મકાન બાંધવા માટેના દસ્તાવેજોની વર્ચ્યુઅલ પ્રી-સ્ક્રૂટિની સરળ બનાવવા માટે બીએમસીએ લોન્ચ કરી એઆઈ સિસ્ટમ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાએ ગુરુવારે મુંબઈની બાંધકામ મંજૂરી પ્રક્રિયાને ડિજિટાઇઝ અને સુવ્યવસ્થિત કરવા માટે એક મોટું પગલું ભરતા ભારતની પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) આધારિત બિલ્ડિંગ પરમિશન સિસ્ટમ ‘સિવિટ ટ્વિન’ લોન્ચ કરી હતી. પાલિકામાં ઔપચારિક સબમિશન પહેલાં બિલ્િંડગ પ્રપોઝલનની વર્ચ્યુઅલી પૂર્વ-તપાસ કરવા માટે રચાયેલ આ સિસ્ટમ આર્કિટેક્ટ અને ડેવલપરોને પ્રારંભિક તબક્કે ભૂલો આવશ્યક ડોક્યુમેન્ટ, નિયમોનું ઉલ્લંઘન અને બાકી રહેલા નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (એનઓસી) ઓળખવામાં મદદ કરશે, જેનાથી મંજૂરીઓ મેળવવામાં વિલંબ ઓછો થશે.
‘ડિજિટલ એપ્રુવલ ટ્વિન’ પર આધારિત ‘સિવિટ ટ્વિન’ સિસ્ટમ મુંબઈની બિલ્ડિંગ પરવાનગી પ્રક્રિયાને ઝડપી, વધુ સચોટ, પારદર્શક અને કાર્યક્ષમ બનાવવા માટે વિકસાવવામાં આવી છે. નવી સિસ્ટમ હેઠળ, આર્કિટેક્ટ અને ડેવલપર્સ પ્લેટફોર્મ પર બિલ્ડિંગ પ્લાન અને સંબંધિત દસ્તાવેજો અપલોડ કરી શકશે, જેના પછી એઆઈ-આધારિત એન્જિન પ્રસ્તાવની ‘વર્ચ્યુઅલ પ્રી-સ્ક્રુટીની’ હાથ ધરશે. સિસ્ટમ આપમેળે ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન (ડીસીઆર)નું પાલન ચકાસશે, ફરજિયાત ડોક્યુમેન્ટને માન્ય કરશે અને પ્રોજેક્ટ સાથે જોડાયેલા તમામ જરૂરી એઓસી ઓળખશે.
ડેવલપર, આર્કિટેક્ટ અને લાઇસન્સ પ્રાપ્ત સર્વેયરોનેે મહારાષ્ટ્ર રિજનલ એન્ડ ટાઉન પ્લાનિંગ (એમઆરટીપી) એક્ટ હેઠળની જોગવાઈઓનું પાલન કરીને હાલમાં અનેક એપ્લિકેશન મેન્યુઅલી પૂર્ણ કરવી પડે છે. બિલ્ડિંગ મંજૂરી પ્રક્રિયાના ભાગ રૂપે ઘણી ટેક્નિકલ ચેકલિસ્ટ્સ સબમિટ કરવી પડે છે, જેના કારણે મોટા પ્રમાણમાં દસ્તાવેજોની ચકાસણી એક જટિલ અને સમય માગી લે તેવી કવાયત બને છે. આમા ઘણીવાર અસંગતતાઓ, વારંવાર વાંધા અને મંજૂરીઓમાં વિલંબ થાય છે. જોકે એઆઈ સિસ્ટમને કારણે મેન્યુઅલ હસ્તક્ષેપમાં નોંધપાત્ર ઘટાડો કરશે. ઔપચારિક રજૂઆત પહેલાં ચકાસણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે, તેથી સિસ્ટમ ભૂલો ઘટાડવા, મંજૂરીઓ ઝડપી બનાવવા અને પ્રક્રિયાને વધુ પારદર્શક અને કાર્યક્ષમ બનાવવાની અપેક્ષા છે.
પાલિકાના ડેવલપમેન્ટ પ્લાન ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર સુનિલ રાઠોડે જણાવ્યું હતું કે અધૂરી એપ્લિકેશન, મિસીંગ ડોક્યુમેન્ટ, ડીસીઆરના ઉલ્લંઘન અને ફરજિયાત મંજૂરીઓના અભાવને કારણે બિલ્િંડગ પ્રસ્તાવે વારંવાર વાંધા સાથે પરત કરવામાં આવે છે, જેના કારણે અરજદારોને વારંવાર પ્રપોઝલમાં સુધારો અને ફરીથી સબમિટ કરવાની ફરજ પડે છે. આવા પ્રક્રિયાગત અવરોધો ઘણીવાર કેટલાક અઠવાડિયાથી મહિનાઓ સુધી વિલંબમાં પરિણમે છે. વાર્ષિક ધોરણે, લગભગ ૮,૦૦૦ રિડેવલપમેન્ટના પ્રસ્તાવ સબમિટ કરવામાં આવે છે, જેમાંથી લગભગ ૬૦ ટકા વિવિધ ટેક્નિકલ કારણોસર નકારી કાઢવામાં આવે છે. નવી એઆઈ-સંચાલિત સિસ્ટમ પ્રી-સ્ક્રુટીની તબક્કે જ ખામીઓને ઓળખીને અને પાંચથી છ દિવસમાં પ્રપોઝલને મંજૂરી મળવાની શકયતા છે.
રિડેવલપમેન્ટના પ્રોજેક્ટ ઝડપી બનશે
નવી સિસ્ટમ મુંબઈકરોને ઝડપી મંજૂરીઓ દ્વારા હાઉસિંગ અને પુનર્વિકાસ પ્રોજેક્ટ્સને ઝડપી બનાવીને લાભ મેળવી શકશે. ઘર ખરીદનારાઓ માટે વિલંબ અને અનિશ્ચિતતા ઘટાડશે. આર્કિટેક અને ડેવલપરોને નોંધપાત્ર ફાયદો થવાની અપેક્ષા છે કારણ કે એઆઈ-સંચાલિત ડિજિટલ પ્લેટફોર્મ વારંવાર સુધારા ઘટાડશે, સમય અને ખર્ચ બચાવશે અને એકંદર મંજૂરી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરશે. તે રસ્તાઓ, પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, ટ્રાફિક અને અન્ય નાગરિક માળખાગત સુવિધાઓના આયોજનને સુધારવામાં પણ મદદ કરશે.