(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાવાળા કામના આરોપ વચ્ચે પ્રશાસકીય કારભાર હેઠળ છેલ્લા ચાર વર્ષમાં મેઈન્ટેન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગ દ્વારા મંજૂર કરાયેલા તમામ પ્રસ્તાવોની તપાસનો આદેશ મુંબઈ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિએ બુધવારે આપ્યો હતો. નગરસેવકોએ મેઈન્ટેન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગ પર વ્યવસ્થિત રીતે હલકી ગુણવત્તાના પ્રોેજેક્ટ ચલાવવાનો આરોપ લગાવ્યો હતો, તેને કારણે કરોડો રૂપિયાના કૌભાંડ થયા હોવાની ચિંતા પણ નગરસેવકોએ વ્યક્ત કરી હતી.
બુધવારે સ્થાયી સમિતિમાં નગરસેવક મકરંદ નાર્વેકરે ગંભીર ચાર વર્ષ પ્રશાસકીય કારભાર દરમ્યાન કૌભાંડ થયું હોવાનો આરોપ કર્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે શહેરના સ્કાયવોક નીચે લગાવવામાં આવેલી એલઈડી લાઈટ્સ હલકી ગુણવત્તાની હતી. સંબંધિત વિભાગ દ્વારા કોઈ જાળવણી કરવામાં આવી નહોતી. તેમણે એવો આરોપ પણ કર્યો હતો કે જીઈએમ પોર્ટલ પર લગભગ ૭૦૦ રૂપિયામાં ઉપલબ્ધ લાઈટ પ્રતિ યુનિટ ૯,૯૯૩ રૂપિયાના ભાવે ખરીદવામાં આવી હતી.
લાઈટ ખરીદીમાં લગભગ ૬૩ કરોડ રૂપિયાનું કૌભાંડ હોવાનો દાવો કરતા મકરંદ નાર્વેકરે એવી માગણી પણ કરી હતી કે પાલિકાએ મેઈન્ટેન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગ પર શ્ર્વેતપત્ર બહાર પાડવું અને છેલ્લા ચાર વર્ષમાં હાથ ધરવામાં આવેલા તમામ પ્રોજેક્ટની તપાસનો આદેશ આપવો.
શિવસેના (શિંદે)ના નગરસેવકે મેઈન્ટેન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગમાં રહેલી કથિત વિસંગતતાઓ પર ચર્ચા કરવા માટે ખાસ સામાન્ય સભાગૃહની બેઠક બોલાવવાની માગણી કરી હતી.
સ્થાયી સમિતિ અધ્યક્ષે પાલિકાના અધિકારીઓને ૧૫ દિવસની અંદર તપાસનો અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ દરમ્યાન કૉંગ્રેસે પણ સેન્ટ્રલ પર્ચેસ ડિપાર્ટમેન્ટની તપાસની માગ કરી હતી અને સાથે જ છેલ્લા ચાર વર્ષનો સમાવેશ કરતું શ્ર્વેતપત્ર બહાર પાડવાની પણ માગ કરી હતી.