Sun Aug 30 2026

Logo

અમરેલીના ભુરખિયા ધામે હનુમાન જયંતિએ સ્વયંભૂ દાદાના દ્વારે શ્રદ્ધાનું ઘોડાપૂર, મેળા જેવો માહોલ!

2026-04-02 09:56:00
Author: Devayat Khatana
અમરેલીના ભુરખિયા ધામે હનુમાન જયંતિએ સ્વયંભૂ દાદાના દ્વારે શ્રદ્ધાનું ઘોડાપૂર, મેળા જેવો માહોલ!

લાઠી: આજે હનુમાન જયંતીનો સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે સવારથી જ હનુમાન મંદિરોમાં ભક્તોના ભારે ઘસારો રહ્યો છે, હનુમાન મંદિરોમાં આજે વિશેષ પૂજા તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખીયા હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવ હનુમાન જયંતિની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. 

લાઠી તાલુકાના ભૂરખિયા ગામે સ્વયંભૂ પ્રગટ ભુરખીયા હનુમાનજીના પ્રાગટ્ય મહોત્સવનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહી  માત્ર સૌરાષ્ટ્રમાંથી જ નહીં પરંતુ ગુજરાત તેમજ મુંબઈથી પણ ભક્તો ઉમટી પડે છે. ભૂરખિયા આસપાસના લાઠી, ઢસા, દામનગર, અમરેલી, પાલીતાણા અને ગઢડા જેવા વિસ્તારોમાંથી આજે આશરે લાખો શ્રદ્ધાળુઓ દાદાના દર્શનાર્થે આવતા હોય છે. આજે ભૂરખિયા ગામે મેળા જેવો માહોલ હોય છે. 

હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ લાઠી તાલુકાના વિશ્વવિખ્યાત યાત્રાધામ ભુરખિયા હનુમાન મંદિરે આસ્થા અને ભક્તિનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અમરેલી સહિત આસપાસના જિલ્લાઓમાંથી હજારો શ્રદ્ધાળુઓ દાદાના દર્શન માટે પદયાત્રા કરીને ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર માર્ગો "જય હનુમાન" ના નાદ સાથે ગુંજી ઉઠ્યા હતા. આ વર્ષે વિશેષ આકર્ષણ એ રહ્યું કે, ઇતિહાસમાં પ્રથમ વખત જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, ડીવાયએસપી સહિતનો પોલીસ પરિવાર પણ સામાન્ય ભક્તોની જેમ પદયાત્રામાં જોડાયો હતો. રાતભર ચાલેલા આ ભક્તિના પ્રવાહમાં પોલીસ અધિકારીઓએ લોકસેવા સાથે પર્યાવરણ અને સારા વરસાદની પ્રાર્થના પણ કરી હતી.

પદયાત્રાના રૂટ પર સેવાભાવી સંસ્થાઓ દ્વારા ભક્તો માટે ઠેર-ઠેર પાણી, ઠંડા પીણા, નાસ્તા અને આરામની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરમિયાન ઉર્જામંત્રી કૌશિક વેકરીયાએ પણ સેવા કેન્દ્રોની મુલાકાત લીધી હતી અને જાતે ઉભા રહીને પદયાત્રીઓને પ્રસાદનું વિતરણ કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.