Thu Jun 25 2026

Logo

તીર્થયાત્રાઃ ચારધામ યાત્રા શ્રેણીનો પ્રારંભ તીર્થયાત્રા એક તપશ્ચાર્યા છે આવી યાત્રા વખતે શું શું ધ્યાનમાં રાખવું...

2026-05-04 09:23:00
Author: BhaanDev
Article Image

ભાણદેવ

નોંધ: યોગવિદ્યાના નિષ્ણાત, અધ્યાત્મનું ગૂઢ જ્ઞાન ધરાવતાં ભાણદેવે અનેક વિષયો પર પુસ્તકો લખ્યાં છે. તેઓ  હવે આપણને તીર્થયાત્રાનું મહાત્મ્ય સમજાવશે. એના માટે ‘ધર્મતેજ’ પૂર્તિના આ અંકથી ભાણદેવના અનુભવોનું સચોટ માર્ગદર્શન વાંચવાનું ચુકતા નહીં. 

હિમાલય તો તીર્થભૂમિ છે. હિમાલયનો સમગ્ર વિસ્તાર જ તીર્થ છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. હિમાલયમાં આવેલાં તીર્થોનો વિચાર કરીએ તો પણ  ગણ્યાં ગણાય નહીં અને જોયે પાર ન આવે તેટલાં તીર્થો છે.

હવે આપણી સમક્ષ સવાલ આવે છે તીર્થયાત્રા શા માટે ?

1. દરેક સ્થાનને પોતાનું સૂક્ષ્મ વાતાવરણ હોય છે, આંદોલનો હોય છે. શાક માર્કેટ અને મંદિરમાં ભેદ તો છે જ અને વ્યક્તિ જે વાતાવરણમાં જાય, રહે તેની તેના ઉપર અસર થાય જ છે. તીર્થોના પ્રશાંત, પવિત્ર અને દૈવી પરિવેશમાં અવગાહન કરવા માટે જવું તે તીર્થયાત્રાનો પ્રથમ ઉદ્દેશ છે.

2. મંદિરમાં દેવદર્શન માટે જઇએ, ગંગામાં સ્નાન કરીએ, કૈલાસની પરિક્રમા કરીએ, વૃંદાવનમાં નિવાસ કરીએ તો એ માત્ર ભૌતિક ઘટના કે બહિરંગ ક્રિયા જ નથી. એ બહિરંગ ક્રિયાની સાથે સાથે વ્યક્તિની ચેતનામાં કોઇક સૂક્ષ્મ ઘટના પણ ઘટે છે, જેની એના જીવન પર અસર થાય છે. યાત્રા એક પુણ્યકાર્ય છે અને પુણ્યકાર્ય વ્યર્થ જતું નથી. એની જન્મોજન્માંતરો સુધી અસર રહે છે. એક શિવભક્ત દ્વાદશ જ્યોતિર્લિંગની પગપાળા યાત્રા કરે કે કૃષ્ણભક્ત વ્રજપરિક્રમા કરે તો તેનું સૂક્ષ્મ અને રહસ્યપૂર્ણ મૂલ્ય પણ વધે છે. નરી આંખે ન દેખાય તે બધું ખોટું માનવું નહીં. નરી આંખની શક્તિ ઘણી ઓછી છે.

3. તીર્થયાત્રાથી સાધુ-સંતોનાં દર્શન અને સત્સંગ થાય છે. એવી ભ્રામક માન્યતા સેવવી નહીં કે આ જમાનામાં કોઈ સાચા સંતો કે સાધકો છે જ નહીં. ‘બહુરત્ના વસુંધરા’, આ પૃથ્વી કદી સંતવિહોણી બની નથી, બની શકે નહીં. તેથી નમ્રભાવે અને ખૂલ્લા હૃદયે સંતોના દર્શને જવું.

4. તીર્થયાત્રા એક પ્રાયશ્ર્ચિત્ત-કર્મ છે. દુષ્કર્મોનાં પરિણામમાંથી મુક્ત થવાનો તે ઉપાય છે. માતૃહત્યાના પ્રાયશ્ર્ચિત્ત માટે પરશુરામજીએ એક વર્ષ સુધી ભારતનાં બધાં તીર્થોની યાત્રા કરી હતી. સૂતજીની હત્યા પછી બલરામજીએ ભારતની તીર્થયાત્રા કરી હતી.

5. તીર્થયાત્રા વ્યક્તિના દૃષ્ટિકોણને વ્યાપક બનાવે છે. તીર્થયાત્રા વ્યક્તિને ઉદાર બનાવે છે. તેનાથી કૂપમંડૂકતાનું કોચલું ભેદાય છે. 

6. તીર્થયાત્રા એક તપશ્ર્ચર્યા છે. તીર્થયાત્રા એક અનુષ્ઠાન છે. તીર્થયાત્રાથી ચિત્તશુદ્ધિ થાય છે. 

7. તીર્થયાત્રા, ખાસ કરીને હિમાલયની તીર્થયાત્રા દરમિયાન પરમાત્માની રચેલી આ સુંદર સૃષ્ટિનું દર્શન થાય છે.

8. તીર્થયાત્રા અધ્યાત્મપથના પથિકને પ્રેરણાનું અમૂલ્ય ભાથું આપી શકે છે.

હિમાલયના યાત્રીને ઉપયોગી થાય તેવી કેટલીક બાબતો અહીં નોંધું છું:

1. સામાન્યત: હિમાલયની યાત્રા મે માસથી ઓક્ટોબર સુધી થાય છે, પરંતુ જેમનામાં ઠંડી સહન કરવાની શક્તિ હોય છે અને બરફનાં પેટ ભરીને દર્શન કરવાં હોય તેઓ શિયાળામાં પણ કેટલાંક તીર્થોની યાત્રા કરી શકે છે.

બદરીનાથના રસ્તે જોષીમઠ સુધી, કેદારનાથના રસ્તે ઉખીમઠ સુધી, ગંગોત્રીના રસ્તે ઉત્તરકાશી સુધી શિયાળામાં પણ જઈ શકાય છે. પશુપતિનાથની યાત્રા તો વિશેષત: શિવરાત્રિ પર થાય છે. કાશ્મીરમાં બરફને જોવા-માણવા માટે ગુલમર્ગ, સોનમર્ગ આદિ સ્થાનોમાં શિયાળાનો સમય વધુ અનુકૂળ છે, પરંતુ આ તો વિશેષ સંયોગમાં અને વિશેષ વ્યક્તિઓ માટેની વાત છે. સામાન્યત: તો હિમાલયની યાત્રા મે માસથી ઑક્ટોબર સુધી થાય છે.

મે-જૂનમાં ઋતુ સારી પણ ગિરદી ખૂબ હોય છે. જુલાઈ-ઑગસ્ટમાં જઈ શકાય છે, પણ વરસાદ હોય છે. લડાખ, મુક્તિનાથ, દામોદરકુંડ વગેરે સ્થાનોમાં વરસાદ નહિવત્ હોય છે, તેથી તેવાં સ્થાનોમાં જુલાઈ-ઑગસ્ટમાં જઈ શકાય છે. હિમાલયના પૂર્વ ભાગ કરતાં પશ્ચિમ ભાગમાં વરસાદ ઓછો છે, તેથી કાશ્મીર, હિમાચલ પ્રદેશ આદિ વિસ્તારોમાં વરસાદ બહુ નડતો નથી.

અમરનાથ, દામોદરકુંડ જેવા કેટલાંક સ્થાનોમાં અષાઢ-શ્રાવણ માસ દરમિયાન જ જઈ શકાય છે. બાકીના સમયે ત્યાં ખૂબ બરફ જામેલો રહે છે. 15મી ઑગસ્ટથી 15 ઑક્ટોબર સુધી વરસાદ ઓછો હોય છે, ગિરદી ઓછી હોય છે અને  પ્રાકૃતિક સૌન્દર્ય ભરપૂર ખીલ્યું હોય છે, તેથી હિમાલયયાત્રાનો ઉત્તમ સમય આ બે મહિના છે.    (ક્રમશ:)