Fri Jun 19 2026

Logo

ભરૂચમાં વીજળી ગુલ થતા મિણબત્તીના સહારે મતદાન, મોબાઈલ લાઈટ ચાલું કરી પહોંચ્યા મતદારો

2026-04-26 10:17:00
Author: Mumbaisamachar Team
Article Image

AI Image


ભરૂચઃ ભરૂચ નગરપાલિકાના વૉર્ડ નં.2માં ઈકરા મતદાન મથક પર જ્યારે મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી એ સમયે અચાનક વીજ પુરવઠો ખોરવાયો હતો. વીજળી ગુલ થતા મતદારો તથા વહીવટી સ્ટાફ એકાએક મુશ્કેલીમાં મૂકાઈ ગયો હતો. સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. એવામાં ભરૂચ નગરપાલિકામાં વૉર્ડ નં.2માં સવારના સમયે અચાનક વીજ પુરવઠો ખોરવાયો હતો. મતદાન મથકમાં અંધકાર છવાઈ ગયો હતો.

ધોળા દિવસે અંધારૂ
આકરી ગરમી વચ્ચે અચાનક વીજળી ગુલ થતા એકાએક લાઈટ-પંખા અને કુલર બંધ પડી ગયા હતા. લોકોએ મિણબત્તીના સહારે મતદાન કર્યું હતું. ઈકરા બુથ પર જ્યારે મતદાનની કામગીરી ચાલી રહી હતી એ સમયે અચાનક વીજળી ગુલ થઈ ગઈ હતી. મતદાન કેન્દ્રમાં ધોળા દિવસે અંધારૂ જોવા મળ્યું હતું. મતદારોએ મિણબત્તીના સહારે મતદાન કર્યું હતું. અમુક મતદારોએ મોબાઈલની લાઈટના-ટોર્ચના સહારે મતદાન કર્યું હતું. સમગ્ર મામલો પ્રકાશમાં આવતા વહીવટી તંત્રની ટીમ દોડી ગઈ હતી. મતદારોએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, વીજળી ગુલ થતા ઈવીએમ પણ બંધ પડી ગયા હતા. 

ફરીથી મતદાન શરૂ થયું
ઈકરા સ્કૂલ ખાતે મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું હતું. મતદાન કુટિરની પાછળના ભાગે મિણબત્તી કરીને મતદાન કરવું પડે એવી સ્થિતિ જોવા મળી હતી. થોડા સમયમાં વીજ વિભાગના સ્ટાફનો સંપર્ક કરવામાં આવ્યો અને ફરીથી વીજ પુરવઠો યથાવત કરવામાં આવ્યો હતો. થોડા સમય માટે પરેશાન થયેલા મતદારો અને વહીવટી તંત્રના સ્ટાફે સ્થિતિ થાળે પાડી હતી. મતદાતાઓએ અંધારામાં પણ મતદાન કરીને પોતાનો અધિકાર વ્યક્ત કર્યો હતો. પછી પરિસ્થિતિ વ્યવસ્થિત થતા મતદાન ફરીથી શરૂ થયું હતું.