Thu Apr 23 2026

Logo

2014 કસ્ટોડિયલ ડૅથ:  બોમ્બે હાઇ કોર્ટે આઠ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ હત્યાના આરોપ ઘડવાના નિર્ણયને માન્ય રાખ્યો

2026-04-08 17:30:46
Author: યોગેશ ડી. પટેલ
Article Image

મુંબઈ: 2014માં શહેરના યુવક એગ્નેલો વલ્દારિસના કથિત કસ્ટોડિયલ ડૅથ મામલે આઠ પોલીસ કર્મચારીઓ સામે હત્યાના આરોપ ઘડવાના ટ્રાયલ કોર્ટના નિર્ણયને બોમ્બે હાઇ કોર્ટે માન્ય રાખ્યો છે. સોમવારે જારી કરાયેલા આદેશમાં જસ્ટિસ એ.એસ. ગડકરી અને શ્યામ ચાંડકની ખંડપીઠે કહ્યું હતું કે વલ્દારિસના મૃત્યુની આસપાસના સંજોગો શંકાસ્પદ હોઇ સંપૂર્ણ ટ્રાયલ આવશ્યક છે. કોર્ટે અવલોકન કર્યું હતું કે મૃત્યુ સદોષ મનુષ્યવધ છે કે અકસ્માતે થયું છે તે વિશે ગંભીર વિવાદ છે. 

ટ્રાયલ કોર્ટે ભારતીય દંડસંહિતાની કલમ 302 (હત્યા) અને 295-એ (ધાર્મિક લાગણી દુભવવા માટે બદઇરાદાથી કૃત્ય) હેઠળ હત્યાના આરોપ ઘડવાના સપ્ટેમ્બર, 2022માં આપેલા આદેશને પડકારતી આઠ પોલીસ કર્મચારીએ કરેલી અરજી હાઇ કોર્ટે ફગાવી દીધી હતી.અરજદાર સિનિયર ઇન્સ્પેક્ટર જિતેન્દ્ર રાઠોડ. આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર અર્ચના પૂજારી, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર શત્રુઘ્ન તોંડસે, હેડ કોન્સ્ટેબલ સુરેશ માને, કોન્સ્ટેબલ તુષાર ખૈરનાર, રવીન્દ્ર માને, વિકાસ સૂર્યવંશી અને સત્યજીત કાંબળેએ દાવો કર્યો હતો કે કસ્ટડીમાંથી ભાગી છૂટ્યા બાદ વલ્દારિસનું ટ્રેનની ટક્કરથી મૃત્યુ થયું હતું.

વડાલા રેલવે પોલીસે લૂંટના કેસ સંદર્ભે વલ્દારિસ તથા અન્ય ત્રણની અટકાયત કરી હતી. પોલીસે દાવો કર્યો હતો કે કસ્ટડીમાંથી ભાગવાના પ્રયાસમાં તેનું મૃત્યુ થયું હતું, જ્યારે હાઇ કોર્ટે પોતાના આદેશમાં નોંધ્યું હતું કે વલ્દારિસ સાથે અટકાયતમાં લેવાયેલા અન્યોના નિવેદનો અને તબીબી પુરાવાઓ પરથી લાગે છે કે કસ્ટડીમાં તેને ટોર્ચર કરવામાં આવ્યો હતો.હાઇ કોર્ટે જણાવ્યું હતું કે વલ્દારિસ તથા અન્યોને ગેરકાયદે અટકાયતમાં લેવામાં આવ્યા હતા, તેમની મારપીટ કરાઇ હતી અને લોકઅપમાં તેમની સાથે દુર્વ્યવહાર કરાયો હતો.

જાતીય દુર્વ્યવહાર એટલો ઘૃણાસ્પદ હતો કે કોઇ પણ નાગરિક કલ્પના પણ કરી શકતું નથી કે આવી ઘટના પોલીસ લોકઅપમાં બની શકે છે. મુખ્ય મુદ્દો ધ્યાનમાં લેતાં સામાન્ય જનતામાં પોલીસની છબિ ખરડાય નહીં તે માટે શોષણ કઇ રીતે થયું તેનો અમે અહીં ઉલ્લેખ કરવા માગતા નથી, એમ પણ કોર્ટે જણાવ્યું હતું. (પીટીઆઇ)