયા ગામમાં કેટલા દબાણ?

2026-02-28 16:40:00
Author: Devayat Khatana
ભાવનગર-બોટાદમાં ૨૫ થી ૩૦ વર્ષથી થયેલા દબાણોની સરકારે કબૂલાત કરી! જાણો કયા ગામમાં કેટલા દબાણ?

ભાવનગર: ગુજરાત વિધાનસભામાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં પંચાયત પ્રધાને બોટાદ અને ભાવનગર જિલ્લામાં ગૌચરની જમીન પર થયેલા દબાણો અંગે વિગતો રજૂ કરી હતી. તા. ૩૧/૧૨/૨૦૨૫ ની સ્થિતિએ બંને જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વર્ષો જૂના દબાણો હોવાનું સામે આવ્યું છે. બોટાદ જિલ્લાના રાણપુર અને ગઢડા જેવા વિસ્તારોમાં તો ૨૫ વર્ષ જેટલા લાંબા સમયથી દબાણો અસ્તિત્વમાં હોવાનું સરકારી આંકડાઓ જણાવે છે.

બોટાદ જિલ્લાની વિગતો મુજબ, રાણપુર ગામમાં ૨૫ વર્ષથી ૦૭ જેટલા દબાણો છે, જ્યારે માંડવધારમાં ૧૦ વર્ષથી ૨૩ દબાણો છે. તેવી જ રીતે ભાવનગર જિલ્લામાં ઘોઘા તાલુકાના વાવડી ગામમાં ૩૦ વર્ષથી અને શિહોરના બુઢણામાં ૨૬ વર્ષથી ગૌચર જમીન પર દબાણ થયેલું છે. તળાજા તાલુકાના નેસવડ ગામમાં સૌથી વધુ ૭૮ દબાણો ૨૦ વર્ષથી હોવાનું પત્રક-૧ માં નોંધાયું છે.

આ દબાણો દૂર કરવા માટે કરવામાં આવેલી કાર્યવાહી અંગે સરકારે માહિતી આપતા જણાવ્યું હતું કે, બોટાદના રોજીદા અને મેઘવડીયા જેવા ગામોમાં હાઇકોર્ટ દ્વારા સ્ટે ઓર્ડર આપવામાં આવ્યા હોવાથી કાયદાકીય પ્રક્રિયા બાદ કાર્યવાહી કરવામાં આવી છે. ભાવનગરના વાવડી ગામમાં પણ સિવિલ કોર્ટમાં કેસ ચાલુ હોવાથી ચુકાદાની રાહ જોવાઈ રહી છે. અન્ય કિસ્સાઓમાં જ્યાં હદ નિશાન નક્કી નથી થયા, ત્યાં ડી.આઈ.એલ.આર (DILR) કચેરી મારફત માપણીની કામગીરી પ્રગતિ હેઠળ છે.

સરકારે સ્પષ્ટતા કરી છે કે જે કિસ્સાઓમાં કોર્ટના સ્ટે નથી, ત્યાં ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ની કલમ ૧૦૫ હેઠળ ગ્રામ પંચાયતો દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી વિના વિલંબે કરવામાં આવશે. બોટાદના શિવરાણીયા અને વલ્લભીપુરના કાનપર ગામમાં દબાણકર્તાઓને નોટિસ આપી દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાલમાં કાર્યરત હોવાનું સરકારે જણાવ્યું હતું.

વધુ જુઓ...