Sun Apr 19 2026

Logo

મહિલાઓ માટે આ શ્રેષ્ઠ ઈન્ડો-વેસ્ટર્ન સમર સ્ટાઈલ

2026-03-12 09:07:00
Author: ખુશ્બુ મુલાણી ઠક્કર
Article Image

ફેશનઃ

ખુશ્બુ મુલાણી ઠક્કર

ઉનાળાની ગરમીમાં પણ સ્ટાઈલિશ અને આરામદાયક રહેવું એ આજના સમયની મહિલાઓની પ્રાથમિકતા છે. ઈન્ડો-વેસ્ટર્ન ફેશન એ ભારતીય પરંપરાગત તત્ત્વો અને પશ્ચિમી આધુનિકતાનું સુંદર મિશ્રણ છે, જે ઉનાળામાં ખાસ કરીને લોકપ્રિય બને છે. હળવા ફેબ્રિક્સ, બ્રીથેબલ મટિરિયલ્સ અને સ્ટાઈલિશ ડિઝાઈન્સ સાથે આ સ્ટાઈલ્સ તમને કૂલ અને ચિક લૂક આપે છે.  તો ચાલો આજે આપણે મહિલાઓ માટે ઉનાળા માટેના ટોપ પાંચ ઈન્ડો-વેસ્ટર્ન સ્ટાઈલ્સ વિશે વાત કરીશું, જે તમને પાર્ટી, કેઝ્યુઅલ આઉટિગ કે ઓફિસમાં પણ સુંદર લૂક આપશે.

કોટન ક્રોપ ટોપ અને ફ્લોવી સ્કર્ટ સેટ

ઉનાળામાં સૌથી વધુ પસંદ કરાતી સ્ટાઈલ છે કોટન ક્રોપ ટોપ સાથે ફ્લોવી મેક્સી કે મિડી સ્કર્ટ. ભારતીય પ્રિન્ટ્સ જેમ કે ફ્લોરલ, અજરખ કે બંધેજ પ્રિન્ટ વાળી સ્કર્ટ સાથે સ્ટે્રપી અથવા ઓફ-શોલ્ડર ક્રોપ ટોપ પહેરી શકાય. આ કોમ્બિનેશન પહેરવામાં લાઈટ અને બ્રીથેબલ છે, જે ગરમીમાં પણ આરામ આપે છે. 

તેને સિલ્વર ઓક્સિડાઈઝ્ડ જ્વેલરી અને મોજડી સાથે પેર કરો તો લૂક પરફેક્ટ બને છે. આ સ્ટાઈલ બ્રન્ચ, કોલેજ કે કેઝ્યુઅલ પાર્ટી માટે આદર્શ છે. 

કલર્સમાં પેસ્ટલ શેડ્સ જેમ કે મિન્ટ ગ્રીન, પાઉડર બ્લુ કે લવેન્ડર ખૂબ જ ટે્રન્ડી છે. જો તમાં શરીર ભરેલું હોય તો તમે એ લાઈન સ્કર્ટ પહેરી શકો અને જો સુડોળ શરીર હોય તો બધી જ ટાઈપના સ્કર્ટ પહેરી શકાય.

પ્રી-સ્ટીચ્ડ ઈન્ડો-વેસ્ટર્ન સાડી અથવા ડ્રેપ સ્ટાઈલ  

પરંપરાગત સાડીને મોડર્ન ટ્વિસ્ટ આપવા માટે પ્રી-સ્ટીચ્ડ ઈન્ડો-વેસ્ટર્ન સાડી શ્રેષ્ઠ વિકલ્પ છે. શિફોન કે કોટન-બ્લેન્ડ મટિરિયલમાં બનેલી આ સાડીઓ ઝડપથી પહેરી શકાય છે અને ઉનાળામાં હળવી રહે છે. સ્લિટ વાળી ડિઝાઈન અથવા ક્રોપ બ્લાઉઝ સાથે પહેરી શકાય. 

ડ્રેપ સેટ્સ જેમ કે ધોતી સ્કર્ટ સાથે ક્રોપ ટોપ પણ અત્યારે ટ્રેન્ડમાં છે. આ સ્ટાઈલ ઈવનિંગ આઉટિગ કે ફેમિલી ફંક્શન માટે બહુ સુંદર લાગે છે. એમ્બ્રોઈડરી અથવા લાઈટ બીડવર્ક વાળી ડિઝાઈન પસંદ કરો જેથી લૂક ગ્લેમરસ બને પણ ભારે ન લાગે.

કલર-બ્લોકિગ અથવા પ્રિન્ટેડ કોટન ડ્રેસ

સિંગલ પીસ ઈન્ડો-વેસ્ટર્ન ડે્રસ ઉનાળા માટે સૌથી સરળ અને કમ્ફર્ટેબલ છે. કલર-બ્લોકિગ ડિઝાઈન જેમ કે પિંક-ગ્રીન અથવા બ્લુ-વ્હાઈટ કોમ્બિનેશન સાથે એમ્બ્રોઈડરીવાળા કોટન ડ્રેસ ખૂબ જ પોપ્યુલર છે. લેયર્ડ ડ્રેસ અથવા ફ્લોરલ પ્રિન્ટેડ કોટન ડ્રેસ પણ પહેરી શકાય. આ ડ્રેસને બ્લોક હીલ્સ અથવા ફ્લેટ સેન્ડલ્સ સાથે પેર કરી શકાય. આ સ્ટાઈલ દિવસના કાર્યક્રમો માટે પરફેક્ટ છે અથવા તો કોફી ડેટ કે કીટી પાર્ટી માટે પણ પહેરી શકાય. આ સ્ટાઇલ માટે ફ્લોરલ પ્રિન્ટ કે જોમેટ્રીક પ્રિન્ટ સારી લાગી શકે અથવા તમે કલમકારી પ્રિન્ટનો પણ ઉપયોગ કરી શકો.

પ્લાઝો અથવા વાઈડ-લેગ પેન્ટ સાથે કુર્તી અથવા ટ્યુનિક

ઈન્ડો-વેસ્ટર્નમાં પ્લાઝો પેન્ટ અને શોર્ટ કુર્તી કે ટ્યુનિકનું કોમ્બિનેશન ઉનાળામાં ખૂબ જ કમ્ફર્ટેબલ છે. લિનન અથવા કોટનના હળવા ફેબ્રિકમાં બનેલા પ્લાઝો સાથે એમ્બ્રોઈડર્ડ અથવા પ્રિન્ટેડ ટોપ પહેરી શકાય. આ સ્ટાઈલમાં દુપટ્ટા અથવા સ્ટ્રીલ પણ પહેરી શકાય. રંગોમાં ન્યૂટ્રલ ટોન્સ જેમ કે બેજ, વ્હાઈટ કે પેસ્ટલ્સ પસંદ કરી શકાય.. આ લૂક ઓફિસ, કોલેજ કે કેઝ્યુઅલ મીટિગ માટે એકદમ પરફેક્ટ છે. તેમાં મોડર્ન તેમજ એથનિક બંનેનો ટચ છે. 

જો તમારૂ શરીર ભરેલું હોય તો વાઈડ લેગ પેન્ટ સાથે તમે લોન્ગ કુર્તી પહેરી શકો જેથી હિપ અને કમરનો ભાગ વધારે હોય તો ખરાબ ન લાગે. કુર્તીનું ફેબ્રિક કોટન, રેયોન કે પછી મોડાલ  સિલ્ક હોવું જોઈએ કે જે પહેરવામાં આરામદાયક લાગે છે. જો તમાં શરીર સુડોળ હોય તો વાઈડ લેગ પેન્ટ સાથે હોલ્ટર ટોપ, સ્પેગેટી ટોપ કે પછી સ્લીવલેસ જેવા ફેન્સી ટોપ પહેરી શકાય.

લહેંગા સ્કર્ટ સાથે ક્રોપ ટોપ અથવા બ્લાઉઝ

પાર્ટી અને ફંક્શન માટે લહેંગા સ્કર્ટને વેસ્ટર્ન ક્રોપ ટોપ સાથે પહેરી શકાય, એ ટ્રેન્ડી સ્ટાઈલ છે. હળવા ફેબ્રિક જેમ કે નેટ અથવા જોર્જેટમાં બનેલી ફ્લેર્ડ લહેંગા સ્કર્ટ સાથે બીડેડ અથવા એમ્બ્રોઈડર્ડ ક્રોપ ટોપ ખૂબ જ ગ્લેમરસ લાગે છે. ઉનાળામાં લાઈટવેઈટ લહેંગા પસંદ કરો જેથી ગરમી ન લાગે. આ સ્ટાઈલને સ્ટેટમેન્ટ જ્વેલરી અને હીલ્સ સાથે કમ્પ્લીટ કરો. આ લૂક વેડિગ, એન્ગેજમેન્ટ કે કોકટેલ પાર્ટીમાં તમને સ્ટાર બનાવશે.

આ પાંચેય સ્ટાઈલ્સ ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરાયેલા છે અને તેમાં કોટન, લિનન, સિફોન જેવા બ્રીથેબલ ફેબ્રિક્સનો ઉપયોગ થાય છે.એક્સેસરીઝમાં ઓક્સિડાઈઝ્ડ જ્વેલરી, જૂત્તી કે સેન્ડલ્સ પસંદ કરો અને મેકઅપને નેચરલ રાખો. ઈન્ડો-વેસ્ટર્ન ફેશન તમને તમારા કલ્ચરલ રૂટ્સ સાથે જોડીને મોડર્ન લૂક આપે છે. આ સ્ટાઈલ્સ અજમાવો અને ઉનાળામાં પણ સ્ટાઈલિશ રહો!