Sun Sep 13 2026

Logo

હવે 2046માં આવજો! 90 વર્ષના વૃદ્ધાને બોમ્બે હાઈકોર્ટે આપી 20 વર્ષ પછીની તારીખ, જાણો શું છે મામલો

2026-04-29 16:09:00
Author: Chandrakant Kanoja
હવે 2046માં આવજો! 90 વર્ષના વૃદ્ધાને બોમ્બે હાઈકોર્ટે આપી 20 વર્ષ પછીની તારીખ, જાણો શું છે મામલો

મુંબઈ: બોમ્બે હાઈકોર્ટે એક 90 વર્ષીય એક મહિલાને તેમના માનહાનિના કેસની આગળની સુનાવણી માટે 20 વર્ષ પછીની તારીખ આપી છે. કોર્ટે નોંધ્યું કે આ કેસ માત્ર "અહંકારની લડાઈ" છે, જેને કારણે કોર્ટનો સમય વેડફાયો છે.

જસ્ટિસ જિતેન્દ્ર જૈનની સિંગલ જજ બેન્ચે મંગળવારે 90 વર્ષીય તારિણીબેન અને 57 વર્ષીય ધ્વનિ દેસાઈ વિરુદ્ધ અન્ય કેસની સુનાવણી કરી હતી, બેન્ચે આ કેસને આ વિવાદને "અહંકારની લડાઈ" ગણાવી હતી.

સુનાવણી દરમિયાન ન્યાયાધીશ જૈને કડક અવલોકનો કરતા કહ્યું, “આ કેસને કારણે ન્યાયિક પ્રણાલીમાં વિક્ષેપ પડ્યો છે.” ન્યાયાધીશ જૈને આદેશ આપ્યો કે કેસની આગામી સુનાવણી 2046 પછીની તારીખે જ થવી જોઈએ.

શું છે મામલો?
વર્ષ 2017માં તારિણીબેન અને ધ્વનિ દેસાઈએ  કિલકિલારાજ ભણસાલી અને અન્ય લોકો સામે માનહાનીનો દાવો દાખલ કર્યો હતો.
અરજદારોનો દાવો કર્યો કે વર્ષ 2015માં શ્યામ કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીની વાર્ષિક સામાન્ય સભા દરમિયાન બનેલી ઘટના તેમના માટે માનસિક ત્રાસ અને તકલીફનું કારણ બની હતી, જેના માટે તેમણે 20 કરોડ રૂપિયાનાં વળતરની માંગણી કરી છે.

ન્યાયાધીશે જૈને કહ્યું, "અરજદારો વચ્ચે અહંકારની લડાઈને કારણે સિસ્ટમ પર બોજ પડ્યો છે. પરિણામે, કોર્ટ એવા કેસોને હાથ ધરી શકતી નથી, જેને ખરેખર પ્રાથમિકતા પર લેવા જોઈએ."

અગાઉ કોર્ટે એવું સુચન કર્યું હતું કે માફી માંગીને વિવાદનો ઉકેલ લાવવામાં આવે, પરંતુ 90 વર્ષીય અરજદાર માનહાનિનો દાવો આગળ વધારવા માટે અડગ રહ્યા. 

મગળવારે કોર્ટે કહ્યું કે ફરિયાદી "સુપર સિનિયર સિટીઝન" હોવાના આધારે આ કેસને પ્રાથમિકતા આપવી જોઈએ નહીં.  ન્યાયાધીશે કહ્યું, "હું વધુ કંઈ કહેવા ઈચ્છતો નથી, આ મામલાની સુનાવણી આગામી 20 વર્ષ સુધી કરવામાં આવશે નહીં. આ કેસને 2046 પછીની તારીખ માટે સૂચિબદ્ધ કરવામાં આવે."