-ભરત ભારદ્વાજ
પશ્ર્ચિમ બંગાળમાં મમતા બેનરજીને ઉખાડી ફેંકી ભાજપે સત્તા કબજે કરી તેનો ઓચ્છવ ચાલુ છે. ભાજપ ઓચ્છવ મનાવે તેમાં કશું ખોટું નથી કેમ કે બંગાળમાં ભાજપ મમતાને હરાવીને સત્તા કબજે કરે એ અશક્ય જ મનાતું હતું પણ ભાજપે આ અશક્યને શક્ય કરી બતાવ્યું છે. ભાજપે આ સિદ્ધિ કઈ રીતે મેળવી તેની ચોવટ પૂરજોશમાં ચાલી રહી છે ને મીડિયામાં બેઠેલા પત્રકારો તથા કહેવાતી વિશ્ર્લેષકો પોતપોતાની મતિ પ્રમાણે અલગ અલગ કારણો રજૂ કરી રહ્યા છે. કોઈ અમિત શાહની સ્ટ્રેટેજીને જશ આપી રહ્યું છે તો કોઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જબરદસ્ત મહેનત કરી તેમાં ભાજપ જીત્યો એવા દાવા કરી રહ્યું છે.
ઈવીએમમાં ગરબડ અને સરકારી તંત્રના દુરુપયોગના જોરે ભાજપ જીત્યો છે એવી વાતો કરનારા પણ પડ્યા છે ત્યારે મોદી સમર્થકોનો એક વર્ગ જુદું જ વાજું વગાડી રહ્યો છે. તેમનું કહેવું છે કે, આપણા વડ ાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝારમુરીને જોરે તૃણમૂલ કૉગ્રેસને હરાવી દીધી. અમિત શાહની મહેનત કે સ્ટ્રેટેજી નહીં કે સંઘની મહેનત પણ નહીં પણ ઝારમુરી ભાજપની જીતનું કારણ છે. મોદીએ બંગાળમાં 10 રૂપિયાની ઝારમુરી ખરીદીને માસ્ટરસ્ટ્રોક ફટકાર્યો તેમાં મમતાની 15 વર્ષથી જામેલી પાર્ટી ધૂળચાટતી થઈ ગઈ છે. બંગાળમાં ચૂંટણી પ્રચાર વખતે મોદીએ બજારમાંથી એક સામાન્ય દુકાનદાર પાસેથી 10 રૂપિયાની ઝારમુરી (સેવ મમરાની ભેળ) ખરીદી તેની બંગાળીઓના માનસ પર જોરદાર અસર થઈ ને ભાજપને જીતાડી દીધો એવો તેમનો દાવો છે.
આ દાવો હાસ્યાસ્પદ તો છે જ પણ ભાજપના કાર્યકરોના અપમાન સમાન છે. આપણે ત્યાં જીતનો જશ હંમેશાં નેતા લઈ જાય છે ને કાર્યકરો અનસંગ હીરો રહી જાય છે. અત્યારે પણ એવું જ થઈ રહ્યું છે કેમ કે બંગાળમાં ભાજપ 10 રૂપિયાની ઝાલમુરીના કારણે નહીં પણ 10 વર્ષની મહેનત પછી જીત્યો છે. આ 10 વર્ષમાં ભાજપના સેંકડો કાર્યકરોએ જીવ ગુમાવ્યા છે અને મમતા બેનરજી સરકારના અત્યાચારો સહન કર્યા છે. માલમતાના નુકસાનની તો કોઈ ગણતરી જ નથી.
મમતા બેનરજી પોતે ડાબેરીઓની ગુંડાગીરી સામે ગુંડાગીરી કરીને સત્તા પર આવ્યાં હતાં તેથી પોતાની સામેના વિરોધને દબાવી દેવા માટે ગુંડાગીરી કરતાં જ તેમને આવડતું હતું. ભાજપે મોરચો માંડ્યો પછી મમતાએ ભાજપને દબાવવા માટે પોતાના ગુંડાઓને છૂટા મૂકી દીધેલા. ભાજપના મોટા નેતા તો દિલ્હીમાં એસી કેબિનોમાં બેઠા હોય તેથી આ ગુંડાગીરીનો ભોગ ભાજપના કાર્યકરો જ બન્યા પણ આ કાર્યકરોએ મમતાની ગુંડાગીરી સામે ઘૂંટણ ટેકવવાના બદલે લડવાનું પસંદ કર્યું તેની આ જીત છે. ભાજપના કાર્યકરોએ આપેલી લડત, બલિદાનો અને ખુવારીને 10 રૂપિયાની ઝાલમુરી સામે ભૂલાવી દેવા એ નગુણાપણુ કહેવાય.
આ લડાઈમાં અમિત શાહે ભાજપ કાર્યકરોની આગેવાની લીધેલી એ પણ સ્વીકારવું પડે. અમિત શાહે 2016ની ચૂંટણીથી શરૂ કરીને સતત ત્રણ ચૂંટણી સુધી મમતા સામે જંગ ખેલ્યો છે. ભાજપના કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો છે. ભાજપને મમતાને હરાવવામાં મદદરૂપ થઈ શકે એવા શુભેન્દુ અધિકારી સહિતના નેતાઓને તોડીને ભાજપમાં લઈ આવવાની સ્ટ્રેટેજી પણ બનાવી. છેલ્લી ચૂંટણીમાં આ સ્ટ્રેટેજી નહોતી ફળી પણ આ નેતાઓ સાથે આવેલા કાર્યકરોને શાહે સાચવી રાખ્યા ને ભાજપની તાકાત વધારતા ગયા તેમાં ભાજપ જીત્યો છે.
ભાજપની જીતમાં બે દાયકા પહેલાં થયેલી મહેનતને પણ ભુલાવી દેવાઈ છે. ભાજપે બંગાળમાં પગપેસારો કરવા માટે અટલ બિહારી વાજપેયીના સમયમાં પણ બહુ મથામણ કરેલી પણ ફાવ્યો નહોતો. અલબત્ત એ વખતે સંગઠન બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ. તપનિ સિકદાર અને એક્ટર વિક્ટર બેનરજી સહિતના નેતાઓએ સાવ શૂન્ય પર ઉભેલા ભાજપને બંગાળમાં ઘુસાડ્યું ને તેના પર અમિત શાહ સહિતના નેતાઓએ મજબૂત સંગઠનની ઈમારત ઊભી કરી છે. એ વખતે બંગાળમાં ડાબેરીઓના એકચક્રી શાસનના દિવસો હતા. ટ્રેડ યુનિયનો અને નકસલવાદી ચળવળના જોરે ગ્રામીણ ખેતમજૂરો પર ભૂરકી છાંટીને મજબૂત મતબેંક ઊભી કરનારા ડાબેરીઓને કોઈ હરાવી શકે એવી કલ્પના પણ નહોતી થઈ શકતી. કૉંગ્રેસ ત્યારે બંગાળમાં મુખ્ય વિરોધ પક્ષ હતો પણ કૉંગ્રેસના ઘરડા ને ડાબેરીઓના દલાલ જેવા નેતાઓને ડાબેરીઓને હરાવવા કરતાં વધારે રસ પોતાની પાર્ટીના બીજા નેતા મોટા ના થઈ જાય તેમાં હતો. તેના કારણે કૉંગ્રેસમાં ભારે ટાંટિયાખેંચ ચાલતી ને સાવધ ના રહે તો ધોતિયું સુધ્ધાં ઊતરી જાય એવા દાવપેચ થતા.
મમતા બેનરજીએ આ બધાથી કંટાળીને જ કૉંગ્રેસ છોડેલી ને 1996માં ઓલ ઈન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસની રચના કરેલી પણ બે દાયકાથી જામેલા ડાબેરીઓને હરાવવા નાનીમાના ખેલ નહોતા. મમતાની લડાયકતા વિશે બેમત નથી ને મમતાના ડાબેરીઓને ભોંયભેગા કરવાના ઈરાદા વિશે પણ શંકા નહોતી તેથી ભાજપે મમતા સાથે હાથ મિલાવેલા. 1998ની લોકસભા ચૂંટણીમાં ભાજપ અને મમતાની તૃણમૂલ કોંગ્રેસ સાથે મળીને લડેલાં. ભાજપ 14 બેઠક પર લડ્યો તેમાંથી 2 બેઠક જીતેલો જ્યારે તૃણમૂલ 28 બેઠકમાંથી 7 બેઠક જીતેલી. 1999માં તૃણમૂલ 28 બેઠકમાંથી આઠ જીતેલી જ્યારે ભાજપ 13માંથી 2 બેઠક જીતેલો. ભાજપે પોતાના ક્વોટાની એક બેઠક અપક્ષ ઉમેદવાર નટવર બાગડીને આપી દીધેલી પણ એ હારી ગયેલા.
મમતાએ 2001ની વિધાનસભા ચૂંટણીમાં પલટી મારીને કૉંગ્રેસ સાથે હાથ મિલાવેલા પણ આ સંઘ કાશીએ નહોતો પહોંચ્યો. મમતાની પાર્ટી 60 બેઠક જીતીને મુખ્ય વિરોધ પક્ષ બની પછી મમતા પાછાં ભાજપ તક ઢળી ગયેલાં પણ મમતા સાથે મળીને ભાજપે બંગાળમાં જે ટેમ્પો જમાવેલો એ ટેમ્પો ફરી ના જ જામ્યો તેથી 2014 સુધીમાં તો ભાજપ બંગાળમાં નામશેષ જ થઈ ગયેલો. અમિત શાહ સહિતના નેતાઓએ 2015થી હાથ ધરેલા મિશનના કારણે ભાજપ જીત્યો છે.
લોકસભાની 2014ની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત મેળવી ત્યારથી જ ભાજપે પશ્ચિમ બંગાળમાંથી મમતાને ઉખાડી ફેંકવાનો ટાર્ગેટ નક્કી કરી નાખેલો. ભાજપે અંગ, બંગ અને કલિંગ કબજે કરવા માટે એ વખતથી જ મહેનત શરૂ કરી દીધેલી. અંગ પ્રદેશ એટલે બિહાર, બંગ એટલે બંગાળ અને કલિંગ એટલે ઓડિશા. બિહારમાં નીતીશ કુમાર 10 વર્ષથી જામેલા હતા ને ત્યારે ભાજપના વિરોધી હતા. ઓડિશામાં નવિન પટનાઈક તો છેક 2000થી જામેલા હતા. એક સમયે ભાજપના સાથી નવિન પણ પછીથી ભાજપથી નોખા થઈ ગયેલા.
મમતા 2011માં જ મુખ્ય પ્રધાન બનેલાં તેથી સૌથી જુનિયર હતાં પણ ભાજપના મિશનમાં આ ત્રણેય રાજ્યો હતાં જ. બિહાર ભાજપે ધીરે ધીરે પોતાની તાકાત વધારીને નીતીશને ઘરે બેસવાની ફરજ પાડીને કબજે કર્યું જ્યારે ઓડિશામાં નવિનને 2024માં હરાવી દીધેલા. હવે મમતાનો વારો આવી ગયો તેથી અંગ, બંગ અને કલિંગ ત્રણેય ભાજપના કબજામાં છે.