Sat Mar 14 2026

Logo

ઈરાન સાથે જોડાયેલા છે આ બોલીવુડના કલાકારોના મૂળ: એલનાઝ નૌરોજીથી લઈને જોન અબ્રાહમ સુધીના કલાકારોનો જાદુ

1 week ago
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ હાલ અમેરિકા ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ જોવો માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે વૈશ્વિક સ્તેર લોકોમાં ચિતામાં મુકાયા છે. પરંતુ શું તમે જાણો છે કે જે પ્રાદશિક વિવાદ અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે એ પ્રદેશના ઘણા કલાકારોએ ભારતીય સહિતા વિશ્વમાં પોતાની એક્ટિંગ સ્કિલથી દેશનું નામ પણ રોશન કર્યુ છે. 

ભારતીય સિનેમા એટલે કે બોલીવુડ હંમેશાંથી વૈશ્વિક કલાકારો માટે સપનાની નગરી રહી છે. ખાસ કરીને ઈરાનથી આવેલા અનેક કલાકારોએ પોતાની મહેનત અને પ્રતિભાના જોરે સાબિત કર્યું છે કે કલાને કોઈ સીમાડા નડતા નથી. આજે અનેક ઈરાની સિતારાઓ ભારતીય પડદા પર રાજ કરી રહ્યા છે.

ઈરાની મૂળના કલાકારોમાં અત્યારે સૌથી મોટું નામ એલનાઝ નૌરોજીનું છે. તહેરાનમાં જન્મેલી એલનાઝે ‘સેક્રેડ ગેમ્સ’ જેવી વેબ સિરીઝથી ભારતભરમાં લોકપ્રિયતા મેળવી છે. તેની સાથે જ ‘ટાઈગર ઝિંદા હૈ’ ફેમ સજ્જાદ ડેલાફ્રૂઝે વિલન તરીકે પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે. ઈરાનમાં જન્મેલા સજ્જાદે પોતાની એક્ટિંગ સ્કિલથી સાબિત કર્યું છે કે ભાષા ભલે અલગ હોય, પણ લાગણીઓ સર્વવ્યાપી હોય છે. આ ઉપરાંત, મંદાના કરીમી અને મરિયમ ઝકારિયા જેવા કલાકારોએ પણ રિયાલિટી શો અને આઈટમ સોંગ્સ દ્વારા ભારતીય દર્શકોના દિલમાં સ્થાન જમાવ્યું છે.

દિગ્ગજ કલાકારોનું ઈરાની કનેક્શન

બોલીવુડ અને ઈરાનનો સંબંધ માત્ર આજનો નથી, પણ દાયકાઓ જૂનો છે. હિન્દી સિનેમાના અનેક દિગ્ગજોના મૂળ ઈરાન સાથે જોડાયેલા છે. 70ના દાયકાની સુપરસ્ટાર અભિનેત્રી મુમતાઝના માતા-પિતા ઈરાનના મશહદ શહેરથી ભારત આવ્યા હતા. એવી જ રીતે, હેન્ડસમ હંક જોન અબ્રાહમની માતા ફિરોઝા ઈરાની પારસી પરિવારમાંથી આવે છે. બમન ઈરાની અને અરશદ વારસી જેવા કલાકારો પણ ઈરાની અને પારસી સમુદાય સાથે સંબંધ ધરાવે છે, જેમના પૂર્વજો સદીઓ પહેલા ઈરાન છોડીને ભારત સ્થાયી થયા હતા.

કલાની કોઈ સરહદ નથી હોતી

વર્તમાન રાજકીય અસ્થિરતા વચ્ચે આ કલાકારો એક જીવંત ઉદાહરણ છે કે કેવી રીતે સાંસ્કૃતિક આદાન-પ્રદાન બે દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવે છે. ઈરાની કલાકારોએ બોલીવુડને નવી ગ્લેમર અને પ્રતિભા આપી છે તો બદલામાં ભારતીય સિનેમાએ તેમને વૈશ્વિક ઓળખ આપી છે. ભલે મિડલ ઈસ્ટમાં ગમે તેટલો તણાવ હોય પણ સિલ્વર સ્ક્રીન પર ફેલાયેલો આ ઈરાની જાદુ હંમેશાં દર્શકોને મનોરંજન પૂરું પાડતો રહેશે અને શાંતિનો સંદેશ ફેલાવતો રહેશે.