Sun Sep 06 2026

Logo

નમો ભારત રેલ મેન્ટેનન્સમાં: હવે ભુજ અને અમદાવાદ વચ્ચે મેમુ ટ્રેન સંભાળશે મુસાફરોનો ભાર

2026-03-03 10:45:00
Author: Mumbai Samachar Team
નમો ભારત રેલ મેન્ટેનન્સમાં: હવે ભુજ અને અમદાવાદ વચ્ચે મેમુ ટ્રેન સંભાળશે મુસાફરોનો ભાર

 

ભુજઃ કચ્છ અને અમદાવાદ વચ્ચે મુસાફરી કરતા પ્રવાસીઓ માટે રેલવે વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલ મેન્ટેનન્સમાં જવાની હોવાથી, તેના સ્થાને હવે નોન-એસી મેમુ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવતાં કચ્છના ઇતિહાસમાં પ્રથમ વખત ભુજ અને અમદાવાદ વચ્ચે મેમુ ટ્રેન સેવાનો પ્રારંભ થશે.

આઠ કોચની મેમુ ટ્રેન દોડાવવામાં આવશે

રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ભુજથી અમદાવાદનું અંતર માત્ર પાંચ કલાકમાં કાપતી આ સેમી હાઈ-સ્પીડ એસી ટ્રેનને ત્રીજી માર્ચથી અંદાજિત ૧૫ થી ૨૦ દિવસ માટે  મેન્ટેનન્સ માટે વર્કશોપમાં મોકલવામાં આવશે. મુસાફરોની સુવિધા જળવાઈ રહે તે માટે આઠ કોચની મેમુ ટ્રેન દોડાવવામાં આવશે.

એસી ટ્રેનની સરખામણીએ મેમુ ટ્રેનનું ભાડું ઘણું ઓછું રહેશે

મુસાફરો માટે રાહતના સમાચાર એ છે કે ટ્રેનના સમયપત્રકમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી. મેમુ ટ્રેન, નમો ભારતના નિર્ધારિત સમયે જ દોડશે. ઝડપમાં પણ ખાસ તફાવત નહીં હોય. એસી ટ્રેનની સરખામણીએ મેમુ ટ્રેનનું ભાડું ઘણું ઓછું રહેશે. સૂત્રોના જણાવ્યા મુજબ, ટિકિટનો દર રૂ. ૧૫૦ની અંદર રહેવાની શક્યતા છે. અલબત્ત આ ટ્રેન નોન-એસી હોવાથી પ્રવાસીઓએ વાતાવરણ અને સુવિધામાં થોડી બાંધછોડ કરવી પડશે. ખાસ કરીને વિદ્યાર્થીઓ અને મેડિકલ સારવાર માટે જતા દર્દીઓ માટે આ ટ્રેન સેવા ચાલુ રાખવી અનિવાર્ય હોવાથી આ નિર્ણય લેવાયો છે. 

ઉલ્લેખનીય છે કે, નમો ભારત ટ્રેન શરૂ થયા બાદ અગાઉ પણ બે-ત્રણ વખત ટેકનિકલ કારણોસર એક-બે દિવસ માટે રદ કરવામાં આવી હતી. ઓટોમેટિક દરવાજા ન ખૂલવા જેવી નાની-મોટી ફરિયાદો પણ સામે આવી હતી, જેના કાયમી નિરાકરણ માટે આ લાંબુ મેન્ટેનન્સ હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

(ઉત્સવ વૈદ્ય)