Tue Sep 01 2026

Logo

છત્તીસગઢના બિલાસપુર એરપોર્ટ પર ફલાઈટનું ટાયર ફાટ્યું, કોઇ જાનહાનિ નહિ

2026-08-28 20:14:08
Author: Chandrakant Kanoja
છત્તીસગઢના બિલાસપુર એરપોર્ટ પર ફલાઈટનું ટાયર ફાટ્યું, કોઇ જાનહાનિ નહિ

બિલાસપુર: છત્તીસગઢના બિલાસપુર એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં દિલ્હી-બિલાસપુર એલાયન્સ એરની ફ્લાઇટના લેન્ડિંગ દરમિયાન ટાયર ફાટી ગયું હતું. જોકે, આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિના કોઇ સમાચાર નથી. 

ફ્લાઇટમાં 37 મુસાફરો અને 4 ક્રૂ સભ્યો હતા

આ અંગે મળતી માહિતી મુજબ  દિલ્હીથી બિલાસપુર જતી એલાયન્સ એરની ફ્લાઇટ લેન્ડિંગની તૈયારીમાં હતી ત્યારે અચાનક વિમાનનું એક ટાયર ફાટી ગયું હતું. આ ફ્લાઇટમાં 37 મુસાફરો અને 4 ક્રૂ સભ્યો હતા.જોકે અચાનક  ટાયર ફાટવાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો.

મુસાફરોને સુરક્ષિત રીતે રનવે પર લાવવામાં આવ્યા

આ અંગે  બિલાસપુરના એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે દરેક મુસાફરને સુરક્ષિત રીતે રનવે પર લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બધા મુસાફરોને ટર્મિનલ બિલ્ડિંગમાં લઈ જવામાં આવ્યા હતા. તેમજ અધિકારીઓ જણાવ્યું હતું કે, આ દુર્ઘટના બાદ વિમાન કંપનીની આગામી તમામ ફ્લાઇટ રદ કરવામાં આવી છે. 

બિહારના દરભંગા એરપોર્ટ પણ આવી જ દુર્ઘટના સર્જાઇ હતી 

ઉલ્લેખનીય છે કે, આવી જ દુર્ઘટના આ પૂર્વે બિહારના દરભંગામાં બની હતી. જેમાં મુંબઈથી જઇ રહેલી સ્પાઈસજેટની ફ્લાઇટનું ટાયર દરભંગા એરપોર્ટ પર ફાટ્યું હતું. અહેવાલો અનુસાર, આ ઘટના લેન્ડિંગ દરમિયાન બની હતી. તે સમયે વિમાનમાં આશરે 148  મુસાફરો સવાર હતા. જોકે, બધાનો બચી ગયો હતો.